ગુજરાત યુનિ.માં 23 ટકા બેઠકો ખાલી છતાં પ્રવેશ નહીં
યુનિવર્સિટીની કુલ 67,778 બેઠકોમાંથી 52,300 બેઠકો ભરાઈ, 15,478 બેઠકો હજુ પણ ખાલી

NSUIના કાર્યકરોનું યુનિવર્સિટીમાં અનોખું વિરોધ પ્રદર્શન, GCAS પોર્ટલની 'સ્મશાન યાત્રા' કાઢી

NSUIના કાર્યકરોનું યુનિવર્સિટીમાં અનોખું વિરોધ પ્રદર્શન, GCAS પોર્ટલની 'સ્મશાન યાત્રા' કાઢી
ગુજરાત યુનિવર્સિટીમાં વિવિધ ફેકલ્ટીમાં 23 ટકા બેઠકો ખાલી હોવા છતાં વિદ્યાર્થીનો પ્રવેશ બંધ કરાયો છે. અનેક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત હોવા છતાં એડમિશન પ્રક્રિયા બંધ કરવામાં આવી છે. પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓ માટે NSUI દ્વારા યુનિવર્સિટીમાં અનોખુ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું. યુનિવર્સિટીના સત્તાધીશો વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી તંત્ર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લાં 2 વર્ષથી GCAS પોર્ટલથી કોમન એડમિશન પ્રક્રિયા કરવામાં આવી રહી છે. આ વર્ષે પણ GCAS પોર્ટલના માધ્યમથી વિદ્યાર્થીઓને અલગ-અલગ કોલેજમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. યુનિવર્સિટીમાં સાયન્સ, કોમર્સ, આર્ટસ, બીબીએ, બીસીએ અને પાંચ વર્ષિય ઈન્ટિગ્રટેડ કોર્ષની કુલ 67,778 બેઠકો પૈકી અત્યાર સુધીમાં 52,300 બેઠકો ભરવામાં આવી છે. જ્યારે 15,478 બેઠકો હજુ પણ ખાલી છે. ઘણાં વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા હોવાનો NSUIએ દાવો કર્યો છે.
GCAS પોર્ટલમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ હોવા છતાં હજારો વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા હોવાથી પ્રવેશ પ્રક્રિયાનો વધુ એક રાઉન્ડ કરવા તેમજ GCAS પોર્ટલ વડે પ્રવેશ પ્રક્રિયા બંધ કરવા NSUIએ માગણી કરી હતી. યુનિવર્સિટીના સત્તાધીશોએ NSUIની રજૂઆત પ્રત્યે આંખ આડા કાન કર્યા હતા. તેથી NSUIના કાર્યકરોએ યુનિવર્સિટી બહાર સૂત્રોચ્ચાર કરી GCASની સ્મશાન યાત્રા કાઢી તંત્ર સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
NSUI ના કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે, GCAS પોર્ટલમાં ટેક્નિકલ ખામીઓના કારણે અનેક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે. તેમણે માંગ કરી હતી કે GCAS પોર્ટલમાં એડમિશનની પ્રક્રિયા તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે અને પ્રવેશ વંચિત વિદ્યાર્થીઓને સમાવવામાં આવે.
યુનિવર્સિટીમાં ઘણી બેઠકો ખાલી હોવા છતાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો નથી. ખામીવાળી પ્રક્રિયાના કારણે ખાનગી યુનિવર્સિટીઓને લાભ કરવા માટે ગોઠવણ કરાઈ હોવાનો NSUIએ આક્ષેપ કર્યો છે. NSUI દ્વારા તાત્કાલિક પ્રવેશ પ્રક્રિયા પૂરી કરવા અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં ન કરવા માગણી કરવામાં આવી હતી.
NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું કે, સમગ્ર ગુજરાતમાં GCASથી વિદ્યાર્થીઓને પરેશાન કરવાનું કામ સરકાર અને શિક્ષણ વિભાગ કરી રહ્યાં છે. તેના વિરોધમાં GCASની નનામી કાઢી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એડમિશન માટે વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે અને હજુ પણ તેમને એડમિશન આપવામાં આવતું નથી. GCAS પોર્ટલ બંધ કરવામાં આવે એવી અમારી માગણી છે. પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓને પ્રવેશ નહી આપવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!