પીએમની અપીલ બાદ ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય
ઇંધણ બચત અને સાદગીનો સંકલ્પ, વીઆઈપી કલ્ચર પર લાગી બ્રેક

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર
CM Bhupendra Patel: પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિને કારણે સર્જાયેલા વૈશ્વિક આર્થિક સંકટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા કરેલી અપીલની ગુજરાતમાં વ્યાપક અસર જોવા મળી રહી છે. ગુજરાત સરકારે આ દિશામાં એક ક્રાંતિકારી અને પ્રેરણાદાયી નિર્ણય લેતા રાજ્યમાં મંત્રીઓ અને ઉચ્ચ પદાધિકારીઓને મળતી ‘કોન્વોય’ (કાફલા) અને ‘પાયલોટિંગ’ જેવી વીઆઈપી સુવિધાઓમાં મોટો કાપ મૂક્યો છે.
વીઆઈપી કલ્ચરનો અંત
રાજ્ય સરકારના નવા નિર્ણય મુજબ, હવેથી માત્ર મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને જ સુરક્ષા પ્રોટોકોલ હેઠળ કોન્વોય (વાહનોનો કાફલો) સુવિધા આપવામાં આવશે. રાજ્યના અન્ય તમામ કેબિનેટ અને રાજ્યમંત્રીઓને ‘નોન-કેટેગરી’માં રાખવામાં આવ્યા છે, એટલે કે હવે મંત્રીઓ મોટા લશ્કરી કાફલા વગર સામાન્ય નાગરિકની જેમ મુસાફરી કરતા જોવા મળશે. આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ પેટ્રોલ-ડીઝલની બચત, સરકારી ખર્ચમાં ઘટાડો અને ટ્રાફિકની સમસ્યામાં રાહત આપવાનો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થાપ્યું ઉદાહરણ: માત્ર બે કાર સાથે અમરેલી પહોંચ્યા
વડાપ્રધાનની અપીલને અમલમાં મૂકવાની શરૂઆત ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી છે. સામાન્ય રીતે મુખ્યમંત્રી જ્યારે કોઈ જિલ્લાના પ્રવાસે હોય ત્યારે 10 થી 15 વાહનોનો કાફલો તેમની સાથે હોય છે. જોકે, અમરેલી જિલ્લાના રાજુલા ખાતે ₹22 કરોડના ખર્ચે નિર્મિત ટ્રોમા સેન્ટરનું લોકાર્પણ કરવા પહોંચેલા મુખ્યમંત્રીએ સૌને ચોંકાવી દીધા હતા. તેઓ પ્રોટોકોલ તોડીને માત્ર બે જ કાર સાથે રાજુલા પહોંચ્યા હતા. શિસ્ત અને સાદગીના આ ઉદાહરણની સોશિયલ મીડિયા પર પણ ભારે પ્રશંસા થઈ રહી છે.
રાજ્યપાલની અનોખી પહેલ: એસટી બસ અને ટ્રેનમાં કરશે સફર
ગુજરાતના ઇતિહાસમાં કદાચ પ્રથમવાર એવું બનશે કે રાજ્યના પ્રથમ નાગરિક એટલે કે રાજ્યપાલ સામાન્ય જનતાની જેમ મુસાફરી કરશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પર્યાવરણ જાળવણી અને ઈંધણ બચાવવા માટે નિર્ણય લીધો છે કે તેઓ હવે પછીની પોતાની મુસાફરી માટે હેલિકોપ્ટર કે વિમાનના બદલે એસટી બસ (ST Bus) અને ટ્રેનનો ઉપયોગ કરશે. તેમણે પોતાના કાફલામાં પણ ગાડીઓની સંખ્યા ન્યૂનતમ કરી દીધી છે અને નાગરિકોને સાયકલ કે ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) વાપરવા વિનંતી કરી છે.
મંત્રીઓએ સ્વેચ્છાએ સુવિધાઓનો ત્યાગ કર્યો
વડાપ્રધાનની અપીલ બાદ ગુજરાતના મંત્રીઓમાં પણ દેશભક્તિનો જુવાળ જોવા મળ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમેરિકામાં યોજાનાર ‘ગુજરાતી કન્વેન્શન’નો પોતાનો પ્રવાસ રદ કર્યો છે. પીએમ મોદીએ વિદેશી મુદ્રા બચાવવા એક વર્ષ સુધી વિદેશ પ્રવાસ ટાળવા કહ્યું હતું, જેને અનુસરીને તેમણે આ નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે જાહેરાત કરી છે કે જ્યાં સુધી પેટ્રોલના ભાવ સ્થિર નહીં થાય ત્યાં સુધી તેઓ ‘પાયલોટિંગ કાર’ વાપરશે નહીં. રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ આ જ રાહ અપનાવી છે. મોરબીના ધારાસભ્ય અને રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાએ પણ પોતાની પાઇલોટિંગ સેવાઓ છોડી દીધી છે.
શૈક્ષણિક અને વહીવટી ક્ષેત્રે ફેરફાર: ‘કાર પૂલિંગ’ પર ભાર
માત્ર મંત્રીઓ જ નહીં, પણ શૈક્ષણિક સંસ્થાઓએ પણ આ અભિયાનમાં ઝંપલાવ્યું છે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે હાલમાં ‘વર્ક ફ્રોમ હોમ’ની વ્યવસ્થા નથી, પરંતુ યુનિવર્સિટીમાં ‘કાર પૂલિંગ’ ફરજિયાત કરવા માટે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. એક જ દિશામાં આવતા કર્મચારીઓ હવે અલગ-અલગ વાહનો લાવવાને બદલે એક જ કારમાં આવશે, જેથી ઈંધણની બચત થઈ શકે.
"આ દાયકાનું સૌથી મોટું સંકટ"
ઉલ્લેખનીય છે કે, 11 મેના રોજ વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને ચેતવ્યા હતા કે પશ્ચિમ એશિયાનું યુદ્ધ વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવી રહ્યું છે. ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું ક્રૂડ ઓઈલ ઈમ્પોર્ટ કરે છે અને તે માટે મોટી વિદેશી મુદ્રા ખર્ચાય છે. પીએમએ દેશવાસીઓને અપીલ કરી હતી કે, "જ્યાં શક્ય હોય ત્યાં મેટ્રો, ઈવી બસ અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો. શાળાઓ ઓનલાઈન ક્લાસ ચલાવે અને ઓફિસો વર્ચ્યુઅલ મીટિંગને પ્રાથમિકતા આપે." ગુજરાત સરકારના આ પગલાંઓએ સાબિત કર્યું છે કે જ્યારે દેશ પર આર્થિક સંકટ હોય ત્યારે સત્તાના શિખરે બેઠેલા લોકો જ જો સાદગી અપનાવે, તો સામાન્ય જનતામાં પણ સકારાત્મક સંદેશ જાય છે. આ નિર્ણયો માત્ર ઈંધણ જ નહીં બચાવે, પણ ભવિષ્યમાં વહીવટી તંત્રને વધુ કાર્યક્ષમ અને કરકસરયુક્ત બનાવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

14.9%થી 13.3%... ગુજરાતના શિક્ષણ બજેટમાં આખરે શું બદલાયું?

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?