જ્યોર્જિયામાં ગુજરાતી વિદ્યાર્થીનું રહસ્યમય મોત
16 દિવસથી ગુમ થયેલા ધ્વનિત રાજદીપ મૃત હાલતમાં મળતા પરિવારમાં શોકનો માહોલ

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો
વિદેશમાં મેડિકલના ઉચ્ચ અભ્યાસ અર્થે ગયેલા વધુ એક ગુજરાતી વિદ્યાર્થીના મોતના દુઃખદ સમાચાર સામે આવ્યા છે. યુરોપના જ્યોર્જિયા દેશમાં છેલ્લા 16 દિવસથી રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલા અમદાવાદના નિકોલ વિસ્તારનો રહેવાસી 22 વર્ષીય ધ્વનિત રાજદીપ,જે જ્યોર્જિયામાં એમબીબીએસ (MBBS) નો અભ્યાસ કરી રહ્યો હતો, તેનો મૃતદેહ જ્યોર્જિયાની એક નદીમાંથી મળી આવ્યો છે.ગત 14 મેના રોજ તે રહસ્યમય સંજોગોમાં ગુમ થયો હતો, ત્યારથી તેનો પરિવાર તેની શોધખોળ માટે સતત પ્રયત્નશીલ હતો, પરંતુ આખરે તેના મૃત્યુના સમાચાર મળતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
ધ્વનિત રાજદીપ અત્યંત તેજસ્વી વિદ્યાર્થી હતો, જેણે ચાર વર્ષ પહેલાં મેડિકલના અભ્યાસ માટે યુક્રેન પસંદ કર્યું હતું. રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ સુરક્ષાના કારણોસર તેને જ્યોર્જિયાની કાકેશસ ઇન્ટરનેશનલ યુનિવર્સિટીમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. બે વર્ષથી વધુ સમયથી તે ત્યાં અભ્યાસ કરી રહ્યો હતો અને અનેક રિસર્ચ પેપર લખીને પોતાની પ્રતિભા સાબિત કરી હતી. પરંતુ, કમનસીબે, 14 મેના રોજ તે અચાનક લાપતા થઈ ગયો અને 16 દિવસની લાંબી શોધખોળ બાદ તેનો મૃતદેહ નદીના પટમાંથી મળી આવ્યો છે.
14 મેના રોજ તે ગુમ થયો હતો
અમદાવાદના નિકોલ વિસ્તારનો રહેવાસી 22 વર્ષીય ધ્વનિત રાજદીપ જ્યોર્જિયામાં તબીબી અભ્યાસ અર્થે ગયો હતો. 14 મેના રોજ તે અચાનક હોસ્ટેલ/રૂમ પરથી ગુમ થઈ ગયો હતો, જેની જાણ થતાં જ અમદાવાદમાં રહેતા તેના ચિંતાતુર પરિવારે સોશિયલ મીડિયા અને કેન્દ્રીય વિદેશ મંત્રાલય સમક્ષ મદદની ગુહાર લગાવી હતી.
મકાન માલિક સાથે થયેલો કોઈ મોટો વિવાદ
ધ્વનિતના પરિવારે તેના મોત પાછળ સ્થાનિક મકાન માલિક પર ગંભીર આક્ષેપો કર્યા છે.પરિવારના જણાવ્યા અનુસાર,ધ્વનિત છેલ્લા એક મહિનાથી દક્ષિણ ભારતના અનિલ નામના વ્યક્તિના ઘરે ભાડેથી રહેતો હતો.ત્યાં તેને અન્ય લોકો દ્વારા ટિફિન ચોરી, પૈસાની ચોરી અને અભદ્ર વ્યવહાર જેવી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો.જ્યારે ધ્વનિતે આ બાબતે વિરોધ કરી રૂમ ખાલી કરવાનો નિર્ણય લીધો,ત્યારે ડિપોઝિટ પરત કરવા મુદ્દે મકાન માલિક સાથે મોટો વિવાદ થયો હતો.
ધ્વનિતના પિતા ડૉ. મયુર રાજદીપે ચોંકાવનારા ખુલાસા કરતા જણાવ્યું કે,મકાન માલિકે ડિપોઝિટ પાછી આપવાનો ઇનકાર કર્યો હતો અને ધ્વનિત પાસેથી ખોટી રીતે વધારાના પૈસા પણ વસૂલ્યા હતા.આરોપ છે કે, મકાન માલિક અને તેના સાથીઓએ ધ્વનિતનો ફોન આંચકી લઈ તેને એક રૂમમાં બંધક પણ બનાવ્યો હતો.ટેક્સીમાં ત્યાંથી નીકળ્યા બાદ,14 મેના રોજ પોતાના પિતા સાથે વાત કરતી વખતે ફોન અચાનક કટ થઈ ગયો હતો અને તે દિવસથી જ તે ગુમ હતો.
પોલીસ તપાસ અને પરિવારની ન્યાયની માંગ
જ્યોર્જિયા પોલીસે મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. હાલ પોલીસ આ મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે કે આ ઘટના આત્મહત્યા છે, અકસ્માત છે કે પછી મકાન માલિક સાથેના વિવાદમાં થયેલી કોઈ સાજિશ હેઠળની હત્યા. પરિવારજનોએ ભારત સરકાર અને વિદેશ મંત્રાલય સમક્ષ એવી માંગ કરી છે કે ધ્વનિતના મૃતદેહને વહેલી તકે ભારત લાવવામાં આવે અને જ્યોર્જિયા પ્રશાસન પર દબાણ લાવીને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે જેથી તેમના પુત્રને ન્યાય મળી શકે.
પરિવારમાં શોકનો માહોલ
બીજી તરફ, યુવાન પુત્રના મોતના સમાચાર મળતા જ અમદાવાદમાં પરિવાર હિબકે ચડ્યો છે. પરિવારે ભારત સરકારને વિનંતી કરી છે કે ધ્વનિતના મૃતદેહને વહેલી તકે ભારત લાવવાની વ્યવસ્થા કરવામાં આવે અને તેને ન્યાય અપાવવા માટે જ્યોર્જિયા પ્રશાસન પર દબાણ લાવવામાં આવે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

14.9%થી 13.3%... ગુજરાતના શિક્ષણ બજેટમાં આખરે શું બદલાયું?

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?