ગુજરાતમાં રણજિત બિલ્ડકોન નિર્મિત વધુ એક ઓવરબ્રિજમાં ગાબડું પડ્યું છે. મહેસાણા જિલ્લાના ઉંઝામાં સ્ટેટ હાઈવે ઉપર APMC સર્કલ નજીક કરોડો રૂપિયાના ખર્ચે બનેલાં ઓવરબ્રિજમાં ગાબડું પડ્યું છે. થોડા વર્ષો પહેલાં બનેલાં બ્રિજમાં ગાબડું પડતાં ગુણવત્તાને લઈ સવાલો ઉભા થયા છે. ઊંઝાના પૂર્વ કોર્પોરેટર ભાવેશ પટેલે મુખ્ય સચિવને લેખિત રજૂઆત કરી કોન્ટ્રાકટર અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માંગ કરી છે.
ઉંઝા APMC સર્કલ પરનો બ્રિજ રણજીત બિલ્ડકોનના સબલેટમાં રાધે એસોસિએટએ બનાવ્યો છે. સામાન્ય વરસાદમાં બ્રિજ ઉપર ગાબડું પડી ખિલાસરી બહાર આવી ગઈ છે. ગાબડાના કારણે અકસ્માત થવાની શક્યતા છે. રાધે એસોસિએટએ મોટીદાઉ નજીક બનાવેલો બ્રિજ ઉદ્ઘાટન પહેલાં તૂટી ગયો હતો. ઊંઝા નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર ભાવેશ પટેલે મુખ્ય સચિવને પત્ર લખી સત્વરે બ્રિજ ઉપર ગાબડાનું બેરીકેટિંગ કે વાહન વ્યવહાર ડાયવર્ઝન કરવા રજૂઆત કરી છે. આ ઉપરાંત સુપરવિઝન, એન્જિનિયર સહિત જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માગ કરી છે. અમદાવાદથી રાજસ્થાન તરફ જતો સ્ટેટ હાઇવે હોવાથી વાહનોની વધુ અવરજવર રહે છે. તેથી તાત્કાલિક ગાબડું પૂરવા માગ કરતાં તંત્ર દ્વારા ગાબડું પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

મેટ્રો પીલર, ઓવરબ્રિજનું નિર્માણ કરતી વિવાદિત રણજીત બિલ્ડકોન કંપની
ત્રણેક વર્ષ પહેલાં મહેસાણા-ઊંઝા હાઈવે પર નવનિર્મિત બ્રિજ નમી પડ્યો હતો. સોનેરીપુરા પાટીયા નજીક રૂપેણ નદી પર નવનિર્મિત બ્રિજમાં ગુણવત્તા નહી જળવાતા નમી પડ્યો હતો. ઉદ્ઘાટન પહેલાં નમી પડનાર બ્રિજની કામગીરી રણજિત બિલ્ડકોન કંપની કરી રહી હતી. રણજિત બિલ્ડકોન કંપનીએ નિર્માણ કરેલો અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ પર બોપલ પાસે નિર્માણાધિન બ્રિજ ધરાશાયી થયો હતો. મહેસાણા શહેરના બાયપાસ હાઈવે પર રણજિત બિલ્ડકોન કંપનીએ બનાવેલો ઓવરબ્રિજ ગેરંટી પીરીયડમાં જર્જરીત થઈ ગયો હતો.
રણજિત બિલ્ડકોન કંપનીએ બનાવેલો બોપલ-શાંતિપુરા બ્રિજનો એક ભાગ વચ્ચેથી તૂટી પડ્યો હતો.
અમદાવાદમાં સરદાર પટેલ રિંગરોડ પર નિર્માણધિન બ્રિજનો એક ભાગ ધરાશાયી થયો હતો સનાથલ સર્કલથી બોપલ સુધીના રોડ પર બ્રિજ બનીને તૈયાર થાય તે પહેલા એક ભાગ વચ્ચેથી ધરાશાયી થયો હતો. રણજિત બિલ્ડકોન લિમિટેડને રૂપિયા 90 કરોડના ખર્ચે બ્રિજનું ટેન્ડર અપાયું હતું.
ગુજરાતમાં ફ્લાય ઑવર, રેલવે ટ્રેક, મેટ્રો ટ્રેકના સૌથી વધુ કોન્ટ્રાક્ટ મેળવનાર રણજિત બિલ્ડકોન વિવાદિત હોવા છતાં નવા ટેન્ડર આપવામાં આવતા હોય છે. રણજિત બિલ્ડકોન સામે કચ્છમાં રેલવે ટ્રેક બાંધકામમાં રૂપિયા ત્રણ કરોડની ખનીજ રોયલ્ટીની ગોલમાલનો કિસ્સો પણ સામે આવ્યો હતો. સુરતના વરાછા વિસ્તારમાં મેટ્રો રેલ પ્રોજેક્ટમાં રણજિત બિલ્ડકોનની બેદરકારીથી ક્રેઇન મકાન ઉપર તૂટી પડતાં મોટું નુકસાન થયુ હતું. રણજિત બિલ્ડકોન કંપનીની નબળી કામગીરી હોવા છતાં પણ મોટા ટેન્ડર તેમને આપવામાં આવે છે. બ્રિજ બનાવવાનો રેકોર્ડ સાવ ખરાબ હોવા છતાં રણજિત બિલ્ડકોન કંપની ઉપર કોના ચાર હાથ છે તે ચર્ચાનો વિષય બન્યો છે.