વિસાવદર વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી યોજાવાની છે અને હવે કોંગ્રેસે પણ પોતાનો ઉમેદવાર જાહેર કર્યો છે. નીતિન રાણપરિયાને વિસાવદર બેઠક પરથી કોંગ્રેસે ટિકિટ આપી છે. કડી માટે પાર્ટી અગાઉથી ઉમેદવાર જાહેર કરી ચૂકી છે. કડી બેઠક પર કોંગ્રેસ રમેશ ચાવડાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આમ બંને બેઠકો માટે પાર્ટીના ઉમેદવારો નિર્ધારિત થયા છે.
વિસાવદર અને કડી બંને પેટા ચૂંટણીમાં ત્રિપાંખીયું ચિત્તાકર્ષક રાજકીય મુકાબલો જોવા મળશે. આમ આદમી પાર્ટી અને ભાજપે અગાઉથી પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. વિસાવદર બેઠક માટે ભાજપે કિરીટ બાલુભાઈ પટેલને અને આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલિયાને મેદાનમાં ઉતાર્યા છે.
કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયાની વાત કરીએ તો તેઓ અગાઉ જિલ્લાપંચાયતના સભ્ય રહી ચૂક્યા છે. તેઓ વિસાવદર યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. હાલમાં તેઓ ભેસાણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે કાર્યરત છે. કોંગ્રેસ તરફથી તેમને પહેલીવાર વિધાનસભાની ચૂંટણી માટે ટિકિટ મળી છે અને તેઓ પ્રથમવાર ચૂંટણી લડી રહ્યા છે.
કડી અને વિસાવદર બેઠક કેમ ખાલી થઈ તેની પાછળ પણ મહત્વના કારણો છે. કડી વિધાનસભા બેઠક પૂર્વ ધારાસભ્ય કરસન સોલંકીના અવસાનના કારણે ખાલી થઈ છે. આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. બીજી બાજુ, વિસાવદર બેઠક આમ આદમી પાર્ટીના ધારાસભ્યના રાજીનામા અને ત્યારબાદ ભાજપમાં જોડાવાના પગલે ખાલી થઈ છે.
આ બંને પેટા ચૂંટણી માટે મતદાન 19 જૂનના રોજ સવારે શરૂ થઈ સાંજ સુધી ચાલશે. મતદાન પછી 23 જૂને મતગણતરી કરવામાં આવશે અને પરિણામ જાહેર થશે. ચૂંટણીપંચે મતદારોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી છે અને જરૂરી તમામ તૈયારી પૂર્ણ કરવાની વાત કરી છે.