કોણ છે સમાજના આ કહેવાતા ઠેકેદારો?
ક્યાં અધિકારથી કોઈ સમાજ, પંચાયત કે સંગઠન કોઈ પરિવારને સામાજિક બહિષ્કાર કરવાની ધમકી આપે છે? સનાતન પરંપરાના નામે કાયદા-સંવિધાનથી ઉપર જઈને નિયમો બનાવવાનો અધિકાર તેમને કોણે આપ્યો?
આર્યવ્રત ભારત માં એવો સમાજ હતો કે જ્યાં રીતિ-નીતિઓ તર્ક, ચર્ચા અને સ્વીકાર્યતાના આધારે ઘડાતી હતી. પરંતુ આજે, થોડાક કુંઠિત માનસ ધરાવનારાઓ પોતાના સમજને “ધર્મ” બનાવીને સમાજ પર લાદી રહ્યા છે. આ ખોટા અર્થઘટન કરવાનો અધિકાર તેમને કોણે આપ્યો?
આજના સમયમાં એવો દાવો કરવામાં આવે છે કે આંતરજ્ઞાતિ લગ્ન કે પ્રેમલગ્ન ભારતીય સંસ્કૃતિ વિરુદ્ધ છે. પરંતુ વેદ, મહાભારત અને મનુસ્મૃતિ જો સાચા અર્થમાં વાંચવામાં આવે, તો આ દાવા ખુદ ધર્મગ્રંથો સામે ઊભા રહી શકતો નથી.
ઋગવેદ, મહાભારત અને મનુસ્મૃતિ — ત્રણેયમાં સ્પષ્ટ રીતે આઠ પ્રકારના લગ્નની ચર્ચા થઇ છે:
બ્રહ્મ વિવાહ, દેવ વિવાહ, આર્ષ વિવાહ, પ્રજાપત્ય વિવાહ, ગાંધર્વ વિવાહ, રક્ષા વિવાહ, અસુર વિવાહ અને પૈશાચ વિવાહ.
મનુસ્મૃતિ અનુસાર બ્રહ્મ, દેવ, આર્ષ અને પ્રજાપત્ય વિવાહને ધાર્મિક ગણાવવામાં આવ્યા છે, જ્યારે ગાંધર્વ, રક્ષા, અસુર અને પૈશાચ વિવાહને અધાર્મિક કહેવાયા છે.
પરંતુ અહીં મહત્વની વાત એ છે કે —
👉 ક્યાંય પણ ગાંધર્વ (પ્રેમ) લગ્ન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી.
મનુસ્મૃતિ માત્ર એટલું કહે છે કે તેને ટાળવા યોગ્ય ગણવામાં આવે, પ્રતિબંધિત નહીં.
ગાંધર્વ લગ્નની વ્યાખ્યા સ્પષ્ટ છે —
પુરુષ અને સ્ત્રી પરસ્પર સંમતિથી, પ્રેમના આધારે લગ્ન કરે, પરિવારની સંમતિ હોય કે ન હોય. આ વ્યાખ્યા ખુદ ધર્મગ્રંથોમાં નોંધાયેલી છે.
તો પછી પ્રશ્ન એ છે કે —
આજનો સમાજ પોતાને મનુસ્મૃતિથી પણ વધુ “ધાર્મિક” કેવી રીતે માને છે?
ઇતિહાસ તો આવા અનેક ઉદાહરણોથી ભરેલો છે.
દેવરાજ ઇન્દ્રે અસુર કુળની પુત્રી પૌલોમી સાથે લગ્ન કર્યા.
ભગવાન કૃષ્ણ, યાદવ કુળના હોવા છતાં, ક્ષત્રિય કુળની રૂકમણી સાથે વિવાહ કરે છે.
પાંડુ પુત્ર ભીમ અસુર કુળની હિડંબા સાથે લગ્ન કરે છે.
રાજા દુષ્યંત અને શાકુંતલાનું ગાંધર્વ વિવાહ તો ઇતિહાસમાં અતિપ્રસિદ્ધ છે.
ભગવાન રામના પરિવારમાં પણ આંતરવર્ણીય સંબંધોના ઉદાહરણો જોવા મળે છે. રાજા દશરથની પુત્રી શાંતાનો વિવાહ ઋષિ શ્રુંગી સાથે થયો હતો.
રાજા શાંતનુએ માછીમાર સમાજની પુત્રી સત્યવતી સાથે લગ્ન કર્યા — અને એ જ સત્યવતીમાંથી મહાભારતની પરંપરા આગળ વધે છે.
આજે જે સમાજ દહેજને “ભેટ” કહીને સ્વીકારી લે છે, તે જ સમાજ અસુર વિવાહને અધાર્મિક કહેતી મનુસ્મૃતિને કેમ ભૂલી જાય છે?
જો મનુસ્મૃતિનો આધાર લેવો છે, તો બધા નિયમો લાગુ કરો, માત્ર તમારી અનુકૂળ વ્યાખ્યા નહીં.
ભારત દેશ આગળ વધી રહ્યો છે — શિક્ષણ, વિચાર અને અધિકારના ક્ષેત્રે.
તો પછી સમાજને 1800મી સદીમાં પાછળ લઇ જવાનો આગ્રહ શા માટે?
સનાતન પરંપરા એ જડતા નથી, તે વિચાર છે.
અને વિચારને બાંઘી રાખવાનો પ્રયત્ન — એ જ સનાતનનું સૌથી મોટું અપમાન છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
ચૂંટણી પંચની અંદર 10 મહિનામાં 14 વખત વાંધા કેમ નોંધાયા?
ગુજરાત જીતવા નીકળેલી કોંગ્રેસ સામે ભાજપ નહીં, પહેલા પોતાનું જ ઘર સંભાળવાનો પડકાર!
ભારતની GDP વૃદ્ધિ 7.8 ટકા પહોંચી, પરંતુ મોંઘવારી, માથાદીઠ આવક, રોજગાર અને ખરીદશક્તિ વચ્ચે સવાલ ઊભો થયો કે આ આર્થિક વિકાસનો વાસ્તવિક લાભ સામાન્ય માણસ સુધી કેટલો પહોંચ્યો?