નારણપુરામાં AMTS બસની બ્રેક ફેલ થતા અકસ્માત
ડ્રાઈવર નશામાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

નારણપુરામાં AMTS બસની બ્રેક ફેલ થતા અકસ્માત

નારણપુરામાં AMTS બસની બ્રેક ફેલ થતા અકસ્માત
Ahmedabad News: શહેરના નારણપુરા વિસ્તારમાં આજે એક બેકાબૂ બનેલી AMTS બસે ભારે અફરાતફરી મચાવી હતી. નિકેતન સોસાયટી પાસે બસની બ્રેક ફેલ થઈ જવાના કારણે સર્જાયેલા આ અકસ્માતમાં એક કાર અને બે બાઈક અડફેટે આવ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ એક બાઈક ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી છે. ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને ડ્રાઈવર નશાની હાલતમાં હોવાના ગંભીર આક્ષેપો સાથે તેને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.
400 નંબરની રૂટની બસ બની બેકાબૂ
મળતી વિગતો અનુસાર, લાલ દરવાજાથી લાલ દરવાજા સુધીના 400 નંબરના સર્ક્યુલર રૂટ પર દોડતી AMTS બસ આજે નારણપુરા ચાર રસ્તાથી નિકેતન સોસાયટી તરફ જઈ રહી હતી. આ દરમિયાન બસની બ્રેક અચાનક ફેઈલ થઈ ગઈ હતી. બસ ચાલકે કાબૂ ગુમાવતા બસ આગળ જઈ રહેલી એક કાર અને બે મોટરસાયકલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક ચાલક રસ્તા પર પટકાયો હતો, જેને સામાન્ય ઈજાઓ થતા તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
સ્થાનિકોએ ડ્રાઈવરને પકડી પોલીસને સોંપ્યો
અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. લોકોએ બસને ઉભી રખાવી ડ્રાઈવરને પકડી લીધો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ડ્રાઈવરની હાલત શંકાસ્પદ જણાતી હતી અને તે નશામાં ડ્રાઈવિંગ કરી રહ્યો હોય તેવું લાગતું હતું. આક્રોશિત લોકો ડ્રાઈવરને પકડીને નજીકના પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અને તેને પોલીસને સોંપ્યો હતો.
AMTS અને પોલીસની તપાસ તેજ
ઘટનાની જાણ થતા જ ટ્રાફિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડી ટ્રાફિક હળવો કર્યો હતો. AMTS ના એક્સિડન્ટ ઇન્સ્પેક્ટર તેમજ આદિનાથ બલ્ક કેરિયર્સ લી. (ખાનગી ઓપરેટર) ની ટેકનિકલ ટીમ પણ સ્થળ પર તપાસ માટે પહોંચી હતી. AMTS તંત્રએ પ્રાથમિક નિવેદનમાં સ્વીકાર્યું છે કે ટેકનિકલ ખામીને કારણે બસની બ્રેક ફેલ થઈ હતી, જેના લીધે ત્રણ વાહનોને નુકસાન થયું છે. જોકે, ડ્રાઈવર નશામાં હતો કે કેમ તે અંગે પોલીસે જણાવ્યું છે કે તેના બ્લડ સેમ્પલ લેવા સહિતની કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જો ડ્રાઈવર નશામાં હોવાનું પુરવાર થશે, તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં ટ્રાફિક પોલીસ દ્વારા સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

14.9%થી 13.3%... ગુજરાતના શિક્ષણ બજેટમાં આખરે શું બદલાયું?

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?