ગુજરાતના ખેતરોમાં મગફળીનો પાક લણાઇને બજારમાં પહોંચવા લાગ્યો છે. ખેડૂતો તેમના લોહી-પસિનાના પરિશ્રમથી ઉગાડેલી મગફળી રૂ. 900 થી 1200 પ્રતિ મણના ભાવે વેચવા મજબૂર છે, જ્યારે સરકારનો લઘુત્તમ ટેકાનો ભાવ રૂ. 1450 પ્રતિ મણ જાહેર થયો છે. પરંતુ સવાલ એ છે—સરકાર ખેડૂતને રાહ કેમ જોવડાવે છે? શું ખેડૂતોની મુશ્કેલી માટે પણ કોઇ “શુભમુહૂર્ત” શોધવામાં આવે છે?
રાજ્ય સરકારે બે મહિના પહેલા જ ટેકાના ભાવ જાહેર કર્યા, ઓનલાઇન રજીસ્ટ્રેશન ખોલ્યું અને આશરે 9.31 લાખ ખેડૂતો રજીસ્ટ્રેશન માટે દોડ્યા. પછી સરકારએ ડિજિટલ સર્વેનો બહાનો બનાવી 80 હજાર ખેડૂતોનું રજીસ્ટ્રેશન રદ કર્યું. કહેવત યાદ આવે છે—“સુકા જોડે લિલુ બળે”—નકલી સાથે સાચા ખેડૂત પણ સજા ભોગવે. તેઓને ફરી તક મળ્યા વિના ઓપન માર્કેટમાં નીચા ભાવે વેચવા મજબૂર થવું પડશે.
ગયા વર્ષે સરકારએ 10 લાખ મેટ્રિક ટન મગફળી ખરીદીને રૂ. 6700 કરોડ ચૂકવ્યા હોવાનું દાવો કર્યું હતું. આ વર્ષે ઉત્પાદન અંદાજે 66 લાખ મેટ્રિક ટન છે. સરકારે 25 ટકા ખરીદવાની વાત કરી છે—એટલે 16.50 લાખ મેટ્રિક ટન. પરંતુ અત્યાર સુધી તારીખ જાહેર નથી. કદાચ રાહ છે—કોઈ દિલ્હીથી “મહાનુભવ” આવેઅને ખરીદીનો ઉદઘાટન કરી દે.
કેન્દ્રના કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે 12.50 લાખ મેટ્રિક ટન ખરીદવાનો દાવો કર્યો છે, પણ રાજ્ય સરકાર પોતાનું વચન પાળશે? કે ખેડૂતો ફરી ખાલી આશ્વાસન પર જીવશે? વરસાદના કારણે કેટલીક જગ્યાએ પાકનું નુકસાન થયું છે, તે બાબતે પણ સરકાર ચુપ છે.
સાચું કહીએ તો, ખેડૂત સંગઠનોની નબળાઇ અને રાજકારણની ઉદાસીનતા એ સરકાર માટે અનુકૂળ છે. જ્યાં કોર્પોરેટ હિત નથી, ત્યાં રાજકીય તાત્કાલિકતા કેમ હોય? સરકાર રોકાણ સમિટ માટે લાખોનો ખર્ચ કરી શકે, પણ ખેડૂતોની મહેનતના પાક માટે ગોડાઉનમાં જગ્યા નથી.
આખરે સવાલ એક જ છે—આ સ્કીમ ખેડૂત માટે છે કે સરકારી અધિકારીઓની સગવડ માટે? ખેડૂતની આંખોમાં પાણી છે, અને સરકારના પત્રકાર પરિષદોમાં ફક્ત “આશ્વાસનના ફુગ્ગા”. કદાચ સરકાર માને છે કે ખેડૂતોના દુઃખમાં પણ થોડો સમય રાજકીય “ઇવેન્ટ મેનેજમેન્ટ” કરવો જરૂરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
ગુજરાત જીતવા નીકળેલી કોંગ્રેસ સામે ભાજપ નહીં, પહેલા પોતાનું જ ઘર સંભાળવાનો પડકાર!
ભારતની GDP વૃદ્ધિ 7.8 ટકા પહોંચી, પરંતુ મોંઘવારી, માથાદીઠ આવક, રોજગાર અને ખરીદશક્તિ વચ્ચે સવાલ ઊભો થયો કે આ આર્થિક વિકાસનો વાસ્તવિક લાભ સામાન્ય માણસ સુધી કેટલો પહોંચ્યો?
નવી માર્ગદર્શિકા ખાનગી રોપાણને પ્રોત્સાહન આપે છે, પર્યાવરણ અને જૈવ વૈવિધ્યને જોખમ