અમદાવાદ મેયરના ખર્ચના બિલોનાં કૌભાંડનો ખુલાસો
AMCમાં મેયરના ખર્ચના બોગસ બિલો ચૂકવાયા હોવાની શક્યતા, વિજિલન્સ તપાસના આદેશ

અમદાવાદ મહાનગરપાલિકા અને મેયરની ફાઈલ તસવીર

અમદાવાદ મહાનગરપાલિકા અને મેયરની ફાઈલ તસવીર
અમદાવાદ મહાનગરપાલિકાના બજેટમાંથી મેયરના ખર્ચ માટે ખોટા બિલો બનાવી ચુકવણી કરવામાં આવી હોવાની આશંકાએ મોટો વિવાદ સર્જ્યો છે. 15 હજાર કરોડ રૂપિયાનું બજેટ ધરાવતી AMCમાં કૌભાંડનો ખુલાસો થતાં ભાજપના નેતાઓના ધ્યાને મુદ્દો પહોંચ્યો હતો. જેના કારણે તાત્કાલિક તપાસના આદેશ આપવાની ફરજ પડી છે.
મેયરને વિશેષ કાર્યક્રમો માટે ખર્ચ મંજૂર કરવાની સત્તા હોય છે અને તે સંબંધિત બિલો નાણા વિભાગ મારફતે ચૂકવવામાં આવે છે. તાજેતરમાં આરટીઆઈ દ્વારા મળેલી માહિતીમાં કેટલાક ખર્ચના બિલો બોગસ હોવાનું સામે આવતા શંકા ઘેરી બની છે. આ મુદ્દા બાદ મ્યુનિસિપલ કમિશનર અને ભાજપના પદાધિકારીઓ વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી.
બેઠક દરમિયાન ખોટા બિલો તૈયાર કરી ચૂકવણી કરવાના સમગ્ર મામલે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસના આધારે નાણા વિભાગના ચીફ એકાઉન્ટન્ટને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. જ્યારે અન્ય એક ઉચ્ચ અધિકારી સામે તપાસની શક્યતા છે.
આ કૌભાંડનો ખુલાસો થતાં મેયર પ્રતિભા જૈન, ડેપ્યુટી મેયર જતિન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી, પદાધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આર્જવ શાહ અને નાણા વિભાગના ચીફ એકાઉન્ટન્ટ અમીષ શાહની વચ્ચે બંધ બારણે બેઠક યોજાઈ હતી.
ખોટા બિલો બનાવીને ખર્ચની ચૂકવણી કરવામાં આવી હોવા અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આરટીઆઈ અરજી કરતાં ખર્ચના બિલોનું કૌભાંડ સામે આવ્યું છે. આ મામલે મ્યુનિસિપલ કમિશનરે નાણા વિભાગના અધિકારીઓને તતડાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ભાજપના પદાધિકારીઓએ આ મામલે મ્યુનિસિપલ કમિશનર અને નાણા વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરીને સ્પષ્ટતા માગી હતી. ઉચ્ચ અધિકારીઓએ નાણા વિભાગના બે કલાર્કને સસ્પેન્ડ કરી કૌભાંડ ઉપર પડદો પાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કમિશનરે સસ્પેન્શન રદ કરીને તપાસ હાથ ધરી છે.
નાણા વિભાગ પાસે કૌભાંડ મામલે સ્પષ્ટતા માગવામાં આવી છે. ભાજપના પદાધિકારીઓએ જવાબદાર અધિકારીઓની જાણ વગર કૌભાંડ થવાની શક્યતાને નકારી છે. જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા તેમજ કૌભાંડની વિજિલન્સ તપાસ સોંપવા આદેશ આપવામાં આવ્યો છે.
મેયરના બીલોનું કૌભાંડ સામે આવતાં મોટાભાગના વિભાગોમાં વર્ષોથી ફરજ બજાવતાં અધિકારીઓની બદલીઓ થાય તેવી શક્યતા છે. નાણા વિભાગના ચીફ એકાઉન્ટન્ટ તરીકે અમીષ શાહ સાત વર્ષથી અને આર્જવ શાહ પાસે નાણા વિભાગનો હવાલો ઘણાં સમયથી છે. ત્યારે આગામી દિવસોમાં નાણા વિભાગ સહિત કેટલાક વિભાગોમાં પણ મોટાપાયે બદલીઓ થાય તેવી ચર્ચાઓ થઈ રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.