અમદાવાદ (Ahmedabad) શહેરમાં કોરોના વાયરસનો પ્રકોપ ફરી એકવાર માથું ઊંચકી રહ્યો છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે ચિંતા વ્યાપી છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ (Ahmedabad)માં કોરોનાના 50 નવા કેસ નોંધાયા છે, અને આ સાથે જ કુલ સક્રિય કેસોની સંખ્યા 197 પર પહોંચી ગઈ છે. આ આંકડા ચાલુ સિઝનમાં નોંધાયેલા કુલ 270 કેસો પૈકીના છે, જેમાંથી 72 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. સૌથી ગંભીર અને હૃદયદ્રાવક બાબત એ છે કે, આ વાયરસે વધુ બે અમૂલ્ય જીવ લીધા છે, જેમાં એક 18 વર્ષીય ગર્ભવતી યુવતી અને એક 47 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે.
આરોગ્ય પ્રધાનના દાવા અને વાસ્તવિકતા વચ્ચેનો તફાવત...
એક તરફ શહેરમાં કોરોનાના કેસો અને મૃત્યુઆંક વધી રહ્યો છે, ત્યારે બીજી તરફ રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે આ પરિસ્થિતિને "ચિંતાજનક નથી" ગણાવી છે. તેમણે દાવો કર્યો છે કે, હાલનો કોરોના ઓમિક્રોન વેરિઅન્ટનું સબ-વેરિઅન્ટ છે, જે ન્યુમોનિયા જેવો છે અને જીવનનો એક હિસ્સો બની ગયો છે. મૃત્યુ અંગે તેમણે જણાવ્યું કે, મૃત્યુના બીજા પણ કારણો હોઈ શકે છે અને સમયસર સારવાર ન મળવી પણ એક કારણ હોઈ શકે છે.
આરોગ્ય પ્રધાનના આવા બેજવાબદાર નિવેદનોથી શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. શું વધતા કેસ અને મૃત્યુઆંક છતાં પણ "સબ સલામત" ના દાવા કરવા યોગ્ય છે?
હોસ્પિટલાઇઝેશન અને ઝોનવાઇઝ સ્થિતિ...
હાલમાં 197 સક્રિય કેસોમાંથી 4 થી 5 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ દર્દીઓના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે, જેથી વાયરસના પ્રકાર અંગે વધુ માહિતી મળી શકે.
શહેરમાં ઝોનવાઇઝ સક્રિય કેસોની સંખ્યા નીચે મુજબ છે...
પશ્ચિમ ઝોન: 53
ઉત્તર પશ્ચિમ ઝોન: 61
દક્ષિણ પશ્ચિમ ઝોન: 37
દક્ષિણ ઝોન: 22
પૂર્વ ઝોન: 16
મધ્ય ઝોન: 04
ઉત્તર ઝોન: 04
શહેરના આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવા, માસ્ક પહેરવા અને ભીડવાળી જગ્યાઓ ટાળવા અપીલ કરવામાં આવી છે. પરંતુ, તંત્રની ઢીલી નીતિ અને આરોગ્ય પ્રધાનના નિવેદનો જોતા, શું શહેર વધુ એક કોરોનાની લહેરનો સામનો કરવા તૈયાર છે? શું તમને લાગે છે કે સરકાર કોરોનાની ગંભીરતાને ઓછી આંકી રહી છે?