અમદાવાદ મેટ્રો ફેઝ-2Aને કેન્દ્રની લીલી ઝંડી
કોટેશ્વરથી એરપોર્ટ વચ્ચે દોડશે મેટ્રો, 5 નવા સ્ટેશન બનશે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર
Ahmedabad Gandhinagar Metro: અમદાવાદ અને ગાંધીનગરના શહેરીજનો માટે પરિવહન ક્ષેત્રે એક અતિ મહત્વના સમાચાર સામે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ-2Aને સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. વર્ષ 2030માં અમદાવાદ ખાતે યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ પહેલાં આ પ્રોજેક્ટને પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ નવા તબક્કાના મંજૂરીથી અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સુધી મેટ્રો કનેક્ટિવિટી ઉપલબ્ધ બનશે, જેનાથી મુસાફરોનો સમય બચશે અને શહેરી પરિવહન વધુ ઝડપી બનશે.
2,168 કરોડનો પ્રોજેક્ટ: કોરિડોર અને સ્ટેશનોની વિગત
કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલા આ નવા ફેઝ-2A અંતર્ગત કોટેશ્વર રોડથી લઈને સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સુધીના કોરિડોરનો વિકાસ કરવામાં આવશે. આ સમગ્ર રૂટની કુલ લંબાઈ 6 કિલોમીટર (6.032 કિમી) ની રહેશે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 2,168 કરોડ રાખવામાં આવ્યો છે. આ 6 કિમી લાંબા રૂટ પર કુલ 5 સ્ટેશનો બનાવવામાં આવશે, જેમાં 4 એલિવેટેડ (ઊંચા) અને 1 અંડરગ્રાઉન્ડ (ભૂગર્ભ) સ્ટેશનનો સમાવેશ થાય છે. આ કોરિડોરના પાંચ મુખ્ય સ્ટેશનોમાં આશ્રમ રોડ, કોટેશ્વર પ્રાચીન મંદિર, સાબરમતી રિવર, સરદાર નગર, એરપોર્ટનો સમાવેશ થાય છે. આ નવો ફેઝ કાર્યરત થતાંની સાથે જ અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેનું સક્રિય મેટ્રો રેલ નેટવર્ક વધીને કુલ 77.63 કિમીનું થઈ જશે.
એરપોર્ટ કનેક્ટિવિટી અને મેગા સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ માટે ફાયદાકારક
આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય હાલના મેટ્રો નેટવર્ક સાથે મુખ્ય રહેણાંક અને વ્યાપારી વિસ્તારોને સાંકળીને એરપોર્ટ સુધી અવિરત (સીમલેસ) કનેક્ટિવિટી પ્રદાન કરવાનો છે. હાલમાં એરપોર્ટ સુધી જવા માટે કોઈ સક્ષમ જાહેર પરિવહન વ્યવસ્થા ઉપલબ્ધ નથી, જે ઉણપ આ ફેઝ પૂરો થતાં દૂર થશે. આ ઉપરાંત, અમદાવાદમાં યોજાનારી વર્લ્ડ પોલીસ ગેમ્સ 2029 અને કોમનવેલ્થ ગેમ્સ 2030ને ધ્યાનમાં રાખીને આસપાસના વિસ્તારોમાં મોટા પાયે રમતગમતના આંતરરાષ્ટ્રીય સ્તરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવી રહ્યા છે. મેટ્રો લાઇન આ સ્પોર્ટ્સ હબ્સને જોડશે, જેનાથી દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓ, ખેલાડીઓ અને સ્થાનિક નાગરિકો માટે શહેરી ગતિશીલતા અત્યંત સરળ બની જશે અને આર્થિક તેમજ પ્રવાસન પ્રવૃત્તિઓને મોટો વેગ મળશે.
ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ અને ઉત્પાદકતામાં વધારો
એરપોર્ટ રૂટ પર મેટ્રો શરૂ થવાથી અમદાવાદ શહેરના રોડ ટ્રાફિકમાં નોંધપાત્ર ઘટાડો થશે. વાહનોની અવરજવર ઓછી થતાં માર્ગ સુરક્ષામાં વધારો થશે અને પ્રદૂષણ ઘટશે. મુસાફરીના સમયમાં ઘટાડો થવાને કારણે એરપોર્ટ, રેલવે સ્ટેશનો અને બસ ડેપો વચ્ચે અવરજવર કરતા લોકોની કાર્યક્ષમતા અને ઉત્પાદકતા વધશે. વધુમાં, જે વિસ્તારોમાં નવા મેટ્રો સ્ટેશનો બની રહ્યા છે, ત્યાં સ્થાનિક વ્યવસાયો અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે નવું રોકાણ આકર્ષાશે, જેનાથી જે-તે વિસ્તારનો આર્થિક વિકાસ ઝડપી બનશે.
ભવિષ્યનું આયોજન: મેટ્રોનો સર્ક્યુલર રૂટ અને ત્રીજો તબક્કો
અમદાવાદમાં ઈસ્ટ-વેસ્ટ અને નોર્થ-સાઉથ કોરિડોર સફળતાપૂર્વક કાર્યરત થયા બાદ અને ગાંધીનગર સુધી મેટ્રો પહોંચ્યા પછી, હવે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા ત્રીજા ફેઝ (ફેઝ-3) માટેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. આ માટે ૩ નવા મહત્વપૂર્ણ રૂટના ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેને વર્ષ 2030-31 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે:
થલતેજ ગામથી ગોધાવી: મેટ્રો અત્યારે થલતેજ ગામ સુધી પહોંચી છે, જેને હવે પશ્ચિમ વિસ્તારના ઝડપથી વિકસતા બોપલ, શેલા અને શીલજ થઈને ગોધાવી સુધી લંબાવવામાં આવશે.
શીલજ સર્કલથી સનાથલ: આ નવો કોરિડોર રહેણાંક વિસ્તારોને સીધા સનાથલના ઔદ્યોગિક ઝોન સાથે જોડશે, જેથી નોકરિયાત વર્ગને મોટી રાહત મળશે.
RTO-જીવરાજ-નારોલ-મેમ્કો કોરિડોર: આ સૌથી લાંબો અને મહત્વનો રૂટ સાબિત થશે. તે આરટીઓથી શરૂ થઈ જીવરાજ પાર્ક, નારોલ અને ત્યાંથી મેમ્કોને જોડશે. આ રૂટ તૈયાર થતાં અમદાવાદ શહેરની મધ્યમાં મેટ્રોની એક સંપૂર્ણ 'રિંગ' (સર્ક્યુલર રૂટ) બની જશે, જે એસપી રિંગ રોડની માફક શહેરની અંદરના ટ્રાફિકનું ભારણ અડધું કરી નાખશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.