ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનું સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યુ છે. બનાસકાંઠા અને સુરતમાં ચાંદીપુરા વાયરસે પગપેસારો કર્યો છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ 5 બાળકના મોત થયા છે.
વધુ 5 મોત સાથે ચાંદીપુરા વાયરસથી બાળકોનો કુલ મૃત્યુઆંક 31 પર પહોંચ્યો છે. બનાસકાંઠાના પાલનપુરમાં 1 અને ડીસાના સદરપુરમાં 1 બાળકનું મોત થયુ છે. જ્યારે મહીસાગર, ખેડા અને વડોદરા શહેરમાં 1-1-1 બાળકનું મોત થયું છે.
ચાંદીપુરા વાયરસના નવા 13 શંકાસ્પદ કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા વધીને 84 થઈ છે. હાલમાં 42 દર્દીઓ સારવાર હેઠળ છે અને 3 દર્દીને રજા આપવામાં આવી છે.
ચાંદીપુરા વાયરસનું સંક્રમણ અત્યાર સુધી મધ્ય ગુજરાતના ગ્રામીણ વિસ્તાર પૂરતુ સીમિત હતુ. પરંતુ, હવે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત જેવા મોટા શહેરોમાં પણ વાયરસની અસર જોવા મળતાં સરકારે 104 નંબરની હેલ્પલાઈન જાહેર કરી છે. હેલ્પલાઈન નંબર પરથી સારવાર સંબંધિત માહિતી મળી રહેશે.
મહેસાણા જિલ્લામાં વધુ એક શંકાસ્પદ કેસ નોંધાયો
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના સેદરડી ગામમાં 6 વર્ષની બાળકી 5 દિવસ પહેલાં બીમાર પડતાં પરિવારે કડીની ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. ત્યારબાદ બાળકીને અમદાવાદની સોલા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
જ્યાં બાળકીની તબિયત બગડતા 20 જુલાઈએ તબીબોએ બાળકીના સેમ્પલ લઈ પૂણે તપાસ માટે મોકલી આપ્યા છે. હાલમાં બાળકીની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યુ છે.
ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ અને મોતના આંકડા
જિલ્લો કુલ કેસ મોત
સુરત 01 00
રાજકોટ 04 02
સાબરકાંઠા 08 02
અરવલ્લી 06 03
મહીસાગર 02 01
ખેડા 06 01
મહેસાણા 06 02
સુરેન્દ્રનગર 03 01
AMC 06 03
ગાંધીનગર 05 01
પંચમહાલ 11 04
જામનગર 05 00
મોરબી 04 03
GMC 03 01
છોટાઉદેપુર 02 00
દાહોદ 02 02
નર્મદા 02 00
બનાસકાંઠા 04 02
વડોદરા 01 01
VMC 02 01
ભાવનગર 01 00
દ્વારકા 01 01
કચ્છ 01 00
કુલ 84 31