Aravalli Malpur Police Encounter: અરવલ્લી જિલ્લામાં પોશડોડાની ગેરકાયદે હેરાફેરી સામે પોલીસની કાર્યવાહી દરમિયાન ફરી એકવાર ફાયરિંગની ઘટના સામે આવી છે. માલપુર તાલુકાના મોરડુંગરી નજીક 2 ઓક્ટોબરની વહેલી પરોઢે અરવલ્લી LCB પોલીસ અને પોશડોડાની હેરાફેરી કરતા શંકાસ્પદ આરોપીઓ વચ્ચે સામસામે ફાયરિંગ થયું હતું. પોલીસના જણાવ્યા મુજબ, શંકાસ્પદ સ્કોર્પિયો કારને રોકવાનો પ્રયાસ કરતા આરોપીઓએ પોલીસ ટીમ પર ફાયરિંગ કર્યું હતું. જવાબી કાર્યવાહીમાં પોલીસ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ અથડામણમાં એક આરોપીને પગના ભાગે ગોળી વાગતાં તે ઈજાગ્રસ્ત થયો હતો અને પોલીસે તેને ઝડપી લીધો હતો. જ્યારે બીજો આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. ફાયરિંગની ઘટનામાં LCBના ત્રણ પોલીસ અધિકારીઓને પણ ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે.
માલપુરના મોરડુંગરી નજીક પોલીસની વોચ
પ્રાથમિક માહિતી મુજબ, અરવલ્લી LCBને બાતમી મળી હતી કે નશીલા પદાર્થોનો મોટો જથ્થો એક વાહનમાં લઈ જવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે માલપુર નજીક મોરડુંગરી વિસ્તારમાં LCBની ટીમે વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ સ્કોર્પિયો કાર પોલીસની નજરે પડતાં તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, કારમાં સવાર આરોપીઓએ વાહન રોકવાને બદલે પોલીસ ટીમ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
પોલીસે જવાબી કાર્યવાહીમાં ફાયરિંગ કર્યું
આરોપીઓ તરફથી ફાયરિંગ થયા બાદ LCB ટીમે જવાબી કાર્યવાહી કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ, આ દરમિયાન ચાર રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સામસામે થયેલા ગોળીબારમાં એક આરોપીના પગમાં ગોળી વાગી હતી. ગોળી વાગતાં ઈજાગ્રસ્ત આરોપીને પોલીસે ઝડપી લીધો હતો અને સારવાર માટે ખસેડ્યો હતો. ઘટનાસ્થળેથી ફરાર થયેલા બીજા આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે.
સ્કોર્પિયોમાંથી પોશડોડા સાથે બે પિસ્તોલ મળી
પોલીસે ઝડપાયેલા આરોપી પાસેથી એક માઉઝર પિસ્તોલ કબજે કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ સ્કોર્પિયો કારની તલાશી લેતાં તેમાંથી વધુ એક માઉઝર પિસ્તોલ મળી આવી હતી. આમ, પોલીસે કુલ બે હથિયારો કબજે કર્યા છે. અરવલ્લી SP મનોહરસિંહ જાડેજાના જણાવ્યા મુજબ, પોલીસને મળેલી બાતમીના આધારે મધ્યપ્રદેશથી રાજસ્થાન તરફ જતા નશીલા પદાર્થોના જથ્થાની હેરાફેરી કરતા વાહન પર નજર રાખવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ, શંકાસ્પદ વાહનને રોકવાનો પ્રયાસ થતાં તેણે યુ-ટર્ન લીધો હતો અને ત્યારબાદ પોલીસ ટીમ સાથે અથડામણની સ્થિતિ સર્જાઈ હતી.
500 કિલોથી વધુ પોશડોડાનો જથ્થો મળ્યો હોવાનો પોલીસનો દાવો
અરવલ્લી SPએ જણાવ્યું કે, પોલીસની કાર્યવાહી દરમિયાન સ્કોર્પિયો કારમાંથી 500 કિલોથી વધુ પોશડોડાનો જથ્થો મળી આવ્યો છે. ઉપરાંત બે હથિયારો અને એક મોબાઇલ ફોન પણ મળી આવ્યો હોવાનું જણાવાયું છે. પોલીસ હવે જપ્ત કરાયેલા પોશડોડાનો જથ્થો ક્યાંથી આવ્યો હતો, તેને ક્યાં પહોંચાડવાનો હતો અને આ નશાના નેટવર્કમાં અન્ય કોણ-કોણ સંકળાયેલું છે તેની તપાસ કરી રહી છે.
ફાયરિંગમાં LCBના 3 પોલીસ અધિકારીઓ ઈજાગ્રસ્ત
અરવલ્લી LCBના PI એમ.એચ. ઝાલા, PSI પી.પી. સોલંકી અને ASI કલ્પેશસિંહને ફાયરિંગ તથા અથડામણ દરમિયાન ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. ત્રણેય પોલીસ કર્મચારીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
10 દિવસમાં અરવલ્લીમાં ફાયરિંગની બીજી ઘટના
અરવલ્લીમાં પોશડોડાની હેરાફેરી સામેની પોલીસ કાર્યવાહીમાં 10 દિવસની અંદર ફાયરિંગની આ બીજી ઘટના હોવાનું સામે આવ્યું છે. અગાઉ 22 સપ્ટેમ્બરે ધનસુરાના શીણોલ નજીક પણ પોશડોડા ભરેલી સ્કોર્પિયોને રોકવાના પ્રયાસ દરમિયાન પોલીસ અને શંકાસ્પદ આરોપીઓ વચ્ચે અથડામણ થઈ હતી. તે ઘટનામાં પોલીસ ટીમને વાહનથી ટક્કર મારવાના પ્રયાસ બાદ પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું અને આરોપીઓ ફરાર થયા હતા. હવે મોરડુંગરીની નવી ઘટનામાં એક આરોપી પોલીસના હાથે ઝડપાયો છે, જ્યારે બીજા આરોપીની શોધખોળ ચાલી રહી છે. પોલીસ પોશડોડાની હેરાફેરીના સમગ્ર નેટવર્ક, હથિયારોના સ્ત્રોત અને આરોપીઓના અન્ય સાગરીતો અંગે તપાસ આગળ વધારી રહી છે. બિશ્નોઈ ગેંગ સાથેના કથિત કનેક્શન અંગે પણ તપાસ કરવામાં આવી રહી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.