વાવ વિધાનસભાની પેટાચૂંટણીના ઉમેદવારોનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયુ છે. છેલ્લાં દિવસે પાંચ અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા હવે 10 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ અને 1 અન્ય પક્ષ સહિત 7 અપક્ષ ઉમેદવારો વચ્ચે પેટાચૂંટણીનો જંગ ખેલાશે.
બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં 5 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. પરંતુ આ બેઠક પર સૌથી શક્તિશાળી અપક્ષ ગણાતા અને ભાજપના નેતા એવા માવજીભાઈ પટેલ ફોર્મ પરત ખેંચવા અંગે માન્યા નથી. આ બેઠક પર હવે ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ એવા માવજી પટેલ વચ્ચે ચૂંટણી જંગ જામશે.
બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપ સામે ભાજપ અને કોંગ્રેસ ચૂંટણી લડે તેવો ઘાટ થયો છે. બનાસકાંઠા જિલ્લા ભાજપના મજબૂત નેતા માવજીભાઈ પટેલે પણ વાવ બેઠકની પેટા ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. ભાજપ દ્વારા અનેક પ્રયાસો અને સમજાવટ છતા, માવજીભાઈ એકના બે ના થયા અને ચૂંટણી જંગમાં ઝંપલાવી દીધું.

વાવ બેઠકની પેટા ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્ર પાછા ખેંચવાનો છેલ્લો દિવસ હતો. ઉમેદવારી પત્ર પાછા ખેંચવાના દિવસે, 5 અપક્ષોએ તેમની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. જેના કારણે હવે, વાવ બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષો સહીત કુલ 10 ઉમેદવારો ચૂંટણી જંગમાં રહ્યાં છે.

મહત્વપૂર્ણ છે કે, લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા બાદ વાવ વિધાનસભાના ધારાસભ્ય તરીકે ગેનીબેન ઠાકોરે રાજીનામુ આપતાં પેટાચૂંટણી જાહેર કરાઈ છે.વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે કુલ 21 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ચકાસણી દરમિયાન 15 ઉમેદવારો માન્ય રહ્યા હતા. જ્યારે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે પાંચ અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા. જેમાં જામાભાઈ ચૌધરી, ભુરાજી ઠાકોર, ગોવિંદ ગામોટ, ચમન સોલંકી અને નાગરજી કલાલે ઉમેદવારી પરત ખેંચી હતી. ભાજપ, કોંગ્રેસ, ભારતીય જન પરિષદ અને 7 અપક્ષ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. 10 ઉમેદવારોમાંથી ભાજપના સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ વચ્ચે ત્રિપાંખિયો જંગ જામશે.
વાવ બેઠકના હરીફ ઉમેદવારો
1. ગુલાબસિંહ પીરાભાઈ રાજપૂત કોંગ્રેસ
2. સ્વરૂપજી સરદારજી ઠાકોર ભાજપ
3. ચેતનકુમાર કેશવલાલ ઓઝા ભારતીય જન પરિષદ
4. જયેન્દ્ર કરશનભાઈ રાઠોડ અપક્ષ
5. માવજીભાઈ ચતરાભાઈ પટેલ અપક્ષ
6. મનોજભાઈ રાણાભાઈ પરમાર અપક્ષ
7. નિરૂપાબેન નટવરલાલ માધુ અપક્ષ
8. મંજુબેન વાઘાજી રાઠોડ અપક્ષ
9. લક્ષ્મીબેન સુરેશભાઈ ઠાકોર અપક્ષ
10. વિક્રમભાઈ નાગજીભાઈ હરીજન અપક્ષ
વાવ બેઠક પર 13 નવેમ્બરે મતદાન અને 23 નવેમ્બરે મત ગણતરી યોજાશે. ભાજપમાંથી બળવો કરી અપક્ષ તરીકે ઉમેદવારી કરનાર માવજી પટેલને મનાવી લેવા પ્રયાસો કરાયા હતા. પરંતુ, માવજી પટેલે ઉમેદવારી યથાવત રાખી છે. જ્યારે ગેનીબેન ઠાકોરના કૌટુંબિક કાકા ભુરાજી ઠાકોરને ભાજપે ટિકિટ ન આપતા અપક્ષ ઉમેદવારી કરી હતી. ભાજપે ભુરાજીને સમજાવી ઉમેદવારી પરત ખેંચાવી છે.
વાવ વિધાનસભા મતવિસ્તારમાં 321 મતદાન મથકમાં 1 લાખ 61 હજાર 263 પુરૂષ, 1,49,387 સ્ત્રી અને 1 થર્ડ જેન્ડર મળી 3,10,681 મતદારો છે.