કચ્છના એક ગામમાં 18 બેંકોમાં જમા છે 7 હજાર કરોડ!
માધાપર ગામના પાટીદાર સમાજના લોકોએ વિદેશમાં સ્થાયી થઈ મહેનત કરી ગામને સમૃદ્ધ બનાવ્યું

માધાપર ગામ

માધાપર ગામ
આજે અમે તમને એવા ગામ અંગે માહિતી આપીશું કે જેની ગણના માત્ર દેશમાં નહીં, પરંતુ સમગ્ર એશિયામાં આર્થિક રીતે સમૃદ્ધ ગામમાં થાય છે. એશિયાનું સૌથી ધનવાન ગામ ગુજરાતમાં અને તે પણ કચ્છમાં આવેલું છે. આ ગામ શહેરો જેવી જ આર્થિક સમૃદ્ધિ અને પાયાની સુવિધા ધરાવે છે. અને તે ગામ છે. ભુજ તાલુકાનું ‘માધાપર’.
કચ્છના ભુજથી માધાપર ગામ લગભગ 3 કિલોમીટર દૂર છે. મુખ્યત્વે અહીં પાટીદાર સમાજની વસતી છે. માધાપરની એશિયાના સૌથી ધનવાન ગામ તરીકે ગણના થાય છે. વર્ષ 2011માં યોજાયેલી વસતી ગણતરી મુજબ માધાપર ગામની વસ્તી 17 હજાર હતી. જે હવે અંદાજે 50 હજાર હશે. માધાપર ગામના 1,200 જેટલા પરિવારો વિદેશમાં સ્થાયી થયા છે.
માધાપર ગામમાં વર્ષ 2022 માં 20 જેટલી બેંકો હતી. પાંચ જેટલી બેંકો મર્જ થતા હાલ ગામમાં 18 જેટલી બેંક છે અને 2-3 નવી બેંકો શાખા ખોલવાની તૈયારી કરી રહી છે. એક ગામમાં આટલી મોટી સંખ્યામાં બેંકો હોય તેવું માધાપર ગામ કદાચ એશિયામાં એક માત્ર ગામ છે.
માધાપર ગામની બેન્કોમાં અને પોસ્ટ ઓફિસમાં અંદાજે રૂપિયા 6 થી 7 હજાર કરોડની ડિપોઝીટ છે. આઠ વર્ષ અગાઉ માધાપરની બેન્કોમાં રૂપિયા 2500 કરોડ જેટલી થાપણો હતી. નોટબંધી અને કોરોના કાળ બાદ રૂપિયા 6 થી 7 કરોડ જેટલી થાપણો બેંક અને પોસ્ટ ઓફિસમાં છે. તેમાંથી 2 હજાર કરોડથી પણ વધુ થાપણો માત્ર પોસ્ટ ઓફિસમાં છે. દર વર્ષે માધાપરની બેંકો અને પોસ્ટ ઓફિસમાં થાપણોમાં વૃદ્ધિ થઈ રહી છે.
માધાપર ગામની આશરે વસતી 50 હજાર જેટલી છે. દરેક વ્યક્તિ દીઠ ડિપોઝિટ લગભગ 10.75 લાખ રૂપિયા થાય છે. ગામની આટલી સમૃદ્ધિ પાછળનું કારણ વિદેશમાં વસતા માધાપરવાસીઓ છે. માધાપર ગામના અંદાજિત 1,200 જેટલા પરિવારના લોકો મુખ્યત્વે આફ્રિકા અને યુરોપના દેશોમાં વસવાટ કરે છે.
મધ્ય આફ્રિકામાં કન્સ્ટ્રકશન બિઝનેસ, ફૂડ ઇન્ડસ્ટ્રી બિઝનેસ અને મોલના વેપારમાં ગુજરાતીનો ભારે દબદબો છે. જેમાં માધાપરવાસીઓ અગ્રેસર છે. ત્યારબાદ UK, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ન્યુઝીલેન્ડમાં પણ ઘણા લોકો વસવાટ કરે છે. છેલ્લા કેટલાક વર્ષોથી ગલ્ફ દેશો તરફ માધાપરવાસીઓએ રોજગાર માટે પગપેસારો કર્યો છે. માધાપરના લોકો વિદેશમાં કમાઈને વતનમાં પોતાની બચતના નાણા ડિપોઝિટ કરે છે. તેથી માધાપર NRIનું સૌથી વધારે પૈસાદાર ગામ છે.
વિદેશમાં વસતા માધાપરના NRI લોકો પોતાના વતનમાં શિક્ષણ, મેડિકલ, પર્યાવરણ, ધાર્મિક પ્રસંગો, ગૌશાળા અને વૃદ્ધાશ્રમ વગેરે માટે પૂરતો સહયોગ આપે છે. જેથી ગામનો વિકાસ થાય. આ ગામમાં પાણી, સેનિટેશન, રોડ-રસ્તા વગેરે જેવી પ્રાથમિક સુવિધાઓ તો છે જ સાથે સાથે ગામમાં મોટા મોટા બંગ્લોઝ, સ્કૂલ, હાઈસ્કૂલ, તળાવ, ક્રિકેટના મેદાન, સોસાયટી, પંચાયત ઘર, અંગ્રેજી હાઇસ્કૂલ, સ્પોર્ટ્સ સેન્ટર જેવી સવલતો પણ ઉપલબ્ધ છે. બાળકોના અભ્યાસ અર્થે સરકારી શાળાઓ સાથે પ્રાઇવેટ શાળા પણ છે.
માધાપર નવાવાસના સરપંચ વાલજીભાઈ ડાંગરે જણાવ્યું કે, અમારા વડીલો અગાઉ ખેતી કરીને જીવન નિર્વાહ કરતા હતા. પરંતુ આજીવિકા માટે ખામીઓ પૂરી કરવા માટે વિદેશ જવાનું પસંદ કર્યું હતું. ઘણા લોકો આફ્રિકા જઈને સ્થાયી થયા અને ત્યારબાદ પેઢી દર પેઢી હવે ત્યાં જ નોકરી-ધંધો કરી રહ્યા છે. પોતાની બચતની રકમ અહીં ગામના વિકાસ અર્થે ઉપરાંત પોતાના સગા વહાલા માટે ત્યાંથી મોકલે છે. અહીંયા 6 થી 7 હજાર કરોડ જેટલી રકમ બેંક તથા પોસ્ટ ઓફિસની ડિપોઝિટ છે.
માધાપરના વતની અને કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયાએ જણાવ્યું કે, વિદેશમાં સ્થાયી થયેલા લોકો શિયાળા દરમિયાન કચ્છમાં આવે છે. માધાપરના NRI લોકો વિદેશમાં રહીને કમાણી કરે છે અને પોતાની કમાણીનો હિસ્સો અહીં ડિપોઝિટ કરે છે. વિદેશમાં વસતા લોકો હજુ પણ કચ્છની સંસ્કૃતિ સાથે જોડાયેલા છે. અહીં 5 થી 6 કરોડના મકાન, 70 લાખથી 1 કરોડની કિંમતની દુકાનો આવેલી છે. આસપાસના ગામડાના લોકો તેમજ ભુજ શહેરમાં રહેતા લોકો માધાપરના શાંત વાતાવરણમાં તેમજ અહીંયા સુવિધા જોઈને અહીં રહેવા માટે આવે છે.
માધાપર ગામનો સાડા પાંચસો વર્ષ જૂનો ઈતિહાસ
માધાપર ગામનો ઇતિહાસ લગભગ 550 વર્ષ જૂનો છે. આ ગામ માધા કાનજી સોલંકી દ્વારા વસાવવામાં આવ્યું હતું. આજે પણ તેમના વંશજો ગામમાં જ રહે છે. એક સમયે કચ્છના રાજવીઓનાં સંતાનોના અભ્યાસ માટે તૈયાર કરવામાં આવેલી દરબારી શાળા માધાપરમાં છે. જે લગભગ 128 વર્ષ જૂની છે અને હવે ત્યાં પોલીસ સ્ટેશન છે. માધાપર ગામમાં શરૂઆતમાં મિસ્ત્રી સમાજના લોકો રહેતા હતા અને પાટીદારો વર્ષ 1576ની આસપાસ માધાપર આવીને સ્થાયી થયા. આજે માધા કાનજી સોલંકીએ વસાવેલું માધાપર બે વિભાગમાં વહેંચાયેલું છે. જૂનોવાસ અને નવોવાસ. માધા કાનજીએ વસાવેલું એ ગામ જૂનાવાસ તરીકે ઓળખાય છે અને 150 વર્ષ પહેલાં ગામના પાટીદાર આગેવાન શામજીભાઈ પટેલે નવાવાસની રચના કરી.
માધાપરથી વિદેશમાં વસવાટના ઇતિહાસની માહિતી આપતાં પાટીદાર લેઉવા પાટીદાર સંઘના પ્રમુખ જયંત માધાપરિયાએ જણાવ્યું કે, તમામ પાટીદાર સમુદાયના લોકો, અહીંયાં આશરે 100 વર્ષ પહેલાં રહેવા આવ્યા હતા અને પહેલાં તેઓ ખેતમજૂરીનું કામ કરતા હતા. સૌરાષ્ટ્રનાં વિવિધ ગામડાંથી અહીં આવીને તેમણે મજૂરીનું કામ કર્યું અને જ્યારે તેમાંથી અમુક લોકોને જહાજમાં બેસીને વિદેશમાં જવાનો મોકો મળ્યો. પ્રથમ વખત તેઓ ઇસ્ટ આફ્રિકા જવા માંડ્યા. અમારી જાણ પ્રમાણે અહીંથી લોકોએ 1920 ના દાયકામાં પહેલી વખત વિદેશમાં જવાની શરૂઆત કરી હતી. ઇસ્ટ આફ્રિકાની રેલવે લાઇન માટે મજૂરી માધાપરના પાટીદારોએ કરી છે.
નવાવાસના સરપંચ વાલજી ડાંગરે જણાવ્યું કે, એ સમયે કોઈને ઇંગ્લૅન્ડ કે બીજા કોઈ દેશોમાં જવાનું નહોતું બન્યું. કચ્છમાં લેઉવા પાટીદારોનો 24 ગામનો સમાજ છે. એ સમયે પાટીદારો પોતાના પરિવારો અને સમાજમાંથી અન્ય યુવાનોને પોતાની સાથે આફ્રિકા કામ કરવા માટે લઈ જતા હતા.
માધાપર અને તેની આસપાસનાં 24 ગામોના લેઉવા પાટીદારોના ઘણા પરિવારો આજે વિદેશમાં સ્થાયી થયા છે. 1972 સુધી માધાપરના પાટીદારો આફ્રિકાના દેશોમાં જ હતા. ત્યારબાદ ત્યાંથી ભારતીયોનું પલાયન શરૂ થયું ત્યારે પાટીદાર પરિવારો લંડન, દુબઈ, મસ્કતમાં સ્થાયી થયા. હાલમાં ત્યાંથી અમારા સમાજના લોકો હવે ઑસ્ટ્રેલિયા, અમેરિકા જેવા દેશોમાં સ્થાયી થયા છે.
તેમણે ઉમેર્યું કે, એનઆરઆઈઓએ માતબર રકમ થાપણ સ્વરૂપે ગામમાં મોકલી છે. જેના કારણે 60 હજારની વસ્તીના આ ગામમાં 16 બૅન્ક કાર્યરત છે. કદાચ એટલા માટે ગામને દેશના સૌથી ધનાઢય ગામ તરીકે ઓળખાવે છે. માધાપર દેશનું અને કદાચ એશિયાનું સૌથી સમૃદ્ધ ગામ બની શક્યું તેની પાછળ અહીં શિક્ષણને શરૂઆતથી જ પ્રાથમિકતા આપવામાં આવી હોવાનું જણાય છે. કામ માટે આફ્રિકા ગયેલા માધાપરના વતનીઓએ એ સમજી લીધું હતું કે વિદેશમાં કામ કરવા માટે ત્યાંના લોકો સાથે વાત કરતા આવડવું જરૂરી છે અને એટલે લગભગ 1946ના વર્ષમાં જ નવા વાસમાં સ્કૂલ બનાવવા માટે આફ્રિકામાં એ સમય 6 હજાર શિલિંગનો ફાળો કરીને સ્કૂલ બનાવી.
એટલું જ નહીં, 1952માં વાંચનાલય બની ગયાં હતાં અને પરિવાર સાથે વિદેશ જનારી મહિલાઓ ઘરે રહીને પણ કામ કરી શકે તે માટે ત્યાં સીવણકામ શીખવાના વર્ગો પણ શરૂ કરવામાં આવ્યા હતા. માધાપર સૌથી સમૃદ્ધ ગામ બન્યું તે માટે શિક્ષણ ઉપરાંત ગામના આગેવાનો આફ્રિકામાં વસતા 24 ગામના પાટીદાર સમાજના લોકોનાં નાણાં દેશમાં લાવવાનું કામ કરતા હોવાનું કામ પણ જવાબદાર હતું. 1974 સુધી માધાપરના જાદવજી વેલજી વસાણી પાટીદાર સમાજનાં 24 ગામોના લોકોની બચત અને નાણાં આફ્રિકાથી અહીં લઈ લાવીને લેવડ-દેવડ કરતા એટલે બધાં ગામોનાં વિદેશથી આવતાં મોટાં ભાગનાં નાણાં માધાપરમાં જ રહેતાં.
વર્ષ 1961-62માં જ્યારે બૅન્કોનું રાષ્ટ્રીયકરણ થયું તે પછી સરકાર દ્વારા બૅન્કો અને પોસ્ટ ઑફિસમાં નાની બચત યોજના શરૂ કરવામાં આવી હતી. એ સમયે માધાપરમાં આસપાસનાં અન્ય ગામોનાં નાણાં પણ ડિપૉઝિટ તરીકે રહેતાં હોવાથી એ બધાં નાણાં નાની બચત યોજનામાં ગયાં. વિદેશથી પોતાની નિવૃત્તિની બચત સાથે અહીં આવીને વસતા લોકોને એ ડિપૉઝિટના વ્યાજમાંથી જ સારી એવી આવક થતી. જે તેમના સ્થાનિક નિભાવખર્ચ માટે પૂરતી હતી. ઘણી બધી ડિપૉઝિટનું વ્યાજ પણ વપરાયા વિના એકઠું થતું રહ્યું અને એ વ્યાજના પણ વ્યાજને કારણે હવે અહીં ઓછામાં ઓછી 1200 કરોડની ડિપૉઝિટ તો પડેલી છે.
એક એનઆરઆઈએ જણાવ્યું કે, એવા અનેક લોકો છે કે જેઓ પોતાની જીવનભરની કમાણી અહીંની બૅન્કમાં મૂકીને તેના વ્યાજથી હાલમાં ભારતમાં પોતાનું જીવન વિતાવે છે. હું અને મારાં પત્ની પણ આવી જ રીતે અહીંયાં જીવન પસાર કરીએ છીએ. તેઓ કહે છે કે, લોકો પોતાનાં ઘર બનાવે, ગાડી ખરીદે, ટુ વ્હીલર ખરીદે, શૉપિંગ કરે તો તેનો સીધો ફાયદો અહીં રહેતા લોકો અને કારીગરોને થાય છે અને તેના કારણે જ આ ગામનું અર્થતંત્ર બીજાં ગામો કરતાં સારું છે.
કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને માધાપરના મહિલા અગ્રણી કૌશલ્યાબેન માધાપરિયાએ જણાવ્યું કે, ગામની વીરાંગનાઓએ ગામ અને દેશને ગૌરવ અપાવ્યું છે. 1971ના ભારત અને પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન પાકિસ્તાન સૈન્ય દ્વારા ભારતના એરફોર્સના રનવે પર બોમ્બ ઝીંકાતા રનવે તુટી ગયો હતો. તેવા સમયે માધાપરની 200 મહિલાઓએ બહાદુરી બતાવી જીવ પરવા કર્યા વગર ૩ દિવસોમાં એરફોર્સ રનવે રીપેરીંગ કરી આપ્યો હતો. એરફોર્સ રનવે રીપેરીંગ થવાથી ભારત ફાયટર પ્લેન ફરીવાર ઉડાન ભરી શક્યા અને જેના કારણે 1971ના ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધમાં ભારતનો વિજય થયો હતો. માધાપર ગામમાં વીરાંગના સ્મારક બનાવાયું છે. માધાપરની વીરાંગનાઓની સમગ્ર દેશમાં નોંધ લેવાઈ છે. વીરાંગનાં પર ભુજ ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા નામની ફિલ્મ પણ બનાવાઈ છે. .
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!