અમદાવાદ એરપોર્ટ પર બેગેજ સ્ક્રીનિંગનો નવો યુગ.
કસ્ટમ્સને 8 પગલાંમાં લગેજ ટ્રૅક કરવાની મળી સત્તા, 50થી વધુ CCTV કેમેરાથી સતત મોનિટરિંગ થશે

એરપોર્ટ પર બેગેજ સ્ક્રીનિંગનો નવો યુગ

એરપોર્ટ પર બેગેજ સ્ક્રીનિંગનો નવો યુગ
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકે હવે આંતરરાષ્ટ્રીય ધોરણની અદ્યતન બેગેજ સ્ક્રીનિંગ સિસ્ટમ શરૂ કરી છે. કસ્ટમ અધિકારીઓના જણાવ્યા મુજબ, આવી સુવિધા હાલ દેશના અન્ય કોઈ એરપોર્ટ પર ઉપલબ્ધ નથી. નવી ટેકનોલોજી હેઠળ હવે દરેક મુસાફરનું લગેજ (મોટા બેગથી લઈને હેન્ડબેગ સુધી) સંપૂર્ણ સ્કેન કરવામાં આવશે જેથી સોનાં, ડ્રગ્સ, ગાંજા, દારૂ અને હાઈ વેલ્યુ ગેજેટ્સ જેવી ગેરકાયદે વસ્તુઓ ઝડપાઈ શકે.
છેલ્લાં કેટલાક વર્ષોમાં અમદાવાદ એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ઉડાનો અને મુસાફરોની અવરજવર બંનેમાં વધારો થયો છે. ખાસ કરીને સાંજના સમયમાં વિદેશી ફ્લાઇટોની અવરજવર વધતાં સ્મગ્લિંગની ઘટનાઓ પણ વધી છે. અગાઉ અમદાવાદ એરપોર્ટ સોનાં અને ગાંજાની હેરાફેરી માટે કુખ્યાત ગણાતો હતો, જ્યાં “કેરિયર” તરીકે વિદેશથી ગેરકાયદે માલ લાવવામાં આવતો હતો.
સ્મગ્લિંગ રોકવા માટે કસ્ટમ વિભાગે હવે માસ્ટર કંટ્રોલ રૂમ તૈયાર કર્યો છે, જેમાંથી 50થી વધુ CCTV કેમેરા મારફતે સતત મોનિટરિંગ થાય છે. પહેલાં બેગના ટેગ અને માલિકની માહિતી અધિકારીઓને દેખાતી હોવાથી આંતરિક ગઠબંધનની શક્યતા રહેતી. હવે અદાણી ગ્રુપની નવી મશીનો માત્ર બેગના અંદરના X-રે ઈમેજ દર્શાવે છે, જેનાથી તપાસ વધુ પારદર્શક અને નિષ્પક્ષ બની છે.
હેન્ડબેગ માટે ઈમિગ્રેશન વિભાગે અલગ મશીન લગાવ્યું છે, જેથી દરેક નાના આઈટમની પણ તપાસ થઈ શકે. જો કોઈ શંકાસ્પદ સામાન જોવા મળે તો તેને તરત અલગ રાખીને વધુ તપાસ હાથ ધરવામાં આવે છે. મોટા બેગની કડક તપાસને કારણે હવે સ્મગ્લરો કિંમતી માલ હેન્ડબેગ, શરીરના ભાગોમાં કે બેગના સ્ક્રૂ-વ્હીલમાં છુપાવે છે.
અમદાવાદ એરપોર્ટ પરથી દરરોજ આશરે 20થી 22 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ઉડે છે અને સરેરાશ 6,000 જેટલી બેગની સ્ક્રીનિંગ થાય છે. કસ્ટમ વિભાગે ચાર નવી સ્ક્રીનિંગ મશીનો તબક્કાવાર સ્થાપિત કરી છે.
શાહિબાગ સ્થિત વિદેશી પોસ્ટ ઓફિસમાં પણ હવે હાઈટેક સ્ક્રીનિંગ સિસ્ટમ શરૂ થઈ છે. છેલ્લા બે વર્ષમાં ગાંજા અને નાર્કોટિક્સ ભરેલા કરોડો રૂપિયાના પાર્સલ ઝડપાયા છે. હવે દરેક પાર્સલની ઓળખ ચકાસ્યા વિના વિતરણ થતું નથી અને ગેરકાયદે માલ મળ્યો તો સીધો જ જપ્ત થાય છે.
કસ્ટમ એર ઈન્ટેલિજન્સ યુનિટે ગયા વર્ષે રૂ. 300 કરોડના ગાંજાની, રૂ. 24 કરોડના સોનાં અને રૂ. 10 કરોડની કોકેઇનની જપ્તી કરી હતી. ખોટા સરનામાં અને ફોન નંબરના કારણે તપાસમાં પડકારો છે, છતાં અધિકારીઓ ક્રાઈમ બ્રાંચ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની સહાયથી ગુનાખોરી રોકવામાં સફળતા મેળવી રહ્યા છે.
નવી હાઈટેક સ્ક્રીનિંગ સિસ્ટમ સાથે અમદાવાદ એરપોર્ટ હવે સ્મગ્લિંગ સામે વધુ સજ્જ બન્યો છે અને દેશના અન્ય એરપોર્ટ માટે એક નવું મોડેલ બની શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!