વડોદરામાં વર્ષ 2014-15માં પાલિકાએ શહેરના છાણી અને હરણી વિસ્તારમાં કામદારો માટે 366 આવાસોનું નિર્માણ કર્યું હતું. આ 366 આવાસો બનાવવાનો અંદાજિત રૂ. 14.53 કરોડની આસપાસ ખર્ચ થયો હતો અને ત્યારબાદ તેમાં વધુ બાંધકામ માટે રૂ. 6.28 કરોડનો ખર્ચો કરાયો હતો. જોકે અત્યાર સુધી એક પણ કામદારને ત્યાં મકાનની ફાળવણી કરાઈ નથી. આવાસ યોજનાના આ મકાનો પડ્યા પડ્યા ખંડેર થયા છે અને આજ સુધી કોઈ લાભાર્થીને મળ્યા નથી. આવી યોજનાઓને સદંતરરૂપે નાણાંનો ચોખ્ખો વેડફાટ ગણાવી શકાય છે.
ખંડેર અને નકામા બની રહેલા 14 કરોડના આવાસો હવે અસામાજિક તત્ત્વોનો અડ્ડો બનેલાં છે. એટલું જ નહીં અને પાછું ઊલટાનું મકાનોનાં લગાવેલા બારી-બારણાં અને વાયરિંગની વસ્તુઓ ચોરાઈ ગઈ છે. આવાસોમાં બારી-બારણાં અને વાયરિંગ ઉપરાંત ગ્રીલ અને બાથરૂમના નળ સહિતનો સામાન પણ ચોરી થયો છે. પાલિકાએ ખંડેર મકાનોની સાચવણી માટે સિક્યુરિટી ગાર્ડ મૂકવા પડી રહ્યા છે. આ મકાનો લોકોને ભાડેથી આપી શકાય તે માટે હવે ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરાઈ છે.
આવાસનો લાભ નાગરિકો સુધી હજુ પહોંચ્યો જ નથી ત્યાં પાલિકાનું નવું ગતકડું સામે આવ્યું છે. હવે સરકાર શ્રમિક બસેરા યોજના અંતર્ગત પાલિકાના 10 પ્લોટ પર 5 હજાર પ્રિ-ફેબ્રિકેટેડ આવાસો બનાવવાનું આયોજન કરવાની છે. અગાઉ બનેલા અને વર્ણવરપાયેલા આવાસો જે હવે ખંડેર હાલતમાં છે તેનું શું એ સવાલ હજી અકબંધ છે. આવાસો પર કરવામાં આવતા નકામા ખર્ચ પર અનેક સવાલ ઊઠી રહ્યા છે. જો કે, પાલિકાની સભામાં ભાજપે બહુમતીના જોરે 5 હજાર આવાસોને મંજૂરી આપી હતી.
પાલિકાના આ 10 પ્લોટ શોપિંગ સેન્ટર, SEWSH, ફાયરબ્રિગેડ તથા પ્રાથમિક શાળાના હેતુ માટે અનામત રખાયા છે. જે પ્લોટ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગને 2 વર્ષની એક્સન્ટેબલ લીઝ પર 1ના ટોકન ભાવે આપશે. શહેરમાં 11 વર્ષમાં બનેલાં આવાસોમાં 2333 મકાન હજુ પણ ખાલી પડ્યાં છે. વર્ષો અગાઉ તૈયાર થયેલાં મકાનોની જાળવણી સુધ્ધાં કરાઈ નથી, જેને કારણે તે જર્જરિત અને ખંડેર બની રહ્યાં છે. હવે શહેરના સયાજીપુરામાં આવેલાં 1196 આવાસો જર્જરિત થતાં તેનું સમારકામ કરવામાં આવી રહ્યું હોવાની માહિતી મળી છે.