દાંતાના પાડલીયા વિવાદઃ હાઈકોર્ટે તંત્રનો ઉધડો લીધો
પાડલીયા ઘર્ષણ કેસમાં હાઈકોર્ટનું કડક વલણ, આદિજાતિ હક્કો અને તંત્રની ભૂમિકા સામે સવાલ

ગુજરાત હાઈકોર્ટની ફાઈલ તસવીર

ગુજરાત હાઈકોર્ટની ફાઈલ તસવીર
બનાસકાંઠાના દાંતા તાલુકાના પાડલીયા ગામમાં થયેલી હિંસક ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. પાડલીયાની ઘટના હવે માત્ર ફોજદારી ગુનો નહીં, પરંતુ આદિજાતિ સમાજના હક્કો, વહીવટીતંત્રની કામગીરી અને સંવૈધાનિક પ્રક્રિયાને લઈને ગંભીર સવાલો ઉભા કર્યા છે.
આ કેસની મૂળ જડ જમીનના હક્કોને લઈને છે. અદાલતમાં રજૂઆત દરમિયાન જાણવા મળ્યું કે, આ વિસ્તાર બાલારામ અભયારણ્ય હેઠળ આવે છે. અહીં 172 આદિજાતિ લોકો દ્વારા જમીન પર પોતાના હક્કના ક્લેઈમ દાખલ કરવામાં આવ્યા છે. જે હજુ સુધી પેન્ડિંગ છે. આદિજાતિ લોકોનો દાવો છે કે તેઓ વર્ષોથી આ જમીન પર ખેતી કરે છે અને ફોરેસ્ટ રાઈટ્સ એક્ટ મુજબ તેમને અધિકાર મળે છે.
હાઈકોર્ટે આ મુદ્દે ખૂબ જ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. કોર્ટે સરકારને પૂછ્યું કે, જ્યારે ક્લેમ પેન્ડિંગ છે, ત્યારે તંત્રએ રોપા વાવવા માટે આટલી ઉતાવળ શા માટે કરી? શું આ પગલું આદિજાતિઓને ખસેડવા માટે લેવાયું હતું? કોર્ટે વધુમાં પૂછ્યું કે, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને સાથે લઈ જવાની શું જરૂર હતી? શું ફાયરિંગ માટે પૂર્વ તૈયારી કરવામાં આવી રહી હતી?
કોર્ટએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “આ બોર્ડર નથી. આ તમારા પોતાના નાગરિકો છે.” આ ટિપ્પણી દ્વારા કોર્ટે વહીવટી તંત્રના અભિગમ પર સવાલ ઉઠાવ્યો કે શા માટે નાગરિકો સામે શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું.
અદાલતમાં એ પણ સામે આવ્યું કે આ મુદ્દો લોકસભામાં ઉઠાવવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતમાં કુલ 10 હજાર ક્લેઈમમાંથી 7000 મંજૂર કરાયા છે અને 2869 પેન્ડિંગ હોવાનું જણાવાયું છે. આથી કોર્ટે વધુ કડક વલણ અપનાવીને કહ્યું કે, જો ક્લેઈમ પેન્ડિંગ હોય તો આ જમીન પર કોઈ કાર્યવાહી કરવી યોગ્ય નથી. સંસદને ગેરમાર્ગે દોરવાના આક્ષેપો પણ આ તબક્કે ચર્ચામાં આવ્યા હતા.
સરકારી વકીલે દલીલ કરી હતી કે આરોપીઓએ આદિજાતિઓને ઉશ્કેર્યા હતા અને તેઓ કાયદો અને વ્યવસ્થામાં માનતા નથી. કોર્ટે આ દલીલને સીધી રીતે સ્વીકારી નહોતી અને કહ્યું કે, પ્રશ્ન ઉશ્કેરણનો નહીં. પરંતુ મૂળ સમસ્યાનો ઉકેલ લાવવાનો છે.
સિનિયર એડવોકેટ આનંદ યાજ્ઞિકે જણાવ્યું કે, આ કેસમાં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આદિજાતિઓના હક્કોને માન્યતા આપવાની પ્રક્રિયા પૂર્ણ થયા વગર તંત્રએ એકતરફી પગલાં લીધાં હતા. ફોરેસ્ટ રાઈટ્સ એક્ટ હેઠળ ક્લેમ પેન્ડિંગ હોય ત્યારે આદિજાતિઓને ખસેડી શકાય નહીં. આ સમગ્ર ઘટનામાં સંવાદના અભાવે ઘર્ષણ ઊભું થયું છે. રાજ્યએ બળનો ઉપયોગ કરવા બદલે કાયદાકીય અને સંવિધાનિક માર્ગ અપનાવવો જોઈએ.
કોર્ટે નોંધ્યું છે કે, વહીવટીતંત્ર જાણતું હતું કે અહીં વિવાદ છે. છતાં પણ મોટી પોલીસ ફોર્સ સાથે કાર્યવાહી કરવામાં આવી. આથી સ્પષ્ટ થાય છે કે પરિસ્થિતિ પહેલાથી જ સંવેદનશીલ હતી. કોર્ટે સવાલ કર્યો કે, શું આ સમગ્ર કાર્યવાહી માત્ર “શક્તિ પ્રદર્શન” માટે કરવામાં આવી હતી?
આ કેસમાં અગાઉની સુનાવણી દરમિયાન પણ કોર્ટે જણાવ્યું હતું કે, આ માત્ર કાયદાકીય મુદ્દો નહીં પરંતુ સામાજિક મુદ્દો છે. જેને સંવાદ અને સમજણથી ઉકેલવાની જરૂર છે. કોર્ટે સરકારને પૂછ્યું કે, શું કલેક્ટર સ્તરે અથવા ગ્રામસભા દ્વારા આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી?
હાલમાં આ કેસમાં 28 નામજોગ અને 500 લોકોના ટોળા સામે ગુનો નોંધાયો છે. જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે. પોલીસ અને વન વિભાગના કર્મચારીઓની ફરજમાં રૂકાવટ, સરકારી સંપત્તિને નુકસાન અને હિંસાના ગંભીર આક્ષેપો હેઠળ તપાસ ચાલી રહી છે.
દાંતા જમીન વિવાદ હવે કાનૂની લડતથી આગળ વધી સામાજિક અને સંવિધાનિક ચર્ચાનો વિષય બની ગયો છે. આ કેસમાં આગામી સમયમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે. હાઈકોર્ટ આગામી સુનાવણી 16 એપ્રિલના રોજ રાખી છે. જેમાં આ મામલે વધુ મહત્વના નિર્ણયો આવી શકે છે.
શું હતો સમગ્ર મામલો ?
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાનાં પાડલીયા ગામમાં 13 ડિસેમ્બર 2025ના રોજ સ્થાનિકો અને અધિકારી સાથે હિંસક અથડામણ થઈ હતી. સર્વે નંબર 9માં આવેલી વન વિભાગની જમીન પર નર્સરી અને પ્લાન્ટેશનની કામગીરી ચાલી રહી હતી. સ્થાનિક લોકો આ જમીન પર પોતાનો હક હોવાનું માની રહ્યા હતા. જેના કારણે લાંબા સમયથી અસંતોષ હતો. આ મુદ્દે કાર્યવાહી દરમિયાન આશરે 500 જેટલા લોકોનું ટોળું એકત્ર થયું અને સરકારી ટીમને ઘેરી લઈને પથ્થરમારો શરૂ કર્યો. ટોળાએ માત્ર પથ્થરો જ નહીં પરંતુ ગોફણ અને તીર-કામઠા જેવા પરંપરાગત હથિયારોનો પણ ઉપયોગ કર્યો, જેના કારણે પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ.
બીજી તરફ પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા. પરંતુ તેના બદલે ટોળું વધુ ઉશ્કેરાયું. હુમલો વધુ આક્રમક બનતા પોલીસ અને વન વિભાગના અનેક કર્મચારીઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. કેટલાક પોલીસ વાહનો અને સરકારી ગાડીઓને આગ ચાંપી દેવામાં આવી હતી. જેના કારણે ભારે નુકસાન થયું હતું.
સમગ્ર ઘટનામાં પોલીસ, વન વિભાગ અને રેવન્યુ વિભાગના 47 જેટલાં અધિકારી અને કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા. તમામને તાત્કાલિક અંબાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અંબાજી પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. ગોહિલને ગંભીર ઇજા થતાં તેમને વધુ સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા હતા.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.