બરોડા (Baroda) ડેરીમાં ચાલી રહેલા કથિત લાખો રૂપિયાના કૌભાંડ મામલે રાજકારણ ગરમાયું છે. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે ડેરીના MD અને ચેરમેન દ્વારા ગઈકાલે પ્રેસમાં અપાયેલા નિવેદનોને "દુઃખદાયક" ગણાવ્યા છે અને તેમના પર કૌભાંડનો "ઢાંકપિછોડો" કરવાનો સીધો આરોપ મૂક્યો છે. ઇનામદારના આકરા પ્રહારોથી બરોડા (Baroda) ડેરીનું કૌભાંડ વધુ ઘેરું બન્યું છે.
MD અને ચેરમેન પર આકરા શાબ્દિક પ્રહારો...
કેતન ઇનામદારે બરોડા (Baroda) ડેરીના MD ના નિવેદનની ઝાટકણી કાઢતા કહ્યું કે, "મૃતક સભાસદોના નામે દૂધ ભરાયું, એ મંત્રીની ભૂલ છે, ગેરરીતિ નથી" – આવું નિવેદન MD કેવી રીતે આપી શકે? તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે આ પ્રકારનું નિવેદન "હાસ્યાસ્પદ અને બેજવાબદાર ભર્યું" છે. ઇનામદારે ભારપૂર્વક કહ્યું કે, ભ્રષ્ટાચારમાં MD અને ડેરીના નિયામક મંડળ જવાબદાર હોય જ.
પોલીસ રિપોર્ટમાં ગંભીર ગુનાનો ખુલાસો...
ઇનામદારે વધુમાં જણાવ્યું કે, જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા તપાસ ચાલી રહી છે અને પોલીસ તપાસનો રિપોર્ટ કલેક્ટર, ડેરીના ચેરમેન અને જિલ્લા રજિસ્ટ્રારને મોકલી દેવાયો છે. "પોલીસ તપાસના રિપોર્ટમાં ગંભીર પ્રકારના ગુનો કર્યો હોવાનું સામે આવ્યું છે." ખુદ જિલ્લા પોલીસ વડાએ જાતે પત્ર લખી મેરાકુવા દૂધ મંડળીના પ્રમુખ રાવજીભાઈ અને મંત્રી વિક્રમસિંહ સહિત ઓડિટર અને સુપરવાઇઝર સામે ફરિયાદ દાખલ કરવા જિલ્લા રજિસ્ટ્રારને સૂચન કર્યું છે. ઇનામદારના મતે મેરાકુવા દૂધ મંડળીમાં લાખોનું કૌભાંડ થયું છે.
RBI નિયમોનો ભંગ અને ડેરી-બેંકની મિલીભગત!
ઇનામદારે કૌભાંડની ઊંડાણપૂર્વક ચર્ચા કરતા કહ્યું કે, RBI ના નિયમોમાં કોઈ ખાતાધારકના અધિકાર બીજા કોઈને આપી દેવા તેવું ક્યાંય નથી. તેમણે આક્ષેપ કર્યો કે બે વર્ષમાં KYC કરવાનું હોય છે, પરંતુ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક 10 વર્ષે KYC કરાવે છે. આ આક્ષેપો કરતાં તેમણે બરોડા (Baroda) ડેરી અને બરોડા સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંકને "કૌભાંડના એપી સેન્ટર" ગણાવ્યા. તેમણે ધમકી આપી કે તેઓ બરોડા (Baroda) સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક માટે RBI ને પત્ર લખશે. ઇનામદારે તો ત્યાં સુધી કહી દીધું કે, "બરોડા ડેરી ફડચામાં જઈ રહી છે."
આ પણ વાંચો : Baroda ડેરી કૌભાંડ, કેતન ઇનામદારનો પ્રહાર - "આ ઢાંકપિછોડો છે, રેલો MD-ચેરમેન સુધી પહોંચશે!"
ખુલ્લો પડકાર અને પોતાની પ્રતિબદ્ધતા!
ઇનામદારે પડકાર ફેંકતા કહ્યું કે, "બરોડા ડેરીને લઈ અમે એક મંચ પર બેઠા હોય તો મને બતાવો, હું જાહેર જીવન છોડી દઈશ." તેમણે સ્પષ્ટ કર્યું કે MD અને ચેરમેન કૌભાંડનો ઢાંકપિછોડો કરી રહ્યા છે, એટલે "રેલો એમના સુધી પહોંચશે" એવું તેમનું માનવું છે. પોતાના વિસ્તારના કામો પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવતા તેમણે કહ્યું કે, તેમના વિસ્તારમાં ચાલતા કામમાં તેમનું પૂરેપૂરું ધ્યાન છે અને જો કોઈ ખોટું કરતું હશે તો તેમના વિરુદ્ધ પણ તપાસ માટે સૂચન કરીને કાર્યવાહી કરાવશે. તેમણે દિનુમામાને પણ ધ્યાન દોરવા જણાવ્યું કે ક્યાં ખોટું ચાલી રહ્યું છે. આ કૌભાંડમાં સરકાર દ્વારા ત્રણ વર્ષથી મંડળીમાં ઓડિટ ન કરાયું હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે, જે તંત્રની બેદરકારી વધુ સ્પષ્ટ કરે છે. ઇનામદારે સીધા જ દૂધ ઉત્પાદકોના ખાતામાં નાણાં જમા ન થવા અને પ્રમુખ-મંત્રી દ્વારા રોકડાથી રૂપિયા આપવા પર પણ સવાલ ઉઠાવ્યા છે. અંતે, ઇનામદારે હરણી બોટકાંડનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેઓ પીડિતો માટે ઊભા છે અને જે જવાબદાર છે તેમની સામે કાર્યવાહી થવી જ જોઈએ.
આ પણ વાંચો : કચ્છમાં ઓપરેશન સિંદૂરની યાદમાં થિમ આધારિત 'સિંદૂર વન' બાંધાવશે, દોઢ વર્ષમાં થશે તૈયાર