Ahmedabad Accident: અમદાવાદમાં 15 સપ્ટેમ્બરની વહેલી સવારે અકસ્માતની બે અલગ-અલગ ઘટના સામે આવી છે. પાલડીના અંજલિ બ્રિજ પાસે બાઇક અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં બાઇકચાલક યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું છે, જ્યારે બાઇક પર સવાર અન્ય યુવકને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ, એસ.જી. હાઈવેના ઇસ્કોન બ્રિજ પર કાર ડાયવર્ઝન સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં કારચાલકનો આબાદ બચાવ થયો છે.
પાલડી અંજલિ બ્રિજ પાસે બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત
અમદાવાદના પાલડી વિસ્તારમાં અંજલિ બ્રિજ પાસે આઇસર ટ્રક પસાર થઈ રહી હતી. આ દરમિયાન તેની પાછળ બાઇક પર બે યુવકો જઈ રહ્યા હતા. સામેની તરફથી એક ટ્રક રોંગ સાઈડમાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, બાઇકચાલકે આઇસર ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. ઓવરટેક દરમિયાન બાઇક સામેથી આવી રહેલી ટ્રકની અડફેટે આવી ગઈ હતી. ટક્કર બાદ બાઇક પર સવાર બંને યુવકો ટ્રકની નીચે આવી ગયા હતા. આ ગંભીર અકસ્માતમાં બાઇકચાલક યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય એક યુવકને ઇજાઓ થતાં સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
અકસ્માત બાદ ટ્રકચાલક ભાગવાનો પ્રયાસ, પોલીસ તપાસ શરૂ
અકસ્માત બાદ ટ્રકચાલક ઘટનાસ્થળેથી ભાગવાનો પ્રયાસ કરતો હોવાનો આક્ષેપ છે. સ્થાનિક લોકોએ તેને પકડવા માટે દોડધામ કરી હતી. ઘટનાની જાણ થતાં એન ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને ટ્રકચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. અકસ્માત કેવી રીતે અને કઈ પરિસ્થિતિમાં સર્જાયો તેની વધુ તપાસ ચાલી રહી છે.
ઇસ્કોન બ્રિજ પર પૂરઝડપે કાર ડાયવર્ઝન સાથે અથડાઈ
અમદાવાદના એસ.જી. હાઈવે પર ઇસ્કોન બ્રિજ પાસે પણ 15 સપ્ટેમ્બરની વહેલી સવારે અકસ્માત થયો હતો. સવારે આશરે 3:30 વાગ્યે વાઇડ એન્ગલ પાસે કાર પસાર થઈ રહી હતી. પોલીસ ફરિયાદ અને કારચાલકના નિવેદન મુજબ, કારની ઝડપ વધુ હોવાને કારણે ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને કાર બ્રિજ પર મૂકવામાં આવેલા ડાયવર્ઝનના લોખંડના પતરા સાથે અથડાઈ હતી. કારચાલક હેત સુનીલભાઈ પરીખ હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં કારના આગળના બમ્પર, બોનેટ, પાછળની ડેકી અને બંને બાજુના બોડીના ભાગને મોટું નુકસાન થયું હતું.
ગાંધીનગરથી અમદાવાદ પરત ફરતી વખતે અકસ્માત
કારચાલકે પોલીસને જણાવ્યું હતું કે તે ગાંધીનગરથી પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન કાર પરથી કાબૂ ગુમાવતા વાહન ડાયવર્ઝન સાથે અથડાયું હતું. સદનસીબે આ અકસ્માતમાં કારચાલક અથવા અન્ય કોઈ વ્યક્તિને ઈજા પહોંચી નહોતી. જાહેર માર્ગ પર પૂરઝડપે વાહન ચલાવી અકસ્માત સર્જવાના મામલે હેત પરીખ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદમાં એક જ સવારે બનેલી આ બંને અકસ્માતની ઘટનાઓમાં એક યુવકનું મોત થયું છે, જ્યારે બીજા અકસ્માતમાં મોટી જાનહાનિ ટળી છે. પાલડી અંજલિ બ્રિજ અકસ્માત અને ઇસ્કોન બ્રિજ અકસ્માતને લઈને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.