અમદાવાદમાં આ વર્ષે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળશે.ત્યારે હાલમાં જગન્નાથ મંદિર દ્વારા અને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ રથયાત્રાને લઈને કરી દેવામાં આવી છે.તેની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરંપરા જાળવી રાખી છે.આ વર્ષે પણ વડાપ્રધાન મોદીએ અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભગવાન માટે પ્રસાદ મોકલ્યો છે. ડ્રાયફ્રૂટ,ફ્રૂટ,મગ અને ચોકલેટ સહિતનો પ્રસાદ મોકલ્યો છે.પરંતુ ભગત આ પ્રસાદ લઈને જગન્નાથ મંદિરમાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે દર વર્ષે વડાપ્રધાન તરફથી જગન્નાથ મંદિરમાં પ્રસાદ મોકલવામાં આવે છે.
અમદાવાદમાં 148મી રથયાત્રાને લઈ પોલીસ એલર્ટ :
અમદાવાદમાં 148મી રથયાત્રાને લઈ પોલીસ તંત્ર પણ એલર્ટ મોડ પર છે.પોલીસે ઓન વ્હીલ કંટ્રોલ રૂમ તૈયાર કર્યો છે.જમાલપુર દરવાજા પાસે આ કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે.રથયાત્રાના સમગ્ર રૂટ પર ડ્રોન,CCTVથી નજર રખાશે,આ સાથે જ AI ટેકનોલોજીથી હાજર લોકોની માહિતી મળશે.AI ટેકનોલોજીથી ક્રાઉડ કંટ્રોલ કરવામાં મદદ મળશે.ટેકનોલોજી સાથે પોલીસ સુરક્ષા વ્યવસ્થા કરી રહી છે.મંદિરના દરવાજા પર પિનાક સોફ્ટવેર સાથેના CCTV ગોઠવવામાં આવ્યા છે.ગુનાહિત ભૂતકાળ સાથે આરોપીઓની માહિતી સાથે નજર રખાશે.ગુનાહિત વ્યક્તિના મંદિર પ્રવેશ પર પોલીસની બાજ નજર રહેશે.
સરસપુરની પોળોમાં શરૂ થયા ભવ્ય રસોડા :
અમદાવાદમાં 148મી રથયાત્રાની તડામાર તૈયારીઓ હાલમાં ચાલી રહી છે.સરસપુરની પોળોમાં ભવ્ય રસોડા શરૂ થયા છે.સંતો મહંતો અને ભક્તો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે.હજારો કીલો મોહનથાળ અને ફૂલવાડી બનીને તૈયાર કરવામાં આવી છે.ત્યારે સાથે જ પુરી અને બટાકાનું શાક બનાવવાની તૈયારીઓ શરૂ કરાઈ છે. રથયાત્રાના દિવસે લાખોની સંખ્યામાં ભક્તો ભોજન પ્રસાદ લેશે.એક સાથે 1,000થી વધુ લોકો ભોજન લઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.