CMના મતવિસ્તારમાં જનતા રસ્તા પર કેમ આવી?
સુરત બાદ ચાંદલોડિયા ડિમોલિશન મામલે વિવાદ થાય તેવી શક્યતા

ઈન્ટરનેટ

ઈન્ટરનેટ
Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ચાંદલોડિયા વિસ્તારમાં હાથ ધરવામાં આવેલી મેગા ડિમોલિશન ડ્રાઈવ સામે સ્થાનિક રહીશોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. ગાંધીનગર લોકસભા અને રાજ્યના મુખ્યમંત્રીના મુખ્ય વિધાનસભા મતવિસ્તાર હેઠળ આવતા ચાંદલોડિયા વોર્ડના મહાદેવનગર વિભાગ 1 અને 2 માં ઉત્તર-પશ્ચિમ ઝોનના એસ્ટેટ અને દબાણ હટાવ વિભાગ દ્વારા મોટા પાયે તોડફોડની કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા 4 દિવસથી ચાલી રહેલી આ કામગીરીના વિરોધમાં ઘરવિહોણા બનેલા સેંકડો પરિવારો મહિલાઓ અને નાના બાળકો સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે તણાવભર્યો માહોલ સર્જાયો છે.
કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા વિના 50 મકાનો જમીનદોસ્ત
પ્રાપ્ત વિગતો અનુસાર, ચાંદલોડિયા વિસ્તારમાં રેલવે લાઇનને સમાંતર આવેલા મહાદેવનગર વિભાગ 1 અને 2 પાસેથી 12 મીટરનો નવો ટીપી રોડ ખોલવાનું આયોજન કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. આ રોડ લાઈનમાં નડતરરૂપ આશરે 50 જેટલા પાકા મકાનોને એસ્ટેટ વિભાગ દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે, આ રેલવે સમાંતર 12 મીટરના રોડની હાલના તબક્કે કોઈ જ તાત્કાલિક જરૂરિયાત નહોતી. તેમ છતાં, તંત્ર દ્વારા માત્ર 5 જ દિવસની ટૂંકી નોટિસ આપીને મનસ્વી રીતે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને ઘર બહાર કાઢી મૂકવામાં આવ્યા છે અને હજારો લોકોને ઘરવિહોણા કરી દેવાયા છે.
પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ બાદ આજે સવારથી છાવણી નંખાઈ
બે દિવસ પહેલાં જ્યારે એસ્ટેટ વિભાગની ટીમ ભારે પોલીસ કાફલા સાથે ડિમોલિશન માટે પહોંચી હતી, ત્યારે પોતાના પાકા આશરા તૂટતા જોઈને સ્થાનિક રહીશો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ તેમજ બોલાચાલીના દૃશ્યો સર્જાયા હતા. આ કડક કાર્યવાહી બાદ બેઘર બનેલા સ્થાનિક રહીશો આજે એટલે કે 11 જૂનના રોજ સવારથી જ ઘટનાસ્થળે છાવણી નાખીને ધરણા પર બેસી ગયા છે. કાળઝાળ ગરમીમાં પણ રહીશોએ જ્યાં સુધી ઘરની સામે ઘર ન મળે ત્યાં સુધી હટવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે અને આંદોલન વધુ ઉગ્ર બનાવવાની તેમજ કોર્પોરેશન વિરુદ્ધ હાઈકોર્ટમાં જવા સુધીની ચીમકી ઉચ્ચારી છે.
'જો મકાનો ગેરકાયદે હતા, તો તંત્ર અત્યાર સુધી વેરો કેમ લેતું હતું?'
વિરોધ પ્રદર્શન કરી રહેલા સ્થાનિક મહિલાએ જણાવ્યું કે, "અમે છેલ્લા 40 વર્ષથી આ જગ્યા ઉપર કાયદેસર રીતે રહીએ છીએ. નોટિસ આપીને માત્ર 4 દિવસમાં મકાનો ખાલી કરાવવામાં આવ્યા હતાં. સરકાર પાસે અમારી એક જ માગ છે કે અમને મકાનની સામે મકાનની વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે." સ્થાનિકોએ તંત્ર સામે ગંભીર સવાલો ઉઠાવતા આક્ષેપ કર્યો છે કે, તેઓ અહીં કોઈ ગેરકાયદે ઘૂસણખોરી કરીને નથી રહેતા. તંત્ર વર્ષોથી તેમની પાસેથી નિયમિતપણે પ્રોપર્ટી ટેક્સ (વેરો) વસૂલતું આવ્યું છે. જો આ મકાનો ગેરકાયદેસર જ હતા, તો તંત્ર અત્યાર સુધી વેરો કેમ લેતું હતું?
પુનઃવસનની ખાતરી ન મળતા રોષ, તંત્ર દબાણો હટાવવા પર મક્કમ
પીડિત રહીશોની મુખ્ય માંગણી છે કે માનવતાના ધોરણે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે તેમને ફ્લેટની ફાળવણી અથવા 'ઘર સામે ઘર' આપવામાં આવે, જેથી આ આકરી ગરમીમાં નિર્દોષ મહિલાઓ અને બાળકોને રઝળવાનો વારો ન આવે. પુનઃવસનની કોઈ ચોક્કસ ખાતરી ન મળવાને કારણે લોકોનો રોષ સાતમા આસમાને પહોંચ્યો છે. બીજી તરફ, AMCના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે કાયદાકીય પ્રક્રિયા આગળ ધપાવી રહ્યા છે અને રોડ લાઈનના તમામ દબાણો હટાવવા પર મક્કમ છે. વિકાસના નામે ગરીબોના આશિયાના છીનવાઈ જવાની આ ઘટના અત્યારે સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બની છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.