અમદાવાદમાં 'પોતાના ઘર'નું સપનું થશે સાકાર!
AMC દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 7,825 ફ્લેટની જાહેરાત, જાણો કેવી રીતે કરશો અરજી

અમદાવાદમાં 'પોતાના ઘર'નું સપનું થશે સાકાર!

અમદાવાદમાં 'પોતાના ઘર'નું સપનું થશે સાકાર!
Ahmedabad News: ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા અમદાવાદ શહેરમાં આકાશને આંબતી હાઈરાઈઝ બિલ્ડિંગો અને મકાનોના સતત વધતા ભાવ વચ્ચે સામાન્ય અને મધ્યમ વર્ગ માટે ઘર ખરીદવું એક પડકાર બની રહ્યું છે. આ સ્થિતિમાં આર્થિક રીતે નબળા વર્ગના પરિવારો માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ખુશખબર લઈને આવ્યું છે. શહેરના વિકાસ પામી રહેલા ચાર મુખ્ય વિસ્તારોમાં કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત કુલ 7,825 જેટલા 1 BHK ફ્લેટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કયા વિસ્તારોમાં બનશે આવાસ?
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓછી આવક ધરાવનારા લોકો માટે શહેરના પશ્ચિમ અને પૂર્વ એમ બંને છેડે આવાસ યોજનાના પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. જેમાં નિકોલ, બોપલ, મોટેરા અને મકરબા જેવા પ્રીમિયમ વિસ્તારોનો સમાવેશ થાય છે. આ આવાસ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગરીબ પરિવારોને ખાનગી બિલ્ડરો જેવા જ આધુનિક સુવિધાઓ સજ્જ ફ્લેટ અત્યંત રાહત દરે પૂરા પાડવાનો છે.
આધુનિક સુવિધાઓ અને ડિઝાઇન
આ આવાસ યોજના માત્ર રહેણાંક પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેમાં ખાનગી ફ્લેટ જેવી જ પાયાની અને આધુનિક સુવિધાઓનો સમન્વય કરવામાં આવ્યો છે. આ ફ્લેટોનો કાર્પેટ એરિયા અંદાજે 28 ચોરસ મીટર અને બિલ્ટઅપ એરિયા 33 થી 35 ચોરસ મીટર રાખવામાં આવ્યો છે. દરેક ફ્લેટમાં એક ડ્રોઈંગ રૂમ, બેડરૂમ, કિચન અને કોમન ટોઇલેટની સુવિધા આપવામાં આવી છે. રહેવાસીઓ માટે વિશાળ પાર્કિંગ, દરેક બ્લોકમાં લિફ્ટ, ફાયર સેફ્ટીની અધ્યતન સુવિધા, આંગણવાડી, ગ્રીન એરિયા અને બાળકો માટે રમતગમતના ગાર્ડનનું આયોજન છે. ફ્લેટમાં વિટ્રિફાઇડ ટાઇલ્સ ફ્લોરિંગ, ભૂકંપ પ્રતિરોધક બાંધકામ, અને ગ્રીન બિલ્ડિંગ કન્સેપ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વળી, સોસાયટીના કેમ્પસમાં આરસીસી રસ્તા અને પેવર બ્લોકની સજાવટ કરવામાં આવશે.
અરજી કરવાની પ્રક્રિયા અને લાયકાત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ આવાસ મેળવવા માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. કુટુંબના તમામ સભ્યોની કુલ સંયુક્ત વાર્ષિક આવક રૂ. 3,00,000 થી ઓછી હોવી ફરજિયાત છે. નાગરિકો AMCની અધિકૃત વેબસાઈટ https://housingapplicationform.ahmedabadcity.gov.in/ પર જઈને ફોર્મ ભરી શકે છે. અરજી સાથે આવકનું પ્રમાણપત્ર, સોગંદનામું અને અન્ય વિગતો આપવાની રહેશે.
નાણાકીય વિગતો અને પેમેન્ટ શેડ્યૂલ
આ આવાસ યોજનાના ફ્લેટો લાભાર્થીઓને મેન્ટેનન્સ સાથે માત્ર રૂ. 3.30 લાખ ની કિંમતમાં ફાળવવામાં આવશે. અરજી કરતી વખતે અરજદારે રૂ. 7,500 ની ડિપોઝિટ ભરવાની રહેશે. કોમ્પ્યુટર ડ્રોમાં મકાન લાગ્યા બાદ સફળ અરજદારે ત્રણ મહિનાની અંદર કુલ કિંમતના 20 ટકા રકમ (ડિપોઝિટ બાદ કરીને) જમા કરાવવાની રહેશે. બાકી રહેતી 80 ટકા રકમ 10 સમાન હપ્તામાં એટલે કે અંદાજે એક વર્ષના સમયગાળામાં ભરી શકશે. તમામ રકમ ભરાયા બાદ અને દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ લાભાર્થીને ફ્લેટનો કબજો સોંપવામાં આવશે.
કડક નિયમો અને શરતો
સરકારની આ યોજનાનો લાભ ખરેખર જરૂરિયાતમંદ લોકોને જ મળે તે માટે AMC એ કેટલાક કડક નિયમો બનાવ્યા છે:
- એક જ યોજનાનો લાભ: જો કોઈ નાગરિકે અગાઉ પ્રધાનમંત્રી આવાસ યોજનાના કોઈપણ ઘટક (AHP, BLC, CLSS, ISSR) કે મુખ્યમંત્રી ગૃહ યોજનામાં લાભ લીધો હશે, તો તેઓ આ અરજી માટે પાત્ર ઠરશે નહીં.
- રહેણાંકનો વપરાશ: કબજો મળ્યાના મહત્તમ 6 મહિનામાં રહેવા જવાનું ફરજિયાત છે.
-ભાડે આપવા પર પ્રતિબંધ: આ મકાન અન્ય કોઈ વ્યક્તિને ભાડે આપી શકાશે નહીં. જો તપાસ દરમિયાન કોઈ ત્રાહિત વ્યક્તિ રહેતી માલુમ પડશે, તો કોર્પોરેશન પઝેશન પરત મેળવવાની કાર્યવાહી કરશે.
- મકાનની માલિકી: કુટુંબના સભ્યો પાસે ભારતના કોઈ પણ ખૂણે પાકું મકાન કે જમીન હોવી જોઈએ નહીં.
હજારો પરિવારોને સસ્તા દરે 'પોતાનું ઘર' મળવાની આશા જાગી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ પહેલથી હજારો પરિવારોને સસ્તા દરે અને આધુનિક સુવિધાઓ સાથેનું 'પોતાનું ઘર' મળવાની આશા જાગી છે. પ્રદૂષણ મુક્ત વાતાવરણ અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ કેમ્પસની બહાર જ મળી રહે તે માટે દુકાનોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે આ પ્રોજેક્ટને વધુ આકર્ષક બનાવે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

14.9%થી 13.3%... ગુજરાતના શિક્ષણ બજેટમાં આખરે શું બદલાયું?

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?