ગુજરાત સરકારની તાજેતરની MSP ખરીદી અંગેની જાહેરાતે એક તરફ ખેડૂતોમાં આશા જગાવી છે, તો બીજી તરફ વિવાદ અને વિશ્વાસ પર સવાલ ઉપસ્થિત કર્યો છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ દાવો કર્યો કે રાજ્ય આ વર્ષે મગફળીની ખરીદીમાં ગત (૨૦૨૪) વર્ષની તુલનાએ ૨૫% વધારો કરશે—ગયા વર્ષે ૧૨ લાખ મેટ્રિક ટન મગફળી ખરીદાઈ હતી, અને આ વર્ષે ૧૫ લાખ મેટ્રિક ટન ખરીદી કરશે?
પરંતુ આ જાહેરાત તથ્યો, પરિસ્થિતિઓ અને વ્યવસ્થાના અભાવે કેટલું વજન ધરાવે છે? સૌથી ચોંકાવનારી બાબત એ છે કે MSP ખરીદીમાં પ્રતિ ખેડૂત મર્યાદા ઓછી કરી દેવામાં આવી છે. ગત (૨૦૨૪) વર્ષે પ્રતિ ખેડૂત ૨૦૦ મણ (૪ ટન) મગફળી ખરીદી હતી, જ્યારે આ વર્ષે માત્ર ૧૨૫ મણ એટલે કે અઢી ટનની મર્યાદા રાખવામાં આવી છે. તો સરકાર ૨૫% વધારાનો દાવો કેવી રીતે કરી શકે, આમ જાહેરાત ખૂદ વિરોધાભાસી છે, કુલ ખરીદીમાં ૨૫ ટકાનો વધારો થઇ શકે છે, પરંતુ ખેડૂત તે લાભ વંચિત હશે, ઉલ્ટાનું નૂકશાન થશે.
રજીસ્ટ્રેશનના આંકડા પણ ચિંતાજનક છે. ૨૦૨૪ ૩ લાખ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જ્યારે આ વર્ષે તે આંકડો ૯ લાખ સુધી પહોંચી ગયો છે. જો આ ૯ લાખમાંથી માત્ર ૮ લાખ ખેડૂત પાસેથી ખરીદે, તો ખરીદીનું વોલ્યુમ ૨૦ લાખ મેટ્રિક ટન સુધી પહોંચી શકે છે. એટલે કે २२ કરોડથી વધુ બારદાન અને ગોડાઉનની જરૂર પડશે.
પણ અહીં મોટો પ્રશ્ન ઊભો થાય છે—શું રાજ્ય પાસે આટલો સંગ્રહ, લોજિસ્ટિક્સ, અને પરિવહનની વ્યવસ્થા છે? ગયા વર્ષે જ ૧૨ લાખ મેટ્રિક ટન મગફળી માટે ગોડાઉન ખૂટી પડ્યા હતા. મોરબીમાં પતરાના શેડ, દાહોદ-ગોધરાના ગોડાઉન ભાડે લેવાના પ્રસંગો હજી તાજા છે. તો હવે શું વાપી-વલસાડ સુધીની સંગ્રહ વ્યવસ્થા કરવાની જરૂર પડશે?
કમોસમી વરસાદથી થયેલા નુકસાનની વધુ એક ચિંતાની વાત છે. કૃષિ વિભાગના પ્રાથમિક અંદાજ મુજબ સોરાષ્ટ્રની ૧૬ લાખ હેક્ટર ખેતીમાં નુકસાન થયું છે. સરકારનો દાવો છે કે તેમ છતાં ખરીદીના નિયમોમાં કોઈ છૂટછાટ કરવામાં આવશે નહીં. એટલે કે ખેડૂતો ને કુદરતનો માર પડ્યો છે, ત્યારે ખેડૂત અપેક્ષા હોય કે ખરીદીના નિયમોમાં થોડી બાંધછોડ કરે, સરકારે તેમાં પણ હાથ ઉંચી કરી દિધા.
એક નવી ભીતિ એ છે કે સરકાર સેટેલાઇટ ઇમેજરી અને સર્વેના નામે ૯ લાખ અરજીઓમાંથી ૫૦% ફગાવી દિધી તો. અને જો ૧૫ લાખ મેટ્રિક ટન ‘ઉત્તમ ગુણવત્તાની’ મગફળી જ ખરીદી બતાવવામાં આવે, અને દાવો કરે કે ૧૫ લાખ મેટ્રીક ટનમાં એક પણ દાણો ખરાબ નથી આવ્યો તો નૂકશાની વાત જ ક્યાં છે, આ તો ખેડૂતોએ જ ગોટાળે ચડવાનો વારો આવશે.
આમ, MSP ખરીદીનો ‘મહા વાયદો’ ખેડૂતો સાથે ફરી છલ થવાની ભીતિ વધારી દિધી છે—હકીકતમાં જે વચન છે, તે કદાચ વચનપત્ર પર જ રહેશે, ખેડૂતોના ખેતરમાં નહીં.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
ચૂંટણી પંચની અંદર 10 મહિનામાં 14 વખત વાંધા કેમ નોંધાયા?
ગુજરાત જીતવા નીકળેલી કોંગ્રેસ સામે ભાજપ નહીં, પહેલા પોતાનું જ ઘર સંભાળવાનો પડકાર!
ભારતની GDP વૃદ્ધિ 7.8 ટકા પહોંચી, પરંતુ મોંઘવારી, માથાદીઠ આવક, રોજગાર અને ખરીદશક્તિ વચ્ચે સવાલ ઊભો થયો કે આ આર્થિક વિકાસનો વાસ્તવિક લાભ સામાન્ય માણસ સુધી કેટલો પહોંચ્યો?