ભૂકંપના 25 વર્ષ: માત્ર 2 મિનિટ અને હજારો મૃત્યુ
2001ના રોજ સવારે 8:46 વાગ્યે આવેલા 7.7ની તીવ્રતાના વિનાશક ભૂકંપના આજે 25 વર્ષ પૂર્ણ થયા

ભૂકંપના 25 વર્ષ

ભૂકંપના 25 વર્ષ
આજે જ્યારે આખો દેશ 77મો પ્રજાસત્તાક દિવસ મનાવી રહ્યો છે, ત્યારે ગુજરાતના કચ્છ અને ભુજમાં ઉત્સાહની સાથે એક ઊંડી પીડા પણ જોવા મળે છે. બરાબર 25 વર્ષ પહેલાં, 26 જાન્યુઆરી 2001ના રોજ સવારે 8:46 વાગ્યે જ્યારે દેશ ધ્વજવંદનની તૈયારી કરી રહ્યો હતો, ત્યારે કુદરતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. માત્ર 2 મિનિટ ચાલેલા 7.7ની તીવ્રતાના ભૂકંપમાં બધું જ વેરવિખેર થઈ ગયું હતું. આ ભયાનક હોનારતમાં 13,805થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા, 1.67 લાખ લોકો ઈજાગ્રસ્ત થયા અને લગભગ 3.97 લાખ ઘરો જમીનદોસ્ત થઈ ગયા હતા. ભુજ શહેરનો 90% હિસ્સો કાટમાળમાં ફેરવાઈ ગયો હતો અને અંજારમાં તિરંગા યાત્રા કાઢી રહેલા નિર્દોષ શાળાના બાળકો પર દીવાલ પડતા સેંકડો માસૂમો કાળનો કોળિયો બની ગયા હતા.
હજારો પરિવારો સંપૂર્ણપણે નાશ પામ્યા
તે કાળી સવારનો મંજર એટલો ભયાનક હતો કે, આજે 25 વર્ષ પછી પણ ભુજના વડીલો 26 જાન્યુઆરીની રાત્રે સૂઈ શકતા નથી. જેમ-જેમ ઘડિયાળનો કાંટો સવારના 8:46 પર પહોંચે છે, લોકોના હૃદયના ધબકારા વધી જાય છે. 2001ના તે ભૂકંપમાં હોસ્પિટલો, શાળાઓ અને મંદિરો પળવારમાં માટીમાં મળી ગયા હતા. ભચાઉ અને અંજાર તાલુકાના સેંકડો ગામો તો નકશા પરથી ભૂંસાઈ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. સરકારી આંકડા ભલે 13,805 મોત કહેતા હોય, પરંતુ સ્થાનિકોના મતે આ આંકડો ઘણો મોટો હતો. તે દિવસે હજારો પરિવારો સંપૂર્ણપણે નાશ પામ્યા હતા અને કેટલાય બાળકો અનાથ બન્યા હતા.
આ પણ વાંચો: ભૂકંપના 25 વર્ષ બાદ પણ ભુજની જર્જરિત ઈમારતોનો શું?
સ્મૃતિવન તે દુર્ઘટનાની જીવંત સાક્ષી
આ કરુણ ઘટનાની યાદમાં ભુજિયા ડુંગર પર બનાવવામાં આવેલું 'સ્મૃતિવન' આજે તે દુર્ઘટનાની જીવંત સાક્ષી પૂરે છે. સ્મૃતિવનમાં 13,000થી વધુ લોકોના નામની તકતીઓ લગાવવામાં આવી છે, જેમાંથી દરેક નામ પાછળ એક અધૂરી વાર્તા અને એક અકાળે વિખરાયેલું સપનું છુપાયેલું છે. આ મ્યુઝિયમ નવી પેઢીને જણાવે છે કે, તે સમયે કચ્છ પર કેવડી મોટી આફત આવી હતી. દર વર્ષે 26 જાન્યુઆરીએ અહીં મૌન પાળીને તે તમામ દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે જેમણે 2001ના ભૂકંપમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો.
ગગનચુંબી ઈમારતો ભૂકંપરોધક બનાવાઈ
25 વર્ષના લાંબા સમયગાળા બાદ આજે ભુજ ફરી બેઠું થયું છે. વર્તમાન ભુજમાં ગગનચુંબી ઈમારતો ભૂકંપરોધક બનાવવામાં આવી છે, રસ્તાઓ પહોળા થયા છે અને માળખાગત સુવિધાઓ મજબૂત બની છે. કચ્છના લોકોએ પોતાની અદમ્ય ઈચ્છાશક્તિથી રણને ફરી ધબકતું કર્યું છે. પરંતુ જ્યારે પણ 26 જાન્યુઆરીએ તિરંગો લહેરાય છે, ત્યારે કચ્છની માટીમાં દબાયેલી તે ચીસો ફરી એકવાર સંભળાય છે. 2001નો ભૂકંપ માત્ર એક કુદરતી આપત્તિ ન હતી, પણ તે એક એવો જખમ હતો જે ભલે રૂઝાઈ ગયો હોય, પણ તેના નિશાન ક્યારેય ભૂંસી શકાશે નહિ.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.