અમદાવાદમાં વકફ સંશોધન બિલની જેપીસીની બેઠકમાં હર્ષ સંઘવી અને ઓવૈસી વચ્ચે ઉગ્ર બોલાચાલી
ઓવૈસીએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના બિલ્ડીંગનો મુદ્દો ઉઠાવ્યો હતો

JPC meeting

JPC meeting
વક્ફ સંશોધન બિલ માટે રચાયેલી જેપીસીની ટીમ ગુજરાતના પ્રવાસે છે. અમદાવાદની એક હોટલમાં યોજાયેલી બેઠકમાં જેપીસી સમક્ષ પ્રેઝન્ટેશન કરાયું હતું. આ બેઠકમાં અસદુદ્દીન ઓવૈસી અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. વક્ફ સંશોધન બિલ પરની ચર્ચા દરમિયાન ઓવૈસીએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના બિલ્ડીંગનો મુદ્દો ઉઠાવતાં બંને વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. બેઠક બાદ હર્ષ સંઘવીએ ઉગ્ર ચર્ચા મામલે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો. સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતની પ્રજાના હિતોના રક્ષણ માટે અમે રજૂઆતો કરી છે. અંદર જે થયું એ જાહેરમાં કહી ન શકાય. અમે એટલું જ કહીશું કે અમે અમારો પક્ષ રાખ્યો છે.
બેઠકમાં બાર કાઉન્સિલ, વકીલ અસોસિએશન અને મુતાવલી એસોસિએશન પોતાનો પક્ષ રાખ્યો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, DGP વિકાસ સહાય, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા બેઠકમાં હાજર રહ્યા હતા. ઈમરાન ખેડાવાલાએ મુસ્લિમ સમાજ વતી આવેદનપત્ર આપી વક્ફ સંશોધન બિલ રદ કરવા રજૂઆત કરી હતી.
વક્ફ સંશોધન બિલ બાબતે સંયુક્ત સંસદીય સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં લોકસભાના 21 અને રાજ્યસભાના 10 મળી કુલ 31 સાંસદોનો સમાવેશ કરાયો છે. 26 સપ્ટેમ્બરથી પહેલી ઓક્ટોબર સુધી પાંચ રાજ્યોમાં જઈને જેપીસી લોકોની રજૂઆતો સાંભળશે. જેપીસી 26મીએ મહારાષ્ટ્ર,27મીએ ગુજરાત, 28મીએ હૈદરાબાદ, 30મીએ ચેન્નાઇ અને 1 ઓક્ટોબરે બેંગાલુરૂ ખાતે બેઠક કરશે.
સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે કે અસદુદ્દીન ઓવૈસી અને હર્ષ સંઘવી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની જગ્યા વકફ બોર્ડમાં નોંધાયેલી હોવાની રજૂઆત કરી હતી. ટ્રિબ્યુનલમાં જજમેન્ટ આવ્યું હતું અને જેને કાઢી દેવામાં આવ્યું હતું. વકફ બોર્ડ સમક્ષ આ મિલકત વકફની હોવાનો દાવો વર્ષ 2015માં કરવામાં આવ્યો હતો. જેનો ચુકાદો 2021માં આવતાં પ્રોપર્ટીને વકફની જાહેર કરાઈ હતી. જેની સામે SMCએ 2021માં વકફ ટ્રિબ્યુનલ ગાંધીનગર ખાતે અપીલ કરી હતી. SMCએ જણાવ્યું હતું કે વર્ષોથી અહીં મ્યુનિસિપલ કોર્પોરેશનનો કબજો છે. ક્યારેય કોઈએ વાંધો ઉઠાવ્યો નથી.
સુરતના સોદાગરવાડ ખાતે રહેતા અરજદાર અબ્દુલ્લાહ જરુલ્લાહે સુરત શહેર વોર્ડ નં.11 સીટી સર્વે નંબર 1504માં મુગલસરાય તરીકે ઓળખાતી મિલકત કે જેમાં કાર્યરત સુરત મ્યુસિપલ કોર્પોરેશનની કચેરીની જગ્યાને વકફ મિલકત તરીકે નોધણી કરવાની માંગ કરતી અરજી ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં કરી હતી.
સુરત મહાનગરપાલિકાએ 1867થી આ વાદગ્રસ્ત મિલકતનો કબજો મેળવ્યો હતો. પરંતુ જૂની મેટર હોવાથી વધુ રેકર્ડ પ્રાપ્ત ન હોવા છતાં સુરત મહાનગરપાલિકાની કમિટીના પ્રોસિડીંગ્સના ઉતારાની નકલો રજુ થઇ હતી. આ મામલે ઔવેસી અને હર્ષ સંઘવી વચ્ચે ચકમક જરી હતી. વકફ ટ્રિબ્યુનલમાં સુરત મહાનગરપાલિકાના કમિશનર વતી એડવોકેટ કૌશલ.ડી.પંડ્યાએ દલીલો કરી હતી. સુરતમાં ગોરધનદાસ ચોખાવાલા રોડ ઉપર અબ્દુલ્લાહ જરુલ્લાહના જણાવ્યા મુજબ હુમાયુ સરાઈ આવેલું છે. પરંતુ છેલ્લાં 150 વર્ષથી અહીં મ્યુનિસપિલ કચેરી આવેલી છે.
અધ્યક્ષ જગદંબિકા પાલ અને અસદુસીન ઓવૈસી સહિત 31 સભ્યોની જેપીસી બેઠકમાં ઈમરાન ખેડાવાલાએ આરોપ લગાવ્યો કે 'સરકાર અને ગૃહ રાજ્યમંત્રી ફક્ત દેખાડો કરી રહ્યા છે. વક્ફ બોર્ડના સભ્યોએ રજૂ કરેલું પ્રેઝન્ટેશન પણ સરકારે કહ્યા મુજબનું છે. આ પ્રેઝન્ટેશન અમારા સમર્થનમાં નથી. અમે અમારા મુદ્દાઓ પર વળગેલા છીએ અને કલેક્ટરને સત્તા આપવા મુદ્દે અમારો વિરોધ છે.
જેપીસીની બેઠક બહાર કેટલાક લોકોએ બિલનો વિરોધ કર્યો
અમદાવાદના સિંધુભવન રોડ ઉપર આવેલી ખાનગી હોટલમાં યોજાયેલી જેપીસી કમિટીની બેઠક બહાર કેટલાક લોકોએ વિવિધ બેનરો સાથે વિરોધ કર્યો હતો. વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોએ જણાવ્યુ હતુ કે, વકફની જમીન સરકારને આપવાથી તેને સાચવી શકશે નહી. તેઓ અન્ય સરકારી મિલકતોની માફક વેચી મારશે. સરકારે એરપોર્ટ, રેલવે સ્ટેશનો ખાનગી કંપનીઓને વેચી દીધા છે તેમ વકફની મિલકતો પડાવીને વેચી મારશે. તેથી વકફ બોર્ડની મિલકતો સરકારને આપવી ન જોઈએ. કલેક્ટર હસ્તક લઈને વકફની મિલકતોનું શું કરશે તેનો સરકારે જવાબ આપવો જોઈએ.
ગુજરાતમાં વકફ બોર્ડની 45 હજારથી વધુ મિલકતો
ગુજરાતમાં વકફ બોર્ડની 45 હજાર કરતાં પણ વધુ મિલકતો છે. જેમાં સ્થાવર મિલકત 39 હજારથી વધુ અને બાકીની જંગમ મિલકતો છે. આ મિલકતની યાદીમાં ફક્ત કબ્રસ્તાન, મસ્જિદ, મદ્રેસા જ નહીં, પરંતુ રહેણાંક ઘર, ખેતીલાયક જમીન, દુકાનો, પ્લોટ, તળાવ વગેરેનો સમાવેશ થાય છે. આ મિલકતની કિંમત બજારભાવે ગણવામાં આવે તો કરોડોમાં પહોંચી શકે તેમ છે.
વકફ બોર્ડ શું છે?
વકફ હેઠળની જમીન અથવા મિલકતની દેખરેખ માટે વકફ બોર્ડની રચના કરવામાં આવી છે. 1947માં દેશનું વિભાજન થયું ત્યારે મુસ્લિમો દેશ છોડીને પાકિસ્તાન ગયા હતા. એ સમયે પાકિસ્તાનથી હિન્દુ લોકો ભારતમાં આવ્યા હતા. 1954માં સંસદે વકફ એક્ટ 1954ના નામથી કાયદો ઘડ્યો હતો. તેવી રીતે પાકિસ્તાનમાં ગયેલા લોકોની જમીન અને સંપત્તિના માલિકી હક કાયદા દ્વારા વકફ બોર્ડને આપવામાં આવ્યા હતા. 1955માં કાયદો અમલમાં આવ્યાના એક વર્ષ પછી દરેક રાજ્યમાં વકફ બોર્ડની રચના કરવામાં આવી. દેશનાં વિવિધ રાજ્યોમાં 32 વકફ બોર્ડ છે. જે વકફ મિલકતોની નોંધણી, જાળવણી અને સંચાલન કરે છે. બિહાર સહિત ઘણાં રાજ્યોમાં શિયા અને સુન્ની મુસ્લિમો માટે અલગ-અલગ વકફ બોર્ડ છે. વકફ બોર્ડનું કામ વકફની કુલ આવકનો સંપૂર્ણ હિસાબ રાખવાનો છે અને એના પૈસાથી કોને ફાયદો થાય છે. તેમને કોઈપણ જમીન અથવા મિલકત લેવાનો અને અન્યના નામે ટ્રાન્સફર કરવાનો કાનૂની અધિકાર છે. બોર્ડ કોઈ વ્યક્તિ સામે કાનૂની નોટિસ પણ જારી કરી શકે છે. વકફ બોર્ડ પાસે કોઈપણ ટ્રસ્ટ કરતાં વધુ સત્તા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ

ગુજરાતમાં દાળ-તેલના ભાવનો ડબલ ઝટકો! તુવેરદાળ ₹190ને પાર અને સિંગતેલમાં માત્ર 3 દિવસમાં ₹75નો વધારો! પણ તુવેરનું વાવેતર વધ્યું હોવા છતાં દાળ મોંઘી કેમ થઈ રહી છે?