અમદાવાદ: BOB ની તિજોરી સાફ કરનાર કસ્ટોડિયન ઝડપાયો
કરન્સી ચેસ્ટમાંથી 8.70 કરોડ સગેવગે કરી ખરીદ્યા બંગલો અને દુકાન

AI જનરેટેડ

AI જનરેટેડ
Ahmedabad RBI Currency Theft: શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડાની શાખામાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ની કરન્સી ચેસ્ટમાંથી રૂ. 8.70 કરોડની ભારેભરખમ રકમ સગેવગે કરવાના હાઈપ્રોફાઈલ કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. ઝોન-3 એલસીબી સ્કોડની ટીમે આ ગુનાના મુખ્ય સૂત્રધાર અને બેંકના જોઈન્ટ કસ્ટોડિયન હરસિદ્ધ કડિયારને સોલા વિસ્તારમાંથી દબોચી લીધો છે. ચોરીની આ રકમમાંથી આરોપીએ કરોડો રૂપિયાની સંપત્તિ વસાવી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપી પાસેથી રૂ. 2.20 કરોડની રોકડ, કાર અને મોબાઈલ ફોન કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભંગારના બહાને કરોડો રૂપિયા બેંકની બહાર કાઢ્યા
આ સમગ્ર કૌભાંડનો ખુલાસો કાલુપુર ગાંધીરોડ બ્રાંચના ચીફ મેનેજર હરીહર દેવ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ બાદ થયો હતો. આ બ્રાંચમાં રાખવામાં આવેલી આરબીઆઈની કરન્સી ચેસ્ટ (મોટી તિજોરી) ની દેખરેખની જવાબદારી મુખ્ય કસ્ટોડિયન સંજય શર્મા અને જોઈન્ટ કસ્ટોડિયન હરસિદ્ધ કડિયાર (રહે. ચાંદખેડા, અમદાવાદ) ની હતી. તાજેતરમાં જ્યારે બેંકનું ઓડિટ કરવામાં આવ્યું, ત્યારે રૂ. 500ના દરની કુલ 174 રીલ (બંડલો) ઓછી જોવા મળી હતી, જેની કિંમત રૂ. 8.70 કરોડ થતી હતી. બેંક સત્તાવાળાઓએ સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસતા માલૂમ પડ્યું કે, ગત 13 જાન્યુઆરીના રોજ હરસિદ્ધ કડિયાર બેંકમાંથી કેટલાક મોટા બોક્સ બહાર લઈ જઈ રહ્યો હતો અને પૂછપરછ દરમિયાન તેણે સ્ટાફને એવું બહાનું આપ્યું હતું કે આમાં માત્ર ભંગાર ભરેલો છે.
સીસીટીવી ફૂટેજ ડિલીટ થવાની રાહ જોઈ, પછી મેડિકલ લીવ પર ઉતરી ગયો
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ જાન્યુઆરી મહિનામાં જ આ ચોરીને અંજામ આપ્યો હતો. બેંકના ડિજિટલ રેકોર્ડ મુજબ 90 દિવસમાં સીસીટીવી ફૂટેજ આપોઆપ ડિલીટ થઈ જશે તેવું માનીને આરોપીએ ચોરી કર્યા પછી પણ સતત 90 દિવસ સુધી બેંકમાં નોકરી ચાલુ રાખી હતી. સમયગાળો પૂરો થતાં જ, ગત 13 એપ્રિલે તેણે ચીફ મેનેજરને તબિયત ખરાબ હોવાનો મેસેજ કરી રજા લીધી હતી. ત્યારબાદ વધુ 5 દિવસની મેડિકલ લીવ લંબાવીને તે 20 એપ્રિલથી સંપૂર્ણપણે ગાયબ થઈ ગયો હતો.
ચોરીના નાણાંથી 3.40 કરોડનો બંગલો-દુકાન ખરીદ્યા અને ક્રિપ્ટોમાં રોકાણ કર્યું
આરોપીએ 15 વર્ષની નોકરી બાદ એશોઆરામની જિંદગી જીવવા માટે આ ગુનો કર્યો હોવાની કબૂલાત કરી છે. ચોરી કરેલી કરોડોની રકમમાંથી તેણે ચાંદખેડા વિસ્તારમાં રૂ. 2 કરોડથી વધુની કિંમતનો આલીશાન બંગલો અને રૂ. 1.40 કરોડની એક કિંમતી દુકાન ખરીદી લીધી હતી. આ ઉપરાંત, તેણે એક 'છોટા હાથી' વાહન ખરીદ્યું હતું અને કેટલીક રકમ ક્રિપ્ટો કરન્સીમાં પણ ઇન્વેસ્ટ કરી હતી. એટલું જ નહીં, આરોપીએ તેની સાથે કામ કરતા વૈશાલીબેન નામના કર્મચારીને મકાન ખરીદવા માટે બે તબક્કામાં કુલ રૂ. 28 લાખની આર્થિક મદદ પણ કરી હતી.
સોલામાં ઔડાના મકાન નીચે પાર્ક કરેલી કારમાંથી 2.20 કરોડ મળ્યા
ફરિયાદ દાખલ થતાં જ આરોપી પરિવાર સાથે મનાલી ફરવા ઉપડી ગયો હતો, પરંતુ ત્યાં તેને પોલીસ તપાસની ભણક લાગતાં તે મનાલીથી પણ નાસી છૂટ્યો હતો. આખરે એલસીબી પીએસઆઈ વી.એચ. રાઠોડની ટીમે બાતમીના આધારે સોલા વિસ્તારમાં આવેલા ઔડાના મકાનમાંથી તેને ઝડપી પાડ્યો હતો. સોલામાં મકાનની નીચે પાર્ક કરેલી તેની અર્ટિગા (Ertiga) કારની તલાશી લેતા પોલીસને તેમાંથી રૂ. 2.20 કરોડની ચોરીની રોકડ લાઈવ મળી આવી હતી.
પત્ની રેલવે પોલીસમાં હેડ કોન્સ્ટેબલ
આ કેસમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આરોપી હરસિદ્ધ કડિયારની પત્ની રેલવે પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. આ ગુનામાં તેની પત્નીની કોઈ સંડોવણી છે કે કેમ તે દિશામાં પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે. આ સિવાય, બેંકમાંથી કેશ ટ્રાન્સફર કરવાનું કામ કરતા અન્ય બે ઇસમો—સુલતાન અને ઝુલ્ફીકારની પણ પોલીસે અટકાયત કરી છે. આ બંનેની પૂછપરછમાં કૌભાંડના અન્ય કેટલાક મોટા ખુલાસા થવાની સંભાવના છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

14.9%થી 13.3%... ગુજરાતના શિક્ષણ બજેટમાં આખરે શું બદલાયું?

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?