શું મનસુખભાઇને ચૈતરભાઇથી રાજકીય ખતરો ખરો?
ગુજરાતના એક કવિએ લખ્યું છે — “બેચાર આપણાને આઘા ઘણાં કરું છું, હું પારકાને જ્યારે પણ આપણો કરું છું.” આજ શબ્દો ભારતીય જનતા પક્ષની હાલની પરિસ્થિતિને પ્રતિબિંબિત કરે છે. છેલ્લા દોઢ દાયકા થી ભાજપ પોતાના મૂળ સિદ્ધાંતો કરતાં સત્તા પર કબજો જાળવવા વધુ ઉત્સુક રહ્યું છે. જીત માટે ભાજપ “પારકાઓને પોતાનો” બનાવવા, અને પોતાના કાર્યકરોને દૂર કરવા માંડે છે. આ નીતિએ પક્ષની આંતરિક શક્તિ અને સમર્પિત કેડરને ધીમે ધીમે ખોખલા કર્યા છે.
ભરૂચના લોકસભા સાંસદ મનસુખભાઇ વસાવા એ આ આંતરિક વિસંગતિના જીવંત ઉદાહરણ છે. ૧૯૯૯થી સતત છ ટર્મથી લોકસભામાં ચૂંટાતા મનસુખભાઇ એક સમયના નિર્ભય અને લોકપ્રિય નેતા ગણાતા હતા. પરંતુ ૨૦૨૪ની ચૂંટણીમાં તેમની જીતનો અંતર ફક્ત ૪૮,૦૦૦ મતનો રહ્યો — જે ભાજપ માટે ચેતવણી સમાન છે. આ ચૂંટણી બાદ મનસુખભાઇએ પહેલી વખત ખુલીને આક્ષેપ કર્યો કે પક્ષના કેટલાક કાર્યકરો અને પ્રદેશ સ્તરના નેતાઓએ તેમની વિરુદ્ધ કામ કર્યું.
મનસુખભાઇના આ આક્ષેપો પક્ષના આંતરિક અસંતોષ અને નારાજગીને ઉજાગર કરે છે. ખાસ કરીને આદિવાસી પ્રદેશોમાં ભાજપની “પરિવર્તન નીતિ” હવે પ્રતિભાવ આપવા માંડી છે. મનસુખભાઇને લાગે છે કે ચૈતર વસાવાને અતિશય પ્રોત્સાહન મળી રહ્યું છે — ક્યારેક સરકારના સ્તરે પણ. નાના ગુના માટે ધરપકડ, જામીન ન મળવા દેવા અને ચૈતર વસાવાને પીડિત તરીકે પ્રોજેક્ટ કરવા જેવી પ્રવૃત્તિઓ એ સાબિત કરે છે કે ભાજપ પોતાના વરિષ્ઠ નેતાઓ કરતાં નવી રાજકીય સગાઈઓમાં વધુ રસ લે છે.
જો ચૈતર વસાવા ક્યારેક ભાજપમાં જોડાશે, તો મનસુખભાઇ વસાવાનું રાજકીય અસ્તિત્વ ગંભીર જોખમમાં મુકાય જશે. આ જ ચિંતા તેમના દરેક નિવેદનમાં ઝળકે છે. મનસુખભાઇ જાણે છે કે ભાજપે છેલ્લા વર્ષોમાં હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર કે કુંવરજી બાવળીયા જેવા “બાહ્ય” નેતાઓને સ્થાન આપીને પોતાના જ વફાદાર કાર્યકરોને હાશિયે ધકેલ્યા છે. પરિણામે પક્ષની તળિયાની સંસ્થા નબળી પડી રહી છે.
ભાજપનું સૂરજ હમણાં મધ્યાહ્ને છે, તેથી કોઇ ખુલ્લો વિદ્રોહ નથી. પરંતુ આ સંતોષનો આવરણ ક્યારેય પણ ફાટી શકે છે. મનસુખભાઇ જેવા નેતાઓની નારાજગી માત્ર વ્યક્તિગત નથી — તે એક મોટી ચેતવણી છે કે પક્ષની આંતરિક નીતિ હવે આત્મવિનાશ તરફ દોરી રહી છે. જો ભાજપે પોતાનો “આયારામ-ગયારામ” અભિગમ ન બદલ્યો, તો આગામી દાયકા દરમ્યાન પક્ષની વિચારધારાત્મક જમીન ખિસકી જશે અને તેની કેડર શક્તિ ધીમે ધીમે વિઘટિત થશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
ગુજરાત જીતવા નીકળેલી કોંગ્રેસ સામે ભાજપ નહીં, પહેલા પોતાનું જ ઘર સંભાળવાનો પડકાર!
ભારતની GDP વૃદ્ધિ 7.8 ટકા પહોંચી, પરંતુ મોંઘવારી, માથાદીઠ આવક, રોજગાર અને ખરીદશક્તિ વચ્ચે સવાલ ઊભો થયો કે આ આર્થિક વિકાસનો વાસ્તવિક લાભ સામાન્ય માણસ સુધી કેટલો પહોંચ્યો?
નવી માર્ગદર્શિકા ખાનગી રોપાણને પ્રોત્સાહન આપે છે, પર્યાવરણ અને જૈવ વૈવિધ્યને જોખમ