બેન્ક ખાતાં પર હવે AIથી સીધી વોચ રખાશે
ઇન્કમ ટેક્સ ખાતું હવે ગુપ્ત બેલેન્સ પર સ્પષ્ટતા માંગશે, કરચોરોની હવે ચુપ્પી ખુલશે..

બેન્ક ખાતાં પર AIથી સીધી વોચ રખાશે

બેન્ક ખાતાં પર AIથી સીધી વોચ રખાશે
આવકવેરા વિભાગ હવે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને કરચોરી પકડવા માટે સજ્જ થઈ ગયું છે. વિભાગે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી બેન્ક ખાતાં પર સઘન દેખરેખ શરૂ કરી દીધી છે. જો તમારા બચત ખાતામાં ખર્ચ ઓછો હોવા છતાં અસામાન્ય રીતે ઊંચું બેલેન્સ દેખાશે, તો આવકવેરા વિભાગ તમારા નાણાંના સ્ત્રોત વિશે સ્પષ્ટતા માંગી શકે છે. AI-આધારિત આ ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા વિભાગે એવા ઘણા કિસ્સાઓ શોધી કાઢ્યા છે જેમાં વ્યક્તિઓએ પોતાની અજાણી આવકનો ઉપયોગ કર્યો હોય.
આવકવેરા વિભાગની AI સિસ્ટમ એવા ખાતાઓનું વિશ્લેષણ કરે છે, જેમાં જમા રકમ ઉપાડ કરતાં ઘણી વધારે હોય. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે વ્યક્તિ તેની આવકના 30- 40% જેટલો ભાગ રોજિંદા જીવન જરૂરિયાતો માટે ખર્ચે છે. જો પગારદાર કરદાતાના ખાતામાંથી ખર્ચ ઓછો થતો હોય અને સેવિંગ્સ એકાઉન્ટમાં બેલેન્સ વધારે રહેતું હોય તો વિભાગ તે નાણાં ક્યાંથી આવ્યા તેની પૂછપરછ કરી શકે છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં AIની મદદથી એવા અનેક કિસ્સાઓ પકડાયા છે, જ્યાં વ્યક્તિઓએ મોટી રકમ બેન્કમાં જમા કરી હતી, પરંતુ ખર્ચ માટે બહુ ઓછા નાણાંનો ઉપાડ કર્યો હતો.
ગુપ્ત આવક અને કરચોરીની નવી પદ્ધતિ
ડેટા એનાલિસિસ દ્વારા એવું બહાર આવ્યું છે કે ઘણા ખાતાધારકો વર્ષોથી પગારના ખાતાંમાંથી માત્ર નાની રકમ જ ઉપાડતા હતા. નોટિસ મોકલવામાં આવી ત્યારે ઘણા લોકો રોજિંદા ખર્ચ, બાળકોની ફી અને અન્ય જરૂરિયાતો માટે પૈસા ક્યાંથી લાવતા હતા તે સમજાવી શક્યા ન હતા.
બેન્કના રેકોર્ડ મુજબ આવા ખાતાઓમાંથી રોકડ ઉપાડ ખૂબ જ ઓછી હતી. આવકવેરા અધિકારીઓ માને છે કે આવા કરદાતાઓ ગુપ્ત કે બ્લેક મનીનો ઉપયોગ રોજિંદા ખર્ચ માટે કરીને કરચોરી કરી રહ્યા હતા. વિભાગે હવે આવા કિસ્સાઓમાં કરચોરીની સંભાવના માનીને નોટિસ મોકલવાનું શરૂ કર્યું છે.
પગારદાર વર્ગ પર પણ હવે ધ્યાન
આવકવેરાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે અગાઉ આ પ્રકારની કરચોરીની પદ્ધતિ વેપારી વર્ગમાં વધુ જોવા મળતી હતી, જ્યાં વ્યક્તિગત ખર્ચને કંપનીના ખર્ચ તરીકે દર્શાવાતો હતો. પરંતુ હવે આ રીત પગારદાર કરદાતાઓ પણ અપનાવી રહ્યા છે. ઉદાહરણ તરીકે, કોઈ કરદાતા ભાડે આપેલા ઘરનું ભાડું રોકડેથી મેળવીને આવકવેરા રિટર્નમાં તે આવક દર્શાવતા નથી, જે કાયદા હેઠળ ફરજિયાત છે.
AI સિસ્ટમ પાન કાર્ડ સાથે જોડાયેલા વર્ષભરના નાણાકીય વ્યવહારોનું વિશ્લેષણ કરીને જાહેર કરેલી આવક અને વાસ્તવિક ખર્ચ વચ્ચેનો તફાવત સરળતાથી શોધી શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ક્રેડિટ ગેરંટી યોજના લોન્ચ; નાના માઈક્રોફાઇનાન્સ એકમોને થશે મોટો ફાયદો-લોન લેવી થશે આસાન

₹25 હજારની એક વખતની રાહત, પરંતુ અમલ અને જવાબદારી પર મોટાં સવાલ

'વિકસિત ભારત ૨૦૪૭' ના વિઝનને વેગ આપવા દેશની સૌથી મોટી બેંકનું મોટું પગલું.