ગુજરાત હાઈકોર્ટની સુનાવણીમાં અરજદાર ટોઈલેટમાંથી ઓનલાઈન જોડાતાં ચકચાર!
સુરતના અબ્દુલ સમદની શરમજનક હરકતનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

હાઈકોર્ટ અરજદાર સામે કન્ટેમ્પ્ટ અરજી દાખલ કરી દંડ કરે તેવી શક્યતા, અગાઉ કરાયો હતો દંડ

હાઈકોર્ટ અરજદાર સામે કન્ટેમ્પ્ટ અરજી દાખલ કરી દંડ કરે તેવી શક્યતા, અગાઉ કરાયો હતો દંડ
પોલીસ ફરિયાદ રદ કરવા ગુજરાત હાઇકોર્ટમાં કરેલી અરજી સંદર્ભે ફરિયાદી સુનાવણી દરમિયાન ઓનલાઈન જોડાયો હતો. 20 જૂન, 2025ના રોજ ન્યાયાધીશ નિર્ઝર દેસાઈની કોર્ટમાં ઉપસ્થિત થયેલો ફરિયાદી અબ્દુલ સમદ સુનાવણી દરમિયાન ટોઈલેટમાં બેઠેલો જોવા મળ્યો હતો. યુટ્યુબ ઉપર લાઈવ થયેલી ઓનલાઈન સુનાવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
સુરતમં અબ્દુલ સમદ બેટરી અને ઇન્વર્ટરનું કામ કરે છે. તે નમાઝ પઢવા કીમ રેલવે સ્ટેશન પાસે જુમ્મા મસ્જિદમાં ગયો હતો. દરવાજો ખોલતા એક વ્યક્તિને દરવાજો વાગ્યો હતો. આરોપી અને તેના ભાઈએ અબ્દુલ સમદને અપશબ્દો બોલ્યા હતા. માર મારીને ફરી મસ્જિદમાં નમાજ પઢવા નહી આવવા ધમકી આપી હતી. આ મુદ્દે અબ્દુલ સમદે સુરતના કીમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદી અને આરોપી વચ્ચે સમાધાન થતાં ફરિયાદ રદ્દ કરવા હાઇકોર્ટમાં અરજી કરી હતી. ફરિયાદ રદ કરવાની હોય ત્યારે હાઇકોર્ટ ફરિયાદીને પૂછે છે કે શું તે આ ફરિયાદ રદ્દ કરવા માંગે છે? જેથી જવાબ આપવા અબ્દુલ સમદ હાઈકોર્ટની સુનાવણીમાં ઓનલાઈન જોડાયો હતો. અરજી ઉપર સુનાવણી થાય તે પહેલાં કોર્ટ રૂમમાં તે ટોઇલેટમાં બેઠાં બેઠાં કનેક્ટ થયો હતો.
જ્યારે 64 નંબરની અરજી ઉપર સુનાવણી ચાલી રહી હતી ત્યારે તે ટોઇલેટમાં હોવાની અને શૌચક્રિયા કરી રહ્યો હોવાનું સ્પષ્ટ રીતે દેખાઈ આવ્યું હતું. આવા કેસો હાઇકોર્ટની કન્ટેમ્પ્ટ બેન્ચને રીફર કરવામાં આવે છે. જે આરોપીને દંડ ઉપરાંત સામાન્ય સજા પણ કરતી હોય છે. આ કેસમાં હાઈકોર્ટ કન્ટેમ્પ્ટ અરજી દાખલ કરી આરોપીને દંડ કરે તેવી પૂરી શક્યતા છે.
અગાઉ હાઇકોર્ટે આવા જ એક કેસમાં એક વ્યક્તિને 2 લાખ રૂપિયા દંડ અને કોમ્યુનિટી સર્વિસની સજા તેમજ એક વ્યક્તિને 25 હજાર રૂપિયા દંડ કર્યો હતો. એક વ્યક્તિ પોતાના એક કેસમાં માર્ચ મહિનામાં સિંગલ જજની બેંચ સમક્ષ ટોઇલેટમાંથી ઓનલાઇન જોડાયો હતો. આ વ્યક્તિએ બીએસસીનો અભ્યાસ કર્યો હતો અને તે પ્રતિષ્ઠિત કંપનીમાં કામ કરતો હતો.
આ ઉપરાંત બે અઠવાડિયા હાઇકોર્ટના ગાર્ડનની સફાઈની કોમ્યુનિટી સર્વિસ કરવાનો હુકમ કર્યો હતો. અરજદારની કોમ્યુનિટી સર્વિસનો રિપોર્ટ હાઇકોર્ટે મેળવ્યો હતો. તેને કરાયેલા 2 લાખના દંડમાંથી 50 હજાર શિશુ ગૃહમાં આપવા અને 1.50 લાખ ગુજરાત હાઇકોર્ટ લીગલ સર્વિસ ઓથોરિટીમાં જમા કરાવવા હુકમ કર્યો હતો.
બીજા એક કિસ્સામાં એક વ્યક્તિ પોતાના બેડ ઉપર ઊંઘતા ઊંઘતા હાઇકોર્ટની ઓનલાઈન સુનાવણીમાં જોડાયો હતો. તેના વકીલે રજૂઆત કરી હતી કે વ્યક્તિ અભણ છે. હાઇકોર્ટની તપાસમાં તે ગ્રેજ્યુએટ હોવાનું બહાર આવ્યું હતું. આખરે હાઇકોર્ટે તેને પણ 25 હજાર રૂપિયાનો દંડ કર્યો હતો.
ત્રીજા કિસ્સામાં ગુજરાત હાઇકોર્ટમાં રાજકોટથી એક અરજદારે આગોતરા જામીન અરજી ફાઈલ કરી હતી. તેની ઉપર રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ ખાતે નોંધાયેલી ફરિયાદ મુજબ બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાનો આરોપ હતો. અરજદારે હાઇકોર્ટની ઓનલાઈન સુનાવણીમાં ભાગ લેતી વખતે સિગારેટ પીધી હતી. જેની હાઇકોર્ટે ગંભીર નોંધ લઈને સિંગલ જજની બેન્ચ દ્વારા સૂઓ મોટો કન્ટેમ્પ્ટ લેવા હુકમ કરી કન્ટેમ્પ્ટ બેન્ચને રિફર કરાયો હતો.
ન્યાયાધીશ એ.એસ.સુપેહિયા અને ન્યાયાધીશ નિશા ઠાકોરની બેન્ચ સમક્ષ આ કન્ટેમ્પ્ટ અરજીની સુનાવણીમાં અરજદારને 2 લાખ રૂપિયા દંડ ભરવા સૂચન કર્યું હતું. હાઇકોર્ટે નોંધ્યું હતું કે 11 માર્ચ, 2025ના રોજ સિંગલ જજની બેંચ સમક્ષ અરજદાર અડધો કલાક લાઈવ સ્ટ્રીમિંગમાં જોડાયો હતો. તેને ગુજરાત હાઇકોર્ટ લાઈવ સ્ટ્રીમિંગના નિયમોનો ભંગ કર્યો હતો. કોર્ટના ડેકોરમ અને ડિસિપ્લિન જાળવી નહોતી. અરજદાર કોર્ટમાં ફિઝિકલ હાજર હોત અને તેને સિગારેટ સળગાવવાની હિંમત કરી હોત તો તેની ધરપકડ કરી જેલમાં મોકલી દીધો હોત.
અરજદારના વકીલે રજૂઆત કરી હતી કે અરજદાર પોતાના કેસને લઈને ખૂબ જ ચિંતામાં હતો. તેનો કેસ 12 માર્ચે હતો. પરંતુ સ્થાનિક વકીલે તેને 11 માર્ચે લિંક મોકલી દીધી હતી. લિંક મળતા તેને ખબર નહોતી કે આ લિંકમાં જોડાવાથી કોર્ટ અને યુટ્યુબ ઉપર લોકો તેને જોઈ શકશે. તે આલ્કોહોલિક ડિસ ઓર્ડર અને પર્સનાલિટી ડિસ ઓર્ડરથી પીડાઈ રહ્યો છે. તેના મેડિકલ રિપોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા હતા. આ ઘટના બાદ પોલીસે તેની સામે નોંધાયેલી ફરિયાદ સંદર્ભે ધરપકડ કરી રિમાન્ડ પણ મેળવ્યા હતા. અરજદારના વકીલની રજૂઆતને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે તેને 50 હજાર રૂપિયાનો દંડ કર્યો હતો. જેની રકમ બે અઠવાડિયામાં ગુજરાત હાઇકોર્ટ લિગલ સર્વીસ ઓથોરિટીમાં જમા કરાવવા હુકમ કર્યો હતો.
તાજેતરમાં એક કેસની સુનાવણી દરમિયાન વર્ચ્યુઅલી કોર્ટ રૂમમાં જોડાતાં એડવોકેટ્સ દ્વારા નિયમ પ્રમાણે બ્લેક ગાઉન નહીં પહેરવાના વલણ પ્રત્યે હાઇકોર્ટે નારાજગી દર્શાવી મહત્ત્વપૂર્ણ આદેશ કરી ડ્રેસ કોડનું પાલન નહીં કરનારા વકીલોનો અસીલ વતી દલીલ કે રજૂઆત કરવાનો હક પરત ખેંચી લેવામાં આવશે એવી ચેતવણી આપવામાં આવી હતી. એટલું જ નહીં એક લેખિત આદેશ મારફતે સિંગલ જજે આ આદેશ હાઇકોર્ટના રજીસ્ટ્રાર જનરલને ચીફ જસ્ટિસ સમક્ષ મૂકવા અને એને ધ્યાનમાં લઇ ડ્રેસ કોડનો યોગ્ય અમલ થાય એ માટેના જરૂરી પરિપત્ર કરવાનો નિર્દેશ પણ કર્યો હતો.
સિંગલ જજના આદેશમાં સૌથી પહેલાં જ એવું નોંધવામાં આવ્યું છે કે કોર્ટ સમક્ષ એવું સામે આવ્યું છે કે વર્ચ્યુઅલ સુનાવણી મારફતે ન્યાયીક કાર્યવાહીમાં જોડાતાં એડવોકેટ્સ ગાઉન પહેર્યા વિના હાજર થઈ રહ્યા છે. ત્યારબાદ આદેશમાં ગુજરાત હાઇકોર્ટ રૂલ્સ 1993, અને એમાંય ખાસ કરીને રૂલ 440 કે જેમાં એડવોકેટ્સના ડ્રેસ કોડનો સંદર્ભ છે એ ટાંકવામાં આવ્યો છે. સાથે જ આદેશમાં નોંધવામાં આવ્યું છે કે હાઇકોર્ટના નિયમોની જોગવાઈઓને ધ્યાનમાં લેતા આ કોર્ટનો અભિપ્રાય છે કે જ્યારે વિદ્વાન વકીલો વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટની સુનાવણીમાં હાજર થાય છે. તેઓ કોર્ટરૂમમાં વર્ચ્યુઅલી પ્રવેશ્યા હોવાનું માનવામાં આવે છે. તેથી શિષ્ટાચાર જાળવી નિર્ધારિત ડ્રેસ કોડનું પાલન કરે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
કોઈ વકીલ વર્ચ્યુઅલ હાજરી દરમિયાન યોગ્ય વ્યાવસાયિક પોશાકમાં ન હોવાનું જણાય તો કોર્ટ દ્વારા તેમનો રાઇટ ઓફ ઓડિયન્સનો અધિકાર પાછો ખેંચી લેવામાં આવશે. કોર્ટના સંદર્ભમાં રાઇટ ઓફ ઓડિયન્સ એટલે કે વકીલોને તેમના અસીલો તરફથી હાજર થવા અને દલીલ કરવાનો મળેલો વિશેષ કાયદાકીય અધિકાર હોય છે. સિંગલ જજે આ મામલો ચીફ જસ્ટિસ સમક્ષ મૂકવા અને ડ્રેસ કોડના નિયમોનો કડકાઇ પૂર્વક અમલ થાય એ માટે પરિપત્ર કરવા માટે રજીસ્ટ્રાર જનરલને આદેશ કર્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદની 4 સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી! વાલીઓ બાળકોને લેવા દોડી આવ્યા, પોલીસ અને બોમ્બ સ્ક્વોડ તપાસમાં જોડાઈ.

ગુજરાતના 4 જિલ્લામાં ઓછા વરસાદથી ચિંતા, ભૂપેન્દ્ર પટેલ સરકારના રાહત પગલાંમાં શું છે ખાસ? ખેડૂતોને હેક્ટરદીઠ ₹8,500ની સહાય, પશુપાલકોને માત્ર ₹2માં ઘાસચારો અને ગ્રામ્ય લોકોને 150 માનવદિવસની રોજગારીનો નિર્ણય!

ગુજરાતના પેન્શનરો માટે મોટા સમાચાર! મોંઘવારી રાહત 443% થતાં ₹10,000ના મૂળ પેન્શન પર દર મહિને ₹6,200નો તફાવત કેવી રીતે થાય છે?