ગોસાબારા હથિયાર કેસમાં 33 વર્ષે 12 આરોપીને સજા
જામનગર ટાડા કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 12 દોષિતોને કેદ અને દંડની સજા ફટકારી

જામનગર કોર્ટની ફાઈલ તસવીર

જામનગર કોર્ટની ફાઈલ તસવીર
જામનગરની સ્પેશિયલ ટાડા કોર્ટએ 33 વર્ષ જૂના ગોસાબારા હથિયાર કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. 12 આરોપીઓને દોષિત જાહેર કરીને કેદ અને દંડની સજા ફટકારવામાં આવી છે. આ ચુકાદામાં 10 આરોપીઓને 5 વર્ષની સજા સાથે 5 હજાર રૂપિયાનો દંડ અને અન્ય 2 આરોપીઓને 7 વર્ષની કેદ તથા 8 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ કેસનો મૂળ સંબંધ 1992ના સમયગાળામાં થયેલી ઘટનાઓ સાથે જોડાયેલો છે, જેમાં દેશભરમાં અશાંતિ ફેલાવવાના ઇરાદાથી હથિયારોની હેરફેર કરવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે દરિયાઈ માર્ગ દ્વારા મોટા પાયે હથિયારો ગુજરાતના કિનારે પહોંચાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ દેશના વિવિધ ભાગોમાં મોકલવામાં આવ્યા હતા.
તપાસ એજન્સીઓએ વર્ષો સુધી મહેનત કરીને આ કૌભાંડની કડીઓ જોડીને અનેક આરોપીઓને ઝડપી પાડ્યા હતા. કેસ દરમિયાન કુલ 46 આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી, જેમાંથી કેટલાકના મોત થયા, કેટલાકને રાહત મળી, જ્યારે બાકીના આરોપીઓ સામે લાંબા સમય સુધી ટ્રાયલ ચાલી હતી.
પોલીસ તપાસ દરમિયાન હેન્ડ ગ્રેનેડ, આધુનિક રાઈફલો અને મોટી સંખ્યામાં કારતૂસ સહિતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ કેસમાં વિદેશમાં ફરાર રહેલા કેટલાક મુખ્ય સૂત્રધારોને કોર્ટ દ્વારા ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે.
આ કેસની ન્યાયપ્રક્રિયા લાંબી અને જટિલ રહી હતી. આરોપીઓ દ્વારા વિવિધ અપીલો અને કાનૂની પગલાંને કારણે કાર્યવાહી લાંબા સમય સુધી ચાલતી રહી. છતાં, પ્રોસિક્યુશન દ્વારા મજબૂત પુરાવા અને સાક્ષીઓના આધારે કેસ સાબિત કરવામાં આવ્યો.
દોષિત ઠરેલા 12 આરોપીઓમાં ઓસમાણ ઉર્ફે ઉસ્માન ઉમર કોરેજા, મામદ અલીમામદ ઉર્ફે મમદુ, હારુન આદમ સંધાર વાઘેર, અહેમદ ઇસ્માઈલ ઓલીયા, આરીફ અબ્દુલ રહેમાન ઉર્ફે આરીફ લંબુ લાખાણી, ઇફતેખાર મહમદ યુનુસ અન્સારી, મહમદ અયુબ અબ્દુલ કયુમ અન્સારી ઉર્ફે અયુબ ટકલો, લખમણ હરદાસ આહીર વસરા, મહમદ સલીમ ઉર્ફે સલીમ કુતા, ઉમરમિંયા ઉર્ફે મમુમિયા ઈસ્માઈલ મિયા ઉર્ફે પંજુમિયા સૈયદ બુખારી, ઈસ્તીયાક અહેમદ મહમદ યુનીસ અન્સારી અને કાદીર અહેમદ અમીમ અહેમદ શેખનો સમાવેશ થાય છે.
આ ષડયંત્રના મૂળિયાં 6 ડિસેમ્બર 1992ના રોજ થયેલા બાબરી ધ્વંશ સાથે જોડાયેલા છે. જેનો બદલો લેવા અને દેશભરમાં આતંક મચાવી કોમી રમખાણો ભડકાવવાના હેતુથી દાઉદ ઈબ્રાહિમ અને તેના સાગરીતોએ દુબઈમાં બેસીને એક ભયાનક યોજના બનાવી હતી. દુબઈ સ્થિત મુસ્તુફા આમદ ઉમર ડોસા ઉર્ફે મુસ્તુફા મજનુ શેઠની માલિકીની 'સદા અલ બહાર' નામની લોંચ મારફતે કરાંચી નજીક દરિયામાંથી હથિયારોનો મસમોટો જથ્થો ભરવામાં આવ્યો હતો.
આ હથિયારોની હેરફેરમાં પાકિસ્તાનની મરીન સિક્યોરિટી અને સેનાના અધિકારીઓ પણ સીધા સામેલ હતા. તેણે કાળો પાવડર, આર.ડી.એક્સ., 150 જેટલા આધુનિક હથિયારો, હેન્ડ ગ્રેનેડ અને રાઈફલો પૂરી પાડી હતી. મધદરિયે સેટેલાઇટ ટેલિફોનથી સંપર્ક કરી આ ઘાતક જથ્થાને 'બીસ્મીલાહ' નામની લોંચમાં શિફ્ટ કરાયો હતો અને પોરબંદર નજીક ગોસાબારાના બંદર પર રાતોરાત તેનું લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગોસાબારાથી ટ્રકો મારફતે આ હથિયારો સુરત, વલસાડ અને ઉત્તર પ્રદેશ સહિત દેશના વિવિધ ભાગોમાં મોકલી આપવામાં આવ્યા હતા.
આ કેસની તપાસ 1993થી શરૂ થઈને છેક 2018 સુધી ચાલી હતી. આ દરમિયાન જામનગર બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ટાડા અને આર્મ્સ એક્ટની કડક કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. આ 25 વર્ષના લાંબા ગાળામાં પોલીસ અને તપાસ એજન્સીઓએ ઉતરોતર કડીઓ મેળવીને કુલ 46 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તપાસમાં અનેક ચોંકાવનારી હકીકતો સામે આવી હતી, જેનું નેતૃત્વ રીટાયર્ડ આઈ.પી.એસ. પી.કે. ઝા, સતીષ વર્મા અને હાલ સી.બી.આઈ.ના સ્પેશ્યલ ડિરેકટર મનોજ શશીધર જેવા કાબેલ અધિકારીઓએ કર્યું હતું.
ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી અનેક હેન્ડ ગ્રેનેડ, એ.કે. 47 સિરીઝની ડઝનબંધ રાઈફલો, હજારો જીવતા કારતુસ અને લાખો રૂપિયાનો અન્ય મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો. જોકે, આ કેસમાં દાઉદ ઇબ્રાહીમ, ટાઈગર મેમણ અને અનીશ ઇબ્રાહીમ સહિતના 15 મુખ્ય સૂત્રધારો પાકિસ્તાન અને દુબઈમાં ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. જેમને ટાડા કોર્ટ દ્વારા ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે. કુલ 46 આરોપીઓમાંથી 11નું ચાલુ કેસ દરમિયાન મોત થયું હતું. 6ને સુપ્રીમ કોર્ટના હુકમથી ડિસ્ચાર્જ કરાયા હતા અને બાકીના 29 આરોપીઓ સામે જામનગરની સ્પેશિયલ કોર્ટમાં ટ્રાયલ ચલાવવામાં આવી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

14.9%થી 13.3%... ગુજરાતના શિક્ષણ બજેટમાં આખરે શું બદલાયું?

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?