ગુજરાતના ગામડાની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા સ્વસહાય જૂથોના માધ્યમથી નોંધપાત્ર કામગીરી થઇ રહી છે. જેના પરિણામ સ્વરૂપે ગામડાની મહિલાઓ આત્મનિર્ભર બની અન્ય મહિલાઓને પ્રેરણા પૂરી પાડી રહી છે.
બનાસની ડ્રોન દીદી તરીકે ઓળખાતા આશાબેન ચૌધરીએ ડ્રોનથી જંતુનાશક દવાઓનો છંટકાવ કરી રૂપિયા 1 લાખની કમાણી કરી છે.
મહિલાઓના સશક્તિકરણ માટે ડ્રોનના ઉપયોગથી મહિલાઓ આર્થિક રીતે પગભર બને તે માટે કેન્દ્ર સરકારે વર્ષ 2023માં ‘નમો ડ્રોન દીદી યોજના’ અમલમાં મૂકી છે.
ખેતીમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી ડ્રોન દ્વારા ખાતર અને જંતુનાશકોનો છંટકાવ કરતા શીખવવાનો યોજનાનો હેતુ છે. ડ્રોન દીદી યોજના માટે 10 થી 15 ગામોની સ્વસહાય જૂથની મહિલાઓને એક સાથે તાલીમ આપવામાં આવે છે. જેમાં ડ્રોન ચલાવવા માટે 15 દિવસની તાલીમનો સમાવેશ કરવામાં આવે છે.
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના તાલેપુરા ગામના આશાબેન ચૌધરી પશુપાલન અને ખેતીવાડી સાથે સંકળાયેલા છે. તેમણે મિકેનિકલ એન્જિનિયરનો અભ્યાસ કર્યો છે. હાલમાં ડ્રોન દીદી યોજના અંતર્ગત તાલીમ મેળવી આસપાસના વિસ્તારમાં ડ્રોનની મદદથી જંતુનાશક દવાઓનો છંટકાવ કરી આવક મેળવી રહ્યાં છે.
આશાબેન ચૌધરીએ જણાવ્યુ કે મને ડ્રોન વિશે કંઇ ખબર ન હતી પણ સખીમંડળ દ્વારા યોજાતા કાર્યક્રમોમાં હું સામેલ રહેતી હતી. તેથી મને ડ્રોન દીદી કાર્યક્રમ અંગે માહિતી મળી.
2023માં મેં પૂણેમાં 15 દિવસની તાલીમ લીધી. તે પહેલા ઇફ્કોમાં અમારું ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું હતું અને ત્યારબાદ પૂણેમાં મેં પરીક્ષા આપી હતી. પરીક્ષામાં ડ્રોનના ઉડ્ડયન તેમજ ડીજીસીએના નિયમો અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.
તાલીમ લીધા બાદ મેં બનાસકાંઠામાં ડ્રોનથી જંતુનાશક દવાઓનો છંટકાવ કરવાનું શરૂ કર્યું અને અત્યારે મારી પાસે કામ ખૂટતું જ નથી.
આશાબેનને મિડિયમ સાઇઝનું ડ્રોનને ફિલ્ડમાં લઇ જવા ઇ-વ્હિકલ અને કોઈ કારણોસર વીજળીનો સપ્લાય ન મળી રહે તો તેના માટે એક જનરેટર સેટ આપવામાં આવ્યો છે.
આશાબેન એરંડા, મગફળી, પપૈયા, બાજરી અને વરિયાળી જેવા પાકમાં ડ્રોનની મદદથી દવાઓનો છંટકાવ કરે છે. માત્ર 6 મહિનામાં તેમણે ડ્રોનથી દવાનો છંટકાવ કરી એક લાખથી વધુની કમાણી કરી છે.
તેમણે ઉમેર્યુ કે ડ્રોનથી છંટકાવ વ્યવસ્થિત થાય છે. સમય અને પૈસા બંનેની બચત થાય છે. તેમાં દવા અને પાણી બંનેનું પ્રમાણ ઓછું રહે છે તેમજ છંટકાવ યોગ્ય રીતે થાય છે.
સાત મિનિટમાં ડ્રોનથી એક એકર વિસ્તારમાં દવાનો છંટકાવ કરી શકાય છે. વરિયાળી જેવા ઊંચા પાકમાં ડ્રોનથી છંટકાવ સારો વિકલ્પ છે. ડ્રોનથી છંટકાવ કરાવ્યો હોય તેવા ખેડૂતોની આઇ પોર્ટલ પર નોંધણી કરાવીએ છીએ. જેથી તેમને રાજ્ય સરકાર તરફથી વળતર પણ મળે છે.
અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી પણ ઓર્ડર મળે છે :
આશાબેનના જણાવ્યા અનુસાર ડ્રોનને ઓપરેટ કરવામાં ખૂબ કાળજી રાખવી પડે છે. ખેતરનો નક્શો ડ્રોનમાં ફીડ કરી કમ્પાસ કેલિબ્રેશન કરીને ડ્રોનને નિર્ધારિત વિસ્તારમાં ઓપરેટ કરવામાં આવે છે.
મારી કામગીરીની પ્રસિદ્ધિ ખેડૂતોમાં વધતાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. મને સુરેન્દ્રનગર અને અમદાવાદથી પણ સતત કોલ આવી રહ્યા છે. આશાબેન આશાપુરી સખીમંડળ ચલાવી અન્ય સખીમંડળોના માધ્યમથી મહિલાઓને આત્મનિર્ભર કરવા પ્રેરિત કરી રહ્યાં છે.
બે બાળકીની માતા હોવા છતાં પરિવાર તરફથી તેમને સહયોગ અને પ્રોત્સાહન મળી રહ્યું છે. માત્ર સરકારી નોકરી હોય તો જ સફળ થવાય એ જરૂરી નથી. હું મહિલાઓને કહીશ કે તેઓ સક્રિય રીતે યોજનાઓમાં ભાગીદાર બને.
ગુજરાતમાં 58 મહિલાઓને ડ્રોનની તાલીમ મળી :
એક વર્ષ દરમિયાન દેશમાં પ્રારંભિક ધોરણે અંદાજે 500થી 1000 ડ્રોન સ્વ સહાય જૂથોને આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાંથી ગુજરાતમાં IFFCO, GSFC અને GNFC દ્વારા અનુક્રમે 18 ,20 અને 20 મળી 58 મહિલાઓને ડ્રોન ઓપરેટ કરવાની તાલીમ આપીને ડ્રોન આપવામાં આવ્યા છે.