ગુજરાત સહિત દેશભરમાં શીતલહેર
ગુજરાતનું નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર, તાપમાન 12.4 ડિગ્રી નોંધાયું છે

ગુજરાતમાં ઠંડી

ગુજરાતમાં ઠંડી
સમગ્ર દેશમાં હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે, જેના કારણે ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં શીતલહેર, ધુમ્મસ અને ગગડતા તાપમાનનો પ્રકોપ વધ્યો છે. છત્તીસગઢના અંબિકાપુર, સરગુજામાં ઠંડીએ 57 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે, જ્યાં લઘુત્તમ તાપમાન 6.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં લગભગ 6 ડિગ્રી નીચું છે. મૈનપાટ અને બલરામપુર જિલ્લાના સામરીપાટમાં તો તાપમાન 5 ડિગ્રીથી પણ નીચે પહોંચી ગયું હતું. આ સાથે જ રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં પણ રવિવારે લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે છેલ્લા 3 વર્ષમાં નવેમ્બરનો સૌથી ઠંડો દિવસ હતો. દિલ્હીમાં 29 નવેમ્બર 2022 પછી આટલી ઠંડી પડી છે.
લઘુત્તમ તાપમાન 9.2 ડિગ્રી નોંધાયું
મધ્ય પ્રદેશના છિંદવાડા જિલ્લામાં પણ લઘુત્તમ તાપમાન 9.2 ડિગ્રી નોંધાયું હતું અને ગ્રામ્ય વિસ્તારોમાં તે 6.2 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી ગયું હતું. ઉત્તર ભારતમાં પંજાબથી લઈને મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ અને પૂર્વીય રાજસ્થાનમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડી હવે તેનું રૌદ્ર સ્વરૂપ બતાવશે, જ્યારે હવામાન વિભાગે પર્વતીય રાજ્યો જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાની ચેતવણી આપી છે, જ્યાં તાપમાન 5 ડિગ્રીથી નીચે ગગડી ગયું છે અને તાબોમાં તો તે માઈનસ 5.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડીનો પારો ગગડ્યો
ગુજરાતમાં વરસાદની આગાહી
ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો વધ્યો છે અને રાજ્યનો તાપમાનનો પારો 12 ડિગ્રી નજીક પહોંચી ગયો છે. 12.4 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું, ત્યારબાદ ડીસામાં 14 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદમાં 16 ડિગ્રી, ગાંધીનગરમાં 14.8 ડિગ્રી, વડોદરામાં 14.4 ડિગ્રી, રાજકોટમાં 14.4 ડિગ્રી સહિત 18 જિલ્લાઓમાં તાપમાન 20 ડિગ્રીથી નીચું નોંધાયું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી દિવસોમાં હજી વધુ ઠંડી પડવાની સંભાવના છે, ખાસ કરીને 18 નવેમ્બર પછી કડકડતી ઠંડી પડી શકે છે. બીજી બાજુ, દક્ષિણ ભારતમાં પૂર્વોત્તર ચોમાસું સક્રિય થવાના કારણે તમિલનાડુ, કેરળ અને આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાના કારણે આ 3 રાજ્યોમાં વરસાદ પડી શકે છે, જેના પગલે અહીં પણ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે અને ઠંડી વધશે.
અન્ય રાજ્યોમાં હવામાનની સ્થિતિ
ઉત્તર પ્રદેશમાં પણ ઠંડી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવશે, જ્યાં લખનૌનું મહત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. બિહારમાં 17 નવેમ્બરથી તાપમાન 2થી 3 ડિગ્રી સેલ્સિયસ ઘટશે, જેના કારણે ઠંડીનું ગંભીર સ્વરૂપ જોવા મળશે. રાજસ્થાનમાં પણ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થશે અને કેટલાક જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે, જે ઠંડીમાં વધુ વધારો કરશે. રાજસ્થાનના સીકરમાં સૌથી ઓછું તાપમાન 7 ડિગ્રી નોંધાયું છે. ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષાને કારણે ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો છે. હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં ઠંડીએ રેકોર્ડ તોડ્યો છે, જ્યાં કેલાંગમાં માઈનસ 3.6 અને કલ્પામાં 0.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?