નકલી નોટ કાંડ: સુરતના આયુર્વેદિક ડોક્ટરોનો મોરચો
ઢોંગી પ્રદીપ બાબાની ઊંટવૈદ્યગીરી સામે તબીબો લાલઘૂમ, રાજ્ય સરકાર સમક્ષ કડક કાર્યવાહીની માંગ

પ્રદીપ બાબા નકલી નોટ કૌભાંડ

પ્રદીપ બાબા નકલી નોટ કૌભાંડ
સુરતમાં કરોડોની નકલી નોટો છાપવાના રેકેટમાં ઝડપાયેલા કહેવાતા યોગ ગુરુ પ્રદીપ જોટાંગિયા ઉર્ફે પ્રદીપ બાબાની પોલ હવે તબીબી ક્ષેત્રે પણ ખૂલી રહી છે. નકલી કરન્સીના ગુના બાદ હવે આ ઢોંગી બાબા વિરુદ્ધ સુરતના આયુર્વેદિક ડોક્ટરોએ સખત વિરોધ નોંધાવ્યો છે. કોઈ પણ પ્રકારની માન્ય મેડિકલ ડિગ્રી વગર આયુર્વેદના ઓથા હેઠળ ગંભીર બીમારીઓની સારવાર કરવાના દાવા કરતા આ શખ્સ સામે કાયદાકીય શિકંજો વધુ કસાય તેવી શક્યતા છે.
તબીબી આલમમાં ભારે રોષ: મંત્રી સમક્ષ રજૂઆત
શુક્રવારે સુરતના આયુર્વેદિક તબીબોનું એક મોટું પ્રતિનિધિમંડળ રાજ્યના મંત્રી પ્રફુલ પાનસેરીયાની ઓફિસે પહોંચ્યું હતું. ડોક્ટરોએ લેખિતમાં આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી કે પ્રદીપ બાબા જેવા લેભાગુ તત્વો સોશિયલ મીડિયાના અધકચરા જ્ઞાનના આધારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યા છે. આયુષ મંત્રાલયના નામનો દુરુપયોગ કરીને કેન્સર અને ડાયાબિટીસ જેવી બીમારીઓ મટાડવાના ખોટા દાવા કરી નિર્દોષ નાગરિકો પાસેથી લાખો રૂપિયા પડાવવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો થયા છે.
લોકોના જીવ સાથે જોખમ અને આયુર્વેદની બદનામી :
અનુભવી તબીબોના મતે, યોગ્ય શિક્ષણ અને ડિગ્રી વગર કરવામાં આવતી સારવાર દર્દીઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આ માત્ર આર્થિક ગુનો નથી, પરંતુ માનવ જીવન સાથેની રમત છે. આવા તત્વોને કારણે ભારતની વર્ષો જૂની આયુર્વેદિક પરંપરા અને સાચા ડિગ્રીધારક ડોક્ટરોની પ્રતિષ્ઠા ખરડાઈ રહી છે. ડોક્ટરોની માંગ છે કે માત્ર BAMS કે માન્ય ડિગ્રી ધરાવતા વ્યક્તિઓ જ આયુર્વેદિક પ્રેક્ટિસ કરી શકે તેવો કડક નિયમ અમલી બનાવવામાં આવે.
સરકારનું કડક વલણ: ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ
આ મામલે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ તબીબોને ખાતરી આપી છે કે સરકાર આવા લેભાગુ તત્વો સામે કડક પગલાં લેવા કટિબદ્ધ છે. સરકાર હવે દરેક ડોક્ટર, લેબોરેટરી અને સોનોગ્રાફી સેન્ટર માટે રજીસ્ટ્રેશન નંબર ફરજિયાત કરી રહી છે. બજેટ સત્રમાં એક્ટમાં સુધારો કરીને નકલી ડોક્ટરોને પકડવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવાનું આયોજન છે.
નાગરિકોને અપીલ: અંધશ્રદ્ધાથી દૂર રહો
આરોગ્ય વિભાગે લોકોને અપીલ કરી છે કે કોઈ પણ બીમારીના કિસ્સામાં માત્ર ડિગ્રીધારક ડોક્ટરની જ સલાહ લેવી. દોરા-ધાગા, ભસ્મ કે સોશિયલ મીડિયા પર દવાઓ વેચતા તત્વોથી બચવું જોઈએ. ખાસ કરીને સાપ કે વીંછી કરડવાના કિસ્સામાં તાત્કાલિક 108ની મદદ લેવી જોઈએ, નહીં કે કોઈ બાબા પાસે જવું જોઈએ.
પ્રદીપ બાબાના ‘સત્યમ યોગ ફાઉન્ડેશન’ની તપાસમાં હવે નકલી નોટોની સાથે સાથે મેડિકલ ફ્રોડના નવા ફણગા ફૂટી રહ્યા છે, જે આગામી દિવસોમાં મોટા ખુલાસા કરી શકે છે.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.