Ahmedabad Bomb Threat: અમદાવાદમાં ત્રણ સ્કૂલો અને ગાંધીનગરની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેઇલ મળતા તંત્ર દોડતું થયું છે. વેજલપુરની ઝાયડસ સ્કૂલ, બોપલની DPS અને થલતેજની ઉદગમ સ્કૂલને ધમકીભર્યો ઈ-મેઇલ મળ્યા બાદ વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્કૂલો ખાલી કરાવવામાં આવી હતી. બીજી તરફ ગાંધીનગર કોર્ટને પણ ધમકી મળતા પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. અમદાવાદમાં બોમ્બ થ્રેટ ઈ-મેઇલની જાણ થતાં જ પોલીસ, બોમ્બ સ્ક્વોડ, ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સની ટીમને એલર્ટ કરવામાં આવી હતી. વેજલપુરની ઝાયડસ સ્કૂલ ખાતે પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમ પહોંચી હતી. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વિદ્યાર્થીઓને રજા આપી સ્કૂલ પરિસર ખાલી કરાવવામાં આવ્યું હતું.
ઝાયડસ સ્કૂલના વાલીઓને મેસેજ, બાળકોને ઘરે લઈ જવા સૂચના
ઝાયડસ સ્કૂલને ધમકીભર્યો ઈ-મેઇલ મળ્યા બાદ વાલીઓને મેસેજ કરીને બાળકોને તાત્કાલિક ઘરે લઈ જવા માટે સૂચના આપવામાં આવી હતી. મેસેજ મળતા જ વાલીઓ સ્કૂલે પહોંચ્યા હતા અને પોતાના બાળકોને સુરક્ષિત રીતે ઘરે લઈ ગયા હતા. સ્કૂલમાં ફાયર વિભાગની બે ગાડીઓ અને પોલીસની ટીમ તૈનાત કરવામાં આવી હતી. કોઈ કટોકટીની સ્થિતિ સર્જાય તો તાત્કાલિક કાર્યવાહી કરી શકાય તે માટે ફાયર વિભાગે પણ જરૂરી તૈયારીઓ કરી હતી. ઉદગમ સ્કૂલ અને DPS બોપલ ખાતે પણ સુરક્ષા અને તપાસ માટે ટીમો હાજર રાખવામાં આવી હતી.
ACP અને બોમ્બ સ્ક્વોડે સ્કૂલમાં તપાસ શરૂ કરી
ધમકીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ACP સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને બોમ્બ સ્ક્વોડની ટીમ ઝાયડસ સ્કૂલ પહોંચી હતી. સ્કૂલ પરિસરમાં સુરક્ષા તપાસ હાથ ધરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ પણ સ્થળ પર હાજર રાખવામાં આવી હતી. હાલ મળેલી માહિતી પ્રમાણે ધમકી અંગેની હકીકત જાણવા માટે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ધમકીભર્યો ઈ-મેઇલ મળ્યો હોવાનો અર્થ બોમ્બ હોવો નથી, તેથી તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર મામલે સ્પષ્ટતા થઈ શકે છે.
DEOનો સ્કૂલોને સતર્ક રહેવાનો આદેશ
અમદાવાદ જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા તમામ સ્કૂલોને ધમકીભર્યા ઈ-મેઇલ અંગે સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. DEO રોહિત ચૌધરીએ જણાવ્યું છે કે કોઈપણ સ્કૂલને શંકાસ્પદ ઈ-મેઇલ, ફોન, સંદેશો અથવા અન્ય માહિતી મળે તો તેને અવગણ્યા વિના તાત્કાલિક પોલીસને જાણ કરવી. પોલીસ અધિકારીઓ સ્કૂલમાં પહોંચે ત્યારે સંચાલન અને આચાર્યએ સંપૂર્ણ સહકાર આપવાનો રહેશે. પોલીસની સૂચના મુજબ સ્કૂલ પરિસરની તપાસ કરાવવાની રહેશે અને વિદ્યાર્થીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની રહેશે.
શંકાસ્પદ વસ્તુને સ્પર્શ નહીં કરવાની સૂચના
DEO દ્વારા સ્કૂલોને ખાસ સૂચના આપવામાં આવી છે કે શંકાસ્પદ બેગ, પેકેટ, બોક્સ અથવા અન્ય કોઈ વસ્તુ મળે તો તેને સ્પર્શ કરવો નહીં. આવી સ્થિતિમાં તાત્કાલિક પોલીસને જાણ કરવાની રહેશે. સ્કૂલના પ્રવેશદ્વાર, વર્ગખંડો, પ્રયોગશાળા, રમતનું મેદાન, પાર્કિંગ, સ્ટોરરૂમ, પાણીની ટાંકી, શૌચાલય સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ તકેદારી રાખવા જણાવાયું છે. સાથે જ અફવા કે ભયનું વાતાવરણ ન સર્જાય તેનું પણ ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી છે.
ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટને પણ ધમકી
અમદાવાદની સ્કૂલો સાથે ગાંધીનગરની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેઇલ મળ્યો છે. ઈ-મેઇલ મળ્યા બાદ કોર્ટ પરિસરમાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી. કોર્ટમાં હાજર ન્યાયાધીશો, વકીલો, અસીલો અને કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો. સુરક્ષાના ભાગરૂપે કોર્ટ પરિસરને ખાલી કરાવવામાં આવ્યું હતું. ઈ-મેઇલમાં ‘ગુજરાત બોલેગા ખાલિસ્તાન જિંદાબાદ’ લખવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં અગાઉ પણ સ્કૂલ-કોર્ટને ધમકીઓ
છેલ્લા કેટલાક મહિનામાં ગુજરાતમાં સ્કૂલો, કોર્ટ અને અન્ય સંવેદનશીલ સ્થળોને ધમકીભર્યા ઈ-મેઇલ મળવાની અનેક ઘટનાઓ સામે આવી છે. માહિતી મુજબ 17 ડિસેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધીમાં આવી છ ઘટનાઓ નોંધાઈ છે. અગાઉ અમદાવાદની 16 સ્કૂલો, અમદાવાદ-વડોદરાની 40 સ્કૂલો તેમજ ગુજરાતના વિવિધ શહેરોની કોર્ટને પણ ધમકી આપવામાં આવી હતી. હાલ અમદાવાદની ઝાયડસ સ્કૂલ, DPS બોપલ, ઉદગમ સ્કૂલ અને ગાંધીનગર કોર્ટને મળેલા ધમકીભર્યા ઈ-મેઇલ બાદ પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ફાયર વિભાગ સતર્ક છે. ધમકી અંગેની તપાસ પૂર્ણ થયા બાદ જ તેની હકીકત અંગે સત્તાવાર સ્પષ્ટતા થશે.