કલોલ નગરપાલિકાની આંતરિક જૂથબંધીનો મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો
કોર્પોરેટર અને કોન્ટ્રાક્ટર સામે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ફરિયાદ નોંધાવશે

Kalol nagarpalika councillors at the civic body office

Kalol nagarpalika councillors at the civic body office
ભાજપ શાસિત કલોલ નગરપાલિકાની આંતરિક જૂથબંધીનો મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. થોડા દિવસ પહેલાં પાલિકા કચેરીમાં થયેલા લાફા કાંડ મામલે ફરિયાદ નોંધાવવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને કોર્પોરેટરના પતિ ઉપર હુમલો કરી લાફા મારવા મામલે ભાજપના એક કોર્પોરેટર અને કોન્ટ્રાક્ટર સહિત 6 થી 7 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવશે. ગુરૂવારે એક સાથે 12 કોર્પોરેટરોએ રાજીનામા ધરી દેતાં પાલિકામાં ભાજપ લઘુમતિમાં આવી જવાની શક્યતાએ પ્રદેશ નેતાગીરીએ દરમિયાનગીરી કરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે.
કલોલ નગરપાલિકામાં ગુરૂવારે ભાજપના 33માંથી 12 કોર્પોરેટરે રાજીનામાં ધરી દીધા હતા. કોર્પોરેટરપદે અને હોદ્દા ઉપરથી રાજીનામા આપ્યા હતા. વધુ 8 કોર્પોરેટર રાજીનામાં આપે તેવી શક્યતા છે. ધારાસભ્ય અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનાં જૂથ વચ્ચે સમાધાન ન થતાં મામલો ગરમાયો છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને 3 દિવસ પહેલાં રાજીનામું આપ્યું હતું. જ્યારે ગુરૂવારે વધુ 11 કોર્પોરેટરે રાજીનામાં આપ્યાં છે.
એક કોર્પોરેટર અને એક કોન્ટ્રાક્ટર સામે નામજોગ ફરિયાદ કરશે
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રકાશ વર્ગુડેએ જણાવ્યુ કે, ધારાસભ્યની તાનાશાહી સામે રાજીનામું આપ્યું છે. ધારાસભ્ય કહે એમ અમારે કરવાનું હોય તો અમારે રહેવું નથી. નગરપાલિકા અમારે ચલાવવાની છે. મે ત્રણ દિવસ પહેલાં રાજીનામું આપ્યું હતું. મને ખબર પડી કે હજુ એ પાસ નથી થયું. એટલે વધુ 11 કોર્પોરેટરોએ રાજીનામાં આપ્યાં છે. જ્યારે અન્ય 8 કોર્પોરેટરો આજે રાજીનામાં આપશે. અત્યારે હું ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યો છું. એક કોર્પોરેટર અને એક કોન્ટ્રાક્ટર સામે નામજોગ અને ટપલી દાવ કરનારા વીડિયોમાં દેખાતા અન્ય લોકો સામે ફરિયાદ નોંધાવીશ.
પક્ષનો આંતરિક મામલો છે અમે ઉકેલ લાવી દઈશુઃ જિલ્લા ભાજપ પ્રમુખ
ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ અનિલ પટેલને પૂછતાં તેઓએ જણાવ્યુ કે પક્ષમાં ગુંડાગીરી ચલાવી લેવાશે નહી. નગરપાલિકામાં પક્ષના કોર્પોરેટરોને લાફા મારનાર સામે કાર્યવાહી કરાશે. અમારા પક્ષનો આંતરિક મામલો છે. તેનો અમે ઉકેલ લાવી દઈશું. લાફા કાંડમાં સંડોવાયેલા લોકો સામે ફરિયાદ કરાશે.
કલોલ નગરપાલિકામાં ભાજપ લઘુમતીમાં આવે તેની શક્યતા
કલોલ નગરપાલિકામાં ભાજપના 33માંથી 12 કોર્પોરેટરનાં રાજીનામાં બાદ ભાજપના 21, કોંગ્રેસના 10 અને અપક્ષના 1 કોર્પોરેટર છે. વધુ 8 રાજીનામાં પડે તો પાલિકાનું રાજકીય સમીકરણ બદલાઈ જશે. પાલિકામાં ભાજપ લઘુમતીમાં આવે તો સત્તા ગુમાવવી પડે તેવી શક્યતા હોવાથી પ્રદેશ નેતાગીરીએ દરમિયાનગીરી કરી છે.
કોણે રાજીનામાં આપ્યાં?
પ્રકાશ વર્ગડે ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી,
ઉષાબેન દિનેશભાઈ રાવળ કોર્પોરેટર, વોર્ડ નંબર-4
મુકુંદ જશવંતલાલ પરીખ કોર્પોરેટર, વોર્ડ નંબર-4
કિંજલબેન રિલેશભાઈ પરમાર કોર્પોરેટર, વોર્ડ નંબર-3
નિખિલભાઇ બંસીલાલ બારોટ કોર્પોરેટર, વોર્ડ નંબર-5
જલ્પાબેન ધર્મેન્દ્રભાઈ શાહ કોર્પોરેટર, વોર્ડ નંબર-5
હિમાક્ષીબેન સોલંકી કોર્પોરેટર, વોર્ડ નંબર-11
પટેલ અલ્પાબેન ભાવેશકુમાર કોર્પોરેટર, વોર્ડ નંબર-9
રમીલાબેન ભગવાનદાસ પટેલ કોર્પોરેટર, વોર્ડ નંબર-1
શૈલેન્દ્રસિંહ વાઘેલા કોર્પોરેટર, વોર્ડ નંબર-1
લક્ષ્મીબેન ભૂતડિયા કોર્પોરેટર, વોર્ડ નંબર-1
રાઠોડ વિરેન્દ્રસિંહ કોર્પોરેટર, વોર્ડ નંબર-3
શું હતો સમગ્ર મામલો?
કલોલ નગરપાલિકામાં ગત સપ્તાહે મારામારીનાં દ્રશ્યો સર્જાયા હતા. નગરપાલિકામાં વિકાસનાં કામોના રિટેન્ડરિંગને લઇ ચાલી રહેલી મિટિંગમાં મામલો ઉગ્ર બન્યો હતો. ઉશ્કેરાયેલા લોકોએ કોર્પોરેટર ઉષાબેન રાવળના પતિ દિનેશ રાવળને લાફાવાળી કરી હતી. ટેબલ પર ચડી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રકાશ વર્ગડે સાથે ટપલીદાવ કર્યો હતો. રિટેન્ડરિંગની માગણી કરનાર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રકાશ વર્ગડે સાથે મારામારી કરી તમે રિટેન્ડરિંગ કેમ માગ્યું, તમે વિકાસનાં કામમાં કેમ રોડા નાખો છો એમ કહી હોબાળો કર્યો હતો. હાજર લોકોએ મારામારી કરી ખુરશી માથે ફેંકવાનો પ્રયાસ કર્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ

ગુજરાતમાં દાળ-તેલના ભાવનો ડબલ ઝટકો! તુવેરદાળ ₹190ને પાર અને સિંગતેલમાં માત્ર 3 દિવસમાં ₹75નો વધારો! પણ તુવેરનું વાવેતર વધ્યું હોવા છતાં દાળ મોંઘી કેમ થઈ રહી છે?