નકલીની બોલબાલાઃ હવે નકલી ગ્રામ પંચાયતનો પર્દાફાશ!
દાહોદ જિલ્લામાં મરણના બોગસ દાખલા માટે બોગસ ‘ભીલવાડા પંચાયત’ ઊભી કરવામાં આવી

નકલી પંચાયતનો ભોગ બનનાર ફરિયાદી વૃદ્ધ અને નકલી પંચાયતનો મરણનો ખોટો દાખલો

નકલી પંચાયતનો ભોગ બનનાર ફરિયાદી વૃદ્ધ અને નકલી પંચાયતનો મરણનો ખોટો દાખલો
દાહોદ જિલ્લામાં નકલી કચેરી, નકલી એન.એ. હુકમો અને નકલી અધિકારીઓ પકડાયા બાદ નકલી ગ્રામ પંચાયતનો પર્દાફાશ થયો છે. પ્રાંત અધિકારીએ મરણના દાખલા માટે આપેલા પ્રમાણપત્રમાં નકલી ભીલવાડા પંચાયતનો ઉલ્લેખ કર્યો હોવાનો ખુલાસો થયો છે. દાહોદ નગરપાલિકાનો વિસ્તાર હોવા છતાં પ્રાંત અધિકારીએ નગરપાલિકાના ચીફ ઓફિસરના બદલે તલાટીને હુકમ કર્યો હતો. ત્યારે આ કેસમાં તંત્રની બેદરકારીના કારણે જીવિત વ્યક્તિની જમીન બીજાના નામે ચઢી જતાં તંત્રની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે.
લીમખેડા તાલુકાના વલુન્ડી ગામના જીવિત વૃદ્ધને મૃત બતાવી મરણનો દાખલો મેળવવા માટે માત્ર કાગળોમાં ‘ભીલવાડા’ નામે બોગસ પંચાયત બનાવવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ‘ભીલવાડા’ પંચાયતનું અસ્તિત્વ બતાવીને કૌભાંડને અંજામ આપવામાં આવ્યું હતું. આશ્ચર્યજનક બાબત તો એ છે કે, ભીલવાડા પંચાયતના વ્યક્તિનું પ્રમાણપત્ર લેવાનું હોય તો પ્રાંત અધિકારી દ્વારા પ્રમાણપત્ર આપવાનો હુકમ તલાટીના બદલે નગરપાલિકાને કેમ કર્યો? પ્રાંત અધિકારીની બેદરકારીના કારણે જીવિત વ્યક્તિની જમીન બીજાના નામે ચઢી ગઇ હતી.
દાહોદ નગરપાલિકામાંથી જીવિત વ્યક્તિના મરણનો દાખલો કઢાયો હોવાના કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે લીમખેડા તાલુકાના વલુન્ડી ગામના બીજીયાભાઇ ડામોરે જમીનના 7/12 અને 8-અના ઉતારા કઢાવ્યા હતાં. સરકારી રેકર્ડ મુજબ તેમનું મૃત્યુ થઈ ચૂક્યું હતું અને દાહોદ નગરપાલિકા દ્વારા તેમના નામે જાહેર કરાયેલાં મરણના દાખલાના આધારે તેમની જમીનમાં અન્ય લોકોના નામ વારસદાર તરીકે ચઢાવી દેવામાં આવ્યા હતા. દાહોદ શહેરના તળાવ ફળિયા ભીલવાડામાં રહેતા અરજદારે પ્રાંત કચેરીમાં અરજી કરી હતી. અરજીમાં જણાવ્યું હતું કે, તેમના દાદા બીજીયાભાઇના દાદાનું મૃત્યુ 3 મે 1971ના રોજ થયું હતું. તે સમયે નોંધણી કરાવવાની રહી ગઈ હતી.
અરજીના આધારે નોંધણીનો હુકમ મેળવવા માટે પ્રાંત કચેરીએ નિયમ મુજબ સૌપ્રથમ ‘ભીલવાડા’ ગ્રામ પંચાયતને નોટિસ પ્રસિદ્ધ કરવા અને રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું હતુ. આશ્ચર્યજનક રીતે દાહોદ તાલુકામાં ‘ભીલવાડા’ નામની એકપણ પંચાયતનું અસ્તિત્વ નહી હોવા છતાં 12 સપ્ટેમ્બર 2024ના રોજ પ્રાંત અધિકારીની કોર્ટમાં રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો હતો. આ કેસમાં વધુ સુનાવણી માટે અરજદાર અને દાહોદ કસ્બાના રેવન્યુ તલાટીને 2 સપ્ટેમ્બર 2024ના રોજ જરૂરી પુરાવા સાથે હાજર રહેવા જણાવાયું હતું.
સુનાવણી દરમિયાન રેવન્યુ તલાટીએ અરજદારનું સોગંદનામું, પેઢીનામું અને આધારકાર્ડ સહિતના દસ્તાવેજો રજૂ કર્યા હતા. તેની સાથે તલાટીએ ફોર્મ નંબર-10 મુજબનું ‘અપ્રાપ્ય પ્રમાણપત્ર’ પણ રજૂ કર્યું હતું. જેમાં પ્રમાણિત કરવામાં આવ્યું હતુ કે, ‘ભીલવાડા’ તા.જિ દાહોદની મૃત્યુની યાદીમાં બીજીયાભાઇનું નામ નથી.
જ્યારે અસ્તિત્વ નથી તેવી પંચાયતના રિપોર્ટને સાચો ગણીને પ્રાંત અધિકારીએ તપાસ કર્યા વગર બીજીયાભાઇ ડામોરનો મરણ દાખલો કાઢી આપવા માટે દાહોદ નગરપાલિકાને હુકમ કરી દીધો હતો. ‘ભીલવાડા’ પંચાયત હોવા છતાં પ્રાંત અધિકારી દ્વારા તલાટીના બદલે નગરપાલિકાને કેમ હુકમ કરવામાં આવ્યો તે અંગે પણ સવાલ ઉઠી રહ્યા છે.
મજાની વાત તો એ છે કે, પ્રાંત અધિકારીએ મરણની નોંધ કરવા માટે નગરપાલિકાને કરેલા હુકમમાં ‘ભીલવાડા’ ગ્રામ પંચાયતના ઉલ્લેખ બાદ દાહોદના સ્થાને ભીલવાડા તા.જિ દાહોદનો ઉલ્લેખ કર્યો છે. ખરેખર આ હુકમમાં શહેર તરીકે દાહોદનો ઉલ્લેખ કરવો જોઇતો હતો. પરંતુ હુકમમાં પાંચ જગ્યાએ દાહોદના સ્થાને માત્ર ભીલવાડાનો ઉલ્લેખ કર્યો હોવાની ગંભીર બાબત જોવા મળી છે.
ઉલ્લેખનીય છે કે, દાહોદ તાલુકામાં ‘ભીલવાડા’ નામની કોઇ ગ્રામ પંચાયત અસ્તિત્વમાં નથી. દાહોદ શહેરમાં ભીલવાડા નામના ત્રણ વિસ્તારો છે. જેમાં તળાવ ફળિયા ભીલવાડા, ગૌશાળા ભીલવાડા અને કસ્બા સ્થિત વણકરવાસમાં આવેલા કેટલાંક વિસ્તારને ભીલવાડા તરીકે ઓળખવામાં આવે છે. આ કેસના અરજદાર દાહોદ શહેરના તળાવ ફળિયા, ભીલવાડા વિસ્તારના રહેવાસી હોવાનું દસ્તાવેજો પરથી જાણવા મળ્યું છે.
કેવી રીતે બહાર આવ્યો સમગ્ર મામલો?
લીમખેડા તાલુકાના વલુન્ડી ગામના જીવિત વૃદ્ધને કાગળ પર મૃત બતાવી તેમની જમીન પચાવી પાડી હતી. વલુન્ડી ગામના બીજીયાભાઇ વરસિંગભાઇ ડામોર જીવિત હોવા છતાં કેટલાક શખ્સોએ તેમનું ખોટું મરણ પ્રમાણપત્ર બનાવી લીમખેડા મામલતદાર કચેરીમાં રજૂ કર્યુ હતું. ખોટા દસ્તાવેજોના આધારે મામલતદારે 23 જાન્યુઆરી 2025ના રોજ વારસાઈ નોંધ નંબર 548 મંજૂર કરી બીજીયાભાઇની માલિકીની જમીનમાંથી તેમનું નામ કમી કરી દાહોદના અન્ય લોકોના નામે ચઢાવી દીધી હતી. આ કેસની તપાસમાં નકલી ‘ભીલવાડા’ ગ્રામ પંચાયત હોવાનો ઘટસ્ફોટ થયો છે.
બીજીયાભાઇ સાત મહિનાથી સરકારી કચેરીના ધક્કા ખાતા હતાં. લીમખેડા પ્રાંત અધિકારી વાય. કે. વાઘેલાએ કેસનો નિકાલ કરી પોતાના હુકમમાં જણાવ્યું કે, અરજદાર (બીજીયાભાઇ)ની અપીલ મંજૂર કરવામાં આવે છે. વલુન્ડીના ખાતા નંબર 15 અને 158ની જમીનમાં દાખલ કરાયેલી વારસાઈ નોંધ નંબર 548 મંજૂર કરતો લીમખેડા મામલતદારનો હુકમ રદ કરવામાં આવે છે અને દાખલ કરવામાં આવેલી વારસાઇ અંગેની નોંધ 548 નામંજૂર કરવાનો હુકમ કરવામાં આવે છે. મામલતદારના વિવાદાસ્પદ નિર્ણયને રદ કરી સાત મહિનાથી ન્યાય માટે ભટકતા વૃદ્ધને પ્રાંત અધિકારીએ ન્યાય આપ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!