ફટાકડા NOC: છેલ્લી ઘડીએ સત્તા ફરી ફાયર વિભાગને!
દિવાળી પહેલાં નિયમબદલથી વેપારીઓ અટવાયા; સુરક્ષા તપાસનો સમય ખૂટ્યો

ફટાકડા વેચાવા માંડ્યા પછી હવે ફાયર NOC

ફટાકડા વેચાવા માંડ્યા પછી હવે ફાયર NOC
દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે ગુજરાતમાં ફટાકડાના વેચાણ અને સંગ્રહ માટે જરૂરી નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) આપવાની સત્તાને લઈને રાજ્ય સરકારમાં મોટો વિવાદ ઊભો થયો છે. છેલ્લી ઘડીએ શહેરી વિકાસ વિભાગે તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારમાં ફટાકડા વેચવા કે સંગ્રહ કરવા માટેની NOC આપવાની સત્તા ફરી એકવાર ફાયર વિભાગને સોંપી દીધી છે.
સત્તાના ફેરબદલનો વિવાદ
હકીકતમાં, ગૃહ વિભાગે ૯ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ એક પરિપત્ર બહાર પાડીને ૫૦૦ ચોરસ મીટર કરતા ઓછું માપ ધરાવતી દુકાન કે એકમોને ફટાકડા સંબંધિત લાયસન્સ અને ફાયર NOC આપવાની સત્તા જે તે પોલીસ કમિશનર દ્વારા કરાવવાનો નિર્ણય લીધો હતો. જોકે, રાજ્યના ડીજીપીએ ટિપ્પણી કરી હતી કે પોલીસ પાસે આ પ્રકારની ટેક્નિકલ બાબતો માટે પૂરતા કર્મચારીઓ કે કુશળતાનો અભાવ છે. આ ટીપ્પણીના પગલે સત્તા ફરી ફાયર વિભાગને સોંપવાની માગ ઊઠી હતી.

આ વિવાદના અંતે, રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે નવો પરિપત્ર જાહેર કર્યો છે, જે મુજબ ૫૦૦ ચોરસ મીટરથી વધુ ક્ષેત્રફળ ધરાવતા એકમો માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અને ૫૦૦ ચોરસ મીટરથી ઓછું ક્ષેત્રફળ ધરાવતા એકમો માટે ફાયર સેફ્ટી NOC સહિતની સત્તા પુનઃ ફાયર વિભાગને સોંપી દેવામાં આવી છે.
સુરક્ષા અને સમયનો સવાલ
એક તરફ સરકારી તંત્ર દ્વારા છેલ્લી ઘડી સુધી અનિર્ણાયક સ્થિતિ જાળવી રાખવામાં આવી હતી, તો બીજી તરફ અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં ફટાકડાનું ધમધોકાર વેચાણ ઘણા દિવસોથી શરૂ થઈ ગયું છે. અમદાવાદમાં રાયપુર અને દિલ્હી દરવાજા બહારના કેન્દ્રો પર ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે. એક અંદાજ મુજબ, શહેરમાં રોડની ફૂટપાથથી લઈને નાની-મોટી લગભગ ત્રણ હજાર દુકાનોમાં ફટાકડાનું વેચાણ થાય છે.

દિવાળીને માંડ એક સપ્તાહ બાકી છે, ત્યારે ફાયર વિભાગ માટે આ તમામ હજારો સ્થળોની તપાસ કરીને NOC આપવાની પ્રક્રિયા ટૂંકા સમયમાં પૂર્ણ કરવી એક મોટો પડકાર છે. સરકારી તંત્રની આ ઢીલી કામગીરીને કારણે તહેવાર સમયે સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન થવાનો અને સલામતી જોખમાવાનો ભય ઊભો થયો છે. સત્તાના ફેરબદલના આ વિવાદે વેપારીઓ અને ગ્રાહકો બંનેને મૂંઝવણમાં મૂકી દીધા છે, અને સુરક્ષાના ધોરણોના પાલન સામે સવાલ ઊભા કર્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!