શું અંદામાન-નિકોબાર દ્વીપસમૂહનો ઈતિહાસ અને ભૂગોળ બદલાઈ જશે?
આ પ્રશ્ન આજે માત્ર પર્યાવરણવાદીઓ નહીં, પણ માનવ સંવેદના ધરાવતો દરેક નાગરિક પૂછવો જોઈએ. દેશના વિકાસની ભૂખ હવે ત્યાં પહોંચી ગઈ છે, જ્યાં સદીઓથી ઝીરો પ્રદૂષણ, અખંડ જંગલો અને દુનિયાની સૌથી દુર્લભ આદિવાસી પ્રજાતિઓ શાંતિથી જીવતી હતી.
સેનતનલિઝ, જારવા, ઓંગે, ગ્રેટ અંદામાનીઝ અને શોમપન — આ નામો માત્ર જનજાતિઓના નથી, પરંતુ માનવ ઇતિહાસની જીવતી ધરોહરછે. આજે આ તમામ પ્રજાતિઓની વસ્તી ગણતરીની રહી ગઈ છે. સેનતનલિઝ માત્ર ૫૦થી ૧૫૦, જારવા ૩૦૦–૪૦૦, ગ્રેટ અંદામાનીઝ માત્ર ૪૩, ઓંગે ૯૬ અને શોમપન ૨૨૯.
પ્રશ્ન એ છે કે ઉદ્યોગિકરણના નામે આ અસ્તિત્વને કોણ ખતમ કરવાનો અધિકાર આપે છે?
અંદામાન-નિકોબારના ૫૭૨ દ્વીપોમાંથી માત્ર ૩૭ દ્વીપ પર માનવ વસ્તી છે. છતાં હવે ૮,૦૦૦ સ્ક્વેર કિલોમીટરમાંથી ૭,૦૦૦ સ્ક્વેર કિલોમીટર જંગલ વિસ્તાર વિકાસ માટે નિશાન પર છે. કેન્દ્ર સરકારના દસ્તાવેજો મુજબ ૧૯ હેક્ટર જમીન પર કાયદેસર ખનન મંજૂરીઆપવામાં આવી છે.
પરંતુ સત્ય એ છે કે ગેરકાયદેસર ખનન રોકેટ ગતિએ ચાલી રહ્યું છે. તાજેતરમાં ૨૦૦ ચોરસ મીટર જમીન પર ગેરકાયદેસર ખનન બદલ ₹૭૦,૦૦૦ દંડ, જ્યારે એક વર્ષ પહેલા ₹૧.૨૫ કરોડનો દંડ ફટકારાયો હતો. (સ્ત્રોત: સ્થાનિક વહીવટી રેકોર્ડ)
આ તો શરૂઆત છે. ₹૭૨,૦૦૦ કરોડના રોકાણ સાથે ઔદ્યોગિક-બંદર-એરપોર્ટ વિકાસ યોજના ઘડાઈ રહી છે. ડિપ વોટર પોર્ટ, ગ્રીનફિલ્ડ એરપોર્ટ, ૪૫૦ મેગાવોટ ગેસ આધારિત પાવર પ્લાન્ટ, ટાઉનશીપ, ઔદ્યોગિક ઝોન અને વિસંગત રીતે કહેવાતું ‘ઇકો-ટુરિઝમ’.
કેન્દ્ર સ્વીકારે છે કે ૮ લાખ વૃક્ષ કાપવા પડશે, જ્યારે ખાનગી અંદાજ મુજબ આ આંકડો ૫૮ લાખ વૃક્ષો સુધી પહોંચે છે.
અરાવલી બચાવવા રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી રસ્તા પર ઉતર્યા. ત્યાં જનઆંદોલન ઊભું થયું. પરંતુ અંદામાનમાં કુલ વસ્તી જ સાડા ચાર લાખ છે.
અહીં કોણ લડશે? કોણ અવાજ ઉઠાવશે?
આ વિકાસ જંગલના ભોગે, આદિવાસીઓના અધિકારોના ભોગે અને પર્યાવરણના સંતુલનના ભોગે થશે. વિકાસ જો કરવો હોય તો જંગલ ઉજાડ્યા વગર પણ થઈ શકે, પરંતુ ત્યાં રોકડા ખણખણતા નથી. ખનન, બંદર અને કોન્ટ્રાક્ટમાંથી જે મળે છે, તે જ સાચો ‘વિકાસ’ ગણાય છે.
યાદ રાખજો, જોશીમઠ, ઉત્તરાખંડના ભૂસ્ખલન, હિમાલયની તૂટતી પરિસ્થિતિ — આ બધું ચેતવણી છે.
જ્યારે વિકાસ આંધળો બને, ત્યારે કુદરત રૌદ્ર સ્વરૂપ બતાવે છે.
અંદામાન માત્ર દ્વીપ નથી, તે ભારતની આત્મા છે. તેને કોંક્રિટમાં દફનાવવું એટલે આપણી આવતી પેઢીઓ સાથે વિશ્વાસઘાત.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
ચૂંટણી પંચની અંદર 10 મહિનામાં 14 વખત વાંધા કેમ નોંધાયા?
ગુજરાત જીતવા નીકળેલી કોંગ્રેસ સામે ભાજપ નહીં, પહેલા પોતાનું જ ઘર સંભાળવાનો પડકાર!
ભારતની GDP વૃદ્ધિ 7.8 ટકા પહોંચી, પરંતુ મોંઘવારી, માથાદીઠ આવક, રોજગાર અને ખરીદશક્તિ વચ્ચે સવાલ ઊભો થયો કે આ આર્થિક વિકાસનો વાસ્તવિક લાભ સામાન્ય માણસ સુધી કેટલો પહોંચ્યો?