ગુજરાતમાં બે વર્ષમાં ₹1,029 કરોડની વીજચોરી ઝડપાઈ!
1.52 લાખ ગ્રાહકો સામે ફરિયાદ, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 525 કરોડની વીજચોરી પકડવામાં આવી

વીજ કંપનીઓ સમયાંતરે દરોડા પાડીને ચેકિંગ કરતી હોવા છતાં વીજ ચોરી કરતાં શખ્સો બેફામ

વીજ કંપનીઓ સમયાંતરે દરોડા પાડીને ચેકિંગ કરતી હોવા છતાં વીજ ચોરી કરતાં શખ્સો બેફામ
ગુજરાતમાં વીજ ચોરી અટકાવવા માટે વીજ કંપનીઓ દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવતી હોવા છતાં વીજ ચોરી અટકી નથી. છેલ્લાં બે વર્ષ દરમિયાન 1,029 કરોડની વીજ ચોરી ઝડપાયાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. ચાર વીજ કંપનીઓએ છેલ્લાં બે વર્ષમાં 39 લાખ વીજ કનેક્શન ચેક કર્યા હતા. તે પૈકી 2,82,164 ગ્રાહકો વીજ ચોરી કરતાં ઝડપાયા હતા. તેમાંથી 1,51,602 ગ્રાહકોએ વીજ ચોરીના રૂપિયા 1,029 કરોડ નહી ચુકવતાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ચેકિંગ દરમિયાન વીજ ચોરી ઝડપાય તો GUVNLના 16 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવે છે. ઇન્ડિયન ઈલેક્ટ્રીસિટી એક્ટ 2003ની કલમ હેઠળ ગુનો દાખલ કરીને વીજ ચોરી કરતાં ગ્રાહકો સામે કાર્યવાહી કરવામાં આવે છે. આ ગુનામાં દંડ અને ત્રણ વર્ષની સજાની જોગવાઈ હોવા છતાં ગ્રાહકોને કોઈ ડર ન હોય તેમ બે વર્ષમાં પકડાયેલા વીજ ચોરીની ફરિયાદ જોઈને લાગી રહ્યું છે.
વીજ ચોરીની વાત કરીએ તો વર્ષ 2023-24માં ચારેય વીજ કંપનીએ કુલ 19.67 લાખ કનેક્શન ચેક કર્યા હતા. જેમાંથી 1.50 લાખ કનેક્શનોમાં રૂપિયા 484.64 કરોડની વીજ ચોરી ઝડપાઈ હતી. જ્યારે વર્ષ 2024-25માં 18.92 લાખ કનેક્શન ચેક કર્યા હતા. જેમાંથી 1.31 લાખ કનેક્શનોમાં રૂપિયા 545.48 કરોડની વીજ ચોરી ઝડપાઈ હતી.
બંને વર્ષ દરમિયાન સૌથી વધુ સૌરાષ્ટ્રમાં વીજ ચોરી ઝડપાઈ છે. વર્ષ 2023-24માં PGVCL કંપનીએ 5.05 લાખ કનેક્શનો ચેક કરીને 82 હજાર કનેક્શનમાંથી 254.25 કરોડની વીજ ચોરી પકડી હતી. જ્યારે વર્ષ 2024-25માં PGVCL કંપનીએ 4.74 લાખ કનેક્શનો ચેક કરતાં 63 હજાર કનેક્શનમાંથી 271.01 કરોડની વીજચોરી પકડાઈ હતી. આમ બે વર્ષમાં 525 કરોડની વીજ ચોરી એકલા સૌરાષ્ટ્રમાંથી પકડાઈ છે.
દક્ષિણ ગુજરાતમાં DGVCL, મધ્ય ગુજરાતમાં MGVCL, ઉત્તર ગુજરાતમાં UGVCL અને સૌરાષ્ટ્ર-કચ્છમાં PGVCL દ્વારા વીજ વિતરણ કરવામાં આવે છે. ચારેય કંપનીઓ દ્વારા સમયાંતરે વીજ ચેકિંગની ડ્રાઈવ કરવામાં આવે છે. ડ્રાઇવ દરમિયાન ચોરી કરતા ઝડપાયેલા ગ્રાહકોને દંડ સાથે રકમ સૂચના આપવામાં આવે છે. વીજ ચોરી અને દંડની રકમ ચૂકવે ન આવે તો તેવા ગ્રાહકો સામે જે તે GUVNLપોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવે છે.
વીજ ચોરી કરનારા શખ્સો ચેકિંગ માટે પોલીસ કાફલા સાથે આવતી વીજ કંપનીઓની ટીમ પર પથ્થરમારો તેમજ હુમલો કરતા સહેજ પણ ગભરાતા નથી. છેલ્લા બે વર્ષમાં વીજ ચેકિંગમાં ગયેલા કર્મચારીઓ ઉપર હુમલાના 61 બનાવો બન્યા છે. કર્મચારીઓ ઉપર હુમલાના બનાવ સંદર્ભે શહેરના પોલીસ સ્ટેશનમાં અલગથી ફરિયાદ નોંધાવવામાં આવે છે.
વર્ષ 2023-24માં ચારેય કંપનીના 19,67,024 વીજ કનેકશન ચેક કરવામાં આવ્યા હતા. તેમાંથી 1,50,920 કનેકશનમાં વીજ ચોરી ઝડપાઈ હતી. જ્યારે વર્ષ 2024-25માં 18,92,777 વીજ કનેકશન ચેક કરતાં 1,31,244 ગ્રાહકોએ વીજ ચોરી કરી હતી. બંને વર્ષના કુલ 2,82,164 ગ્રાહકોને દંડ સાથે રકમ ચૂકવવા જણાવાયું હતું. પરંતુ તેમાંથી 1,52,602 ગ્રાહકોએ વીજચોરીની રૂપિયા 1,029 કરોડની રકમ ન ચૂકવતા તેમની સામે GUVNLના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગુના દાખલ કરવામાં આવ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!