મહેસાણામાં માથાકૂટઃ જમીન કપાત મુદ્દે ખેડૂતો અને બિલ્ડરોએ સરકાર સામે બાયો ચઢાવી!
મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ગામડાઓની 40 ટકા જમીન કપાત મામલે વિરોધ કરાયો

જમીન કપાત મુદ્દે ખેડૂતોનો લડી લેવા હુંકાર, બિલ્ડરોએ D2 કેટેગરી દૂર કરવા આપ્યું આવેદન

જમીન કપાત મુદ્દે ખેડૂતોનો લડી લેવા હુંકાર, બિલ્ડરોએ D2 કેટેગરી દૂર કરવા આપ્યું આવેદન
મહેસાણા નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યાને 6 મહિના બાદ માથાકૂટ શરૂ થઈ છે. મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ગામડાઓની 40 ટકા જમીન કપાત મામલે ખેડૂતોએ સરકાર સામે લડી લેવાનો હુંકાર કર્યો છે. જ્યારે બિલ્ડરોએ પણ D2 કેટેગરી દૂર કરી માત્ર 20 ટકા કપાત કરવાની માંગ સાથે આવેદનપત્ર આપતાં મામલો ગરમાયો છે. સરકાર આ મુદ્દે ઝડપી ઉકેલ નહી લાવે તો ખેડૂતોનો આક્રોશ આંદોલનમાં પરિણમે તેવી પૂરેપૂરી શક્યતા છે.
1 જાન્યુઆરી, 2025ના રોજ મહેસાણા સહિત 9 નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો હતો. જે તે સમયે ભાજપના નેતાઓએ એકબીજાને પેંડા ખવડાવી મહાનગરપાલિકાના દરજ્જાને વધાવ્યો હતો. જો કે, મહાનગરપાલિકાનો દરજ્જો હવે ભાજપના નેતાઓ માટે માથાના દુઃખાવો બને તેવી સંભાવના છે. મહાનગરપાલિકામાં સમાવિષ્ટ 14 ગામના ખેડૂતો જમીન કપાત મુદ્દે વિફર્યા છે.
મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યા બાદ ESI બાબતે D2 કેટેગરીમાં શહેરને મૂકવામાં આવ્યું છે. જેના કારણે શહેરના વિકાસ માટે થનાર જમીન સંપાદન સમયે ખેડૂતોની 40 ટકા જમીન કપાત કરવામાં આવશે. તેથી જમીન કપાત મુદ્દે મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ગામડાના ખેડૂતોએ મ્યુ.કમિશનરને આવેદનપત્ર પાઠવી 10 ટકાથી વધુ જમીન કપાત નહી કરવા દેવાનો હુંકાર કર્યો છે. જરૂર પડ્યે ગાંધીનગર અને દિલ્હી સુધી લડત લડવાની ખેડૂતોએ સરકારને ચીમકી આપી છે.
પાંચોટ ગામના ખેડૂત પ્રવિણ પટેલે બેનિફિટ ન્યૂઝને જણાવ્યુ હતું કે, મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ગામોની જમીન ખેતીલાયક છે. બે થી પાંચ વીઘા જમીન ધરાવતાં નાના સીમાંત ખેડૂતો છે. તેમની બે વીઘા જમીનમાંથી 40 ટકા કપાત થાય તો બહું ઓછી જમીન બચે તેમ છે. તમામ ગ્રામ પંચાયતોમાં ખેતીલાયક જમીન ઓછી હોવાથી ખેડૂતોને કપાત થવાથી બહું નુકસાન થાય તેમ છે. તેથી અમે 10 ટકાથી વધુ જમીન આપી શકીએ તેમ નથી. તેવા સમયે અમારી જમીન 40 ટકા કપાત કરવાની કોશિશ કરાશે તો ગાંધીનગર અને દિલ્હી સુધી લડત ચલાવીશું.
ખેડૂતોની સાથે મહેસાણા બિલ્ડર એસોસિએશન ક્રેડાઈના હોદ્દેદારોએ પણ મ્યુ.કમિશનરને આવેદનપત્ર પાઠવી જમીન કપાત સામે વિરોધ વ્યક્ત કર્યો છે. મહેસાણા શહેર ભાજપના હોદ્દેદાર અને ક્રેડાઈ મહેસાણાના પ્રમુખ મુકુંદ પટેલની આગેવાની હેઠળ બિલ્ડરોએ કમિશનરને રજૂઆત કરી હતી.
ક્રેડાઈ મહેસાણાના પ્રમુખ મુકુંદ પટેલે બેનિફિટ ન્યૂઝને જણાવ્યુ કે, મહેસાણાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરી વિકાસ સત્તામંડળની રચના કરી શહેરને ESI બાબતે D2 કેટેગરીમાં મૂકવામાં આવ્યું છે. D2 કેટેગરીમાં મૂકવાના કારણે નોન ટીપી વિસ્તારમાં કોઈપણ ખેડૂત કે બિલ્ડર એનએની પરવાનગી લેવા જાય ત્યારે 40 ટકા જમીન કપાત કરીને પરવાનગી મળશે.
તેમણે ઉમેર્યું કે, 40 ટકા જમીન કપાત થાય તો ખેડૂત હોય કે બિલ્ડર, કોઈને પણ પોષાય તેમ નથી. 40 ટકા જમીન કપાત થાય તો હાલમાં જે મકાન 60 લાખ રૂપિયામાં મળે છે તેનો ભાવ વધીને સીધો 90 લાખથી વધુનો થઈ જાય. તેવા મોંઘા મકાન લોકો ખરીદી ન શકે તો પછી રિઅલ એસ્ટેટમાં મંદી આવે. તેથી 20 ટકાથી વધુ જમીન કપાત ન થવી જોઈએ તેવી અમારી માગણી છે.
ઉલ્લેખનીય છે કે, મહેસાણા સાથે નવસારી, ગાંધીધામ, મોરબી, આણંદ, સુરેન્દ્રનગર, વાપી, પોરબંદર અને નડિયાદ નગરપાલિકાને પણ મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો હતો. તમામ નવી મહાનગરપાલિકાઓ પણ ESI બાબતે D2 કેટેગરીમાં મૂકવામાં આવી છે. તેથી મહેસાણાની માફક નવી મહાનગરપાલિકાઓમાં પણ આ મુદ્દે માથાકૂટ શરૂ થઈ શકે તેમ છે. તેથી સરકાર આ મુદ્દે વચગાળાની રાહત આપતો નિર્ણય નહી કરે તેવી ખેડૂતો અને બિલ્ડરોએ માગ કરી છે.
મહેસાણા નગરપાલિકા હતી ત્યારે તેનું કુલ ક્ષેત્રફળ 31.1 ચોરસ કિલોમીટર હતું. મહાનગરપાલિકામાં 14 ગામોનો સમાવેશ કરાતા 79.94 ચોરસ કિલોમીટર થઈ ગયુ છે. જેમાં ફતેપુરા, પાલોદર, રામોસણા, રામોસણા એનએ, દેદીયાસણ, પાલાવાસણા, હેડુવા(રાજગર), હેડુવા (હનુમંત), તળેટી, લાખવડ, પાંચોટ, નુગર, ગીલોસણ અને સખપુરડાનો સમાવેશ કરાયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!