જાતિ પ્રમાણપત્ર કૌભાંડ: રાજ્યના ઉપસચિવ લક્ષ્મી કટારિયા પદ પરથી બરતરફ
લક્ષ્મી કટારિયાના સરકારી લાભો પરત ખેંચાયા, કાયદા વિભાગમાં ઉપસચિવ તરીકે કાર્યરત હતા

ખોટા અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રના આધારે લક્ષ્મી કટારિયાએ બઢતી મેળવી હતી

ખોટા અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રના આધારે લક્ષ્મી કટારિયાએ બઢતી મેળવી હતી
ગાંધીનગરમાં ઉપસચિવ કક્ષાના અધિકારીનું જાતિ પ્રમાણપત્ર કૌભાંડ ઝડપાયુ છે. રાજ્ય સરકારે જાતિ પ્રમાણપત્રની ખરાઈ કરતાં કાયદા વિભાગના ઉપસચિવ લક્ષ્મી કટારિયાએ ખોટું જાતિ પ્રમાણપત્ર રજૂ કરીને બઢતી મેળવી હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી હતી. તેથી સામાન્ય વહીવટ વિભાગે ગુજરાત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગ(જાતિ પ્રમાણપત્ર કાઢી આપવાનું અને તેની ખરાઈ કરવાનું નિયમન કરવા બાબત) અધિનિયમ, 2018 હેઠળ કાર્યવાહી કરી લક્ષ્મી કટારિયાને ઉપસચિવ પદેથી બરતરફ કરી તમામ સરકારી લાભો પરત ખેંચ્યા છે.
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ષ 2014-15માં લેવાયેલી પરીક્ષા પાસ કર્યા બાદ પરિણામના આધારે કુ. લક્ષ્મીબેન સરમણભાઈ કટારિયાની અનુસૂચિત જનજાતિ વર્ગના ઉમેદવાર તરીકે પસંદગી થઈ હતી. સામાન્ય વહીવટ વિભાગની જાતિ પ્રમાણપત્રોની ખરાઈ બાદ લક્ષ્મી કટારિયાની અજમાયશી સેક્શન અધિકારી વર્ગ-2 તરીકે નિમણૂક કરી હતી. સામાન્ય વહીવટ વિભાગની સૂચના બાદ વર્ષ 2017 માં નાણા વિભાગ ખાતે નિમણૂક કરવામાં આવી હતી. વર્ષ 2022માં લક્ષ્મી કટારિયાનો અજમાયશી અધિકારી તરીકેનો સમયગાળો પૂર્ણ થતાં અનુસૂચિત જાતિના પ્રમાણપત્રોના આધારે ઉપસચિવ વર્ગ-1 તરીકે બઢતી આપી કાયદા વિભાગમાં નિમણૂક કરવામાં આવી હતી.
વિભાગીય વિશ્લેષણ સમિતિ, ગાંધીનગર–૨ના હુકમ મુજબ, લક્ષ્મી કટારિયાએ 19-08-2006 ના રોજ વેરાવળ મામલતદાર દ્વારા અપાયેલા જાતિ પ્રમાણપત્રનો ઉપયોગ કરી બઢતી મેળવી હતી. પુનઃ તપાસ દરમિયાન આ પ્રમાણપત્ર ખોટું હોવાનું સાબિત થયું હતુ. તેથી વિશ્લેષણ સમિતિએ સુપ્રીમકોર્ટના 1994 ના ચુકાદા તથા વિવિધ કાયદાકીય દસ્તાવેજોના આધારે તેમને અપાયેલા ST પ્રમાણપત્ર રદ્દ કરવાની ભલામણ કરી હતી. ત્યારબાદ સામાન્ય વહીવટ વિભાગે તેઓને કાયદા વિભાગના ઉપસચિવ પદેથી તાત્કાલિક અસરથી બરતરફ કરવાનો આદેશ કર્યો છે.
લક્ષ્મી કટારિયાને પદ પરથી બરતરફ કરી અત્યાર સુધી સરકારી પદના આધારે મેળવેલા તમામ લાભો પગાર અને અન્ય સરકારી સુવિધાઓ પરત ખેંચવાનો હુકમ કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ખોટું જાતિ પ્રમાણપત્ર રજૂ કરીને નોકરી કે શૈક્ષણિક પ્રવેશ મેળવ્યો હોય તેવા કોઈપણ વ્યક્તિ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા અપાયેલા આદેશમાં જણાવાયું છે કે જો કોઇ વ્યક્તિ અનધિકૃત રીતે અનામત કેટેગરીના પ્રમાણપત્ર દ્વારા સરકારની નોકરી કે શૈક્ષણિક પ્રવેશ મેળવશે તો તેમના સર્ટિફિકેટ રદ્દ થયા બાદ તે વ્યક્તિને પદ પરથી દૂર કરવામાં આવશે અને તમામ લાભો પરત ખેંચવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, લક્ષ્મી કટારિયાને તા. 28-10-2022ના રોજ સામાન્ય વહીવટ વિભાગની સૂચનાથી શરતી બઢતી આપી કાયદા વિભાગમાં ઉપસચિવ તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. જે તે સમયે જાતિ પ્રમાણપત્રની પુષ્ટિ આધારિત બઢતી આપવામાં આવી હતી. હવે ખરાઈમાં જાતિ પ્રમાણપત્ર ખોટું સાબિત થતાં કાર્યવાહી કરવામાં આવી છે. લક્ષ્મી કટારિયાના ખોટા જાતિ પ્રમાણપત્રની ઘટના બાદ રાજ્ય સરકારે તમામ વિભાગોને તપાસ કરીને સતર્ક રહેવા તાકીદ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.

વિજયાદશમીના પર્વે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું. હથિયારો, પેટ્રોલિંગ વાહનો, અશ્વ અને ડોગ સ્ક્વોડની પૂજા સાથે પોલીસ જવાનોએ નાગરિકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!