અમદાવાદ એરપોર્ટના પરિસરમાં 12 જૂન 2025ની બપોર સામાન્ય નહોતી. એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 રનવે પરથી ઉડાન ભરી અને માત્ર થોડી જ ક્ષણોમાં ભયાનક અગ્નિકુંડમાં ફેરવાઈ ગઈ. 243 માંથી 242 મુસાફરો જીવતા ભડથું થઇ ગયા. દુર્ઘટનામાં માત્ર એક મુસાફર ચમત્કારિક રીતે બચ્યો. આ હ્રદય દ્રાવક ઘટનાની દુખ ભરી દાસ્તાનની શરૂઆત હતી—વિમાન જ્યાં ધરાશાયી થયું ત્યાં 13 નિર્દોષ સ્થાનિક નાગરિકો પણ મૃત્યુ પામ્યા. આ રીતે કુલ 255 મૃત્યુ. રાજ્યની સૌથી મોટી માનવ દુર્ઘટનાઓમાંની એક.
હોનારત બાદ દેશમાં શોકની લહેર ફેલાઈ. દરેકના હોઠ પર એક જ સવાલ—કેમ? અને કોની ભૂલ? પરંતુ આ બધાની વચ્ચે, તાતા જૂથના ચેરમેન એન. ચંદ્રશેકરન એક મહત્વપૂર્ણ વચન આપ્યું—રૂ. 25 લાખનું વચગાળાનું વળતર, અને બાદમાં રૂ. 1 કરોડનું અંતિમ વળતર દરેક પીડિત પરિવારને.
છ મહિના પૂરાં થવા આવ્યા. પરંતુ બેનિફિટ ન્યૂઝની તપાસ અને પીડિતોની વકીલ માઈક એન્ડ્રૂ સાથેની વાતચીત એક કડવી હકીકત રજૂ કરે છે—વચગાળાનું રૂ. 25 લાખ મળ્યું, પરંતુ રૂ. 1 કરોડનું મુખ્ય વળતર આજ સુધી મોટા ભાગના પરીવારોને મળ્યું નથી.
અહીં મૂળ સવાલ ઉદ્દભવે છે:
શું તાતા જૂથ પણ હવે વચન આપીને ભૂલી જવાનું શરૂ કરી દીધું છે?જે સંસ્થા જેમશતજી તાતા એ સ્થાપી, જે આર ડી તાતા અને રતન તાતા જેવા મહાનુભાવોની વારસામાં “વિશ્વસનીયતા” એ સૌથી મોટું મૂલ્ય છે, તે કંપનીમાંથી આવી બેદરકારીની અપેક્ષા કોઈ રાખતું નથી. જો રતન તાતા આજે હોત, તો શું આટલો વિલંબ થયો હોત? પીડિતોના દિલોમાં હજી પણ એ વિશ્વાસ ટકેલો છે.
દુર્ઘટનાની તપાસ પણ વિવાદોની વચ્ચે છે. તપાસ અહેવાલ લિક થઈ ગયો—અને તેમાં પાયલોટને જવાબદાર ઠેરવવાનો સંકેત હતો. પરંતુ પીડિતોના પરિવારજનો અને કેપ્ટન સુમિત સબરવાલના 91 વર્ષના પિતાએ સર્વોચ્ચ અદાલતમાં સ્પષ્ટ કહ્યું છે—આ તપાસ પર વિશ્વાસ નથી. તેમને ડર છે કે પાયલોટને ખોટી રીતે દોષિત ઠેરવવામાં આવશે, માત્ર બોઇંગ કંપનીને બચાવવા માટે.
એક તરફ નિર્દોષ લોકો મરણ પામે, બીજી તરફ કંપનીઓ અને શક્તિશાળી લોબી બચાવવામાં આવે—આ “ન્યૂ ઈન્ડિયા” ની નવી નૈતિકતા છે?
રુલિંગ પાર્ટીની મૌનતા સૌથી મોટો સવાલગુજરાત તથા કેન્દ્રની સત્તા પક્ષે તાતા જૂથને પૂછ્યું પણ નથી કે,
“વળતર કેમ અટક્યું?”
“સ્થાનિક 13 મોત માટે જવાબદાર કોણ?”
અને અહીં સમાજની “નૈતિકતા”નો અન્યાયકારી વિરોધાભાસ દેખાય છે. દારૂબંધીના નામે સત્તા પક્ષ નૈતિકતા અને સંસ્કારના પાઠ ભણાવે છે—પરંતુ જ્યારે નિર્દોષ નાગરીકોના વળતરનો સવાલ આવે ત્યારે મૌન કેમ? નૈતિકતા માત્ર નબળાં પર લાગુ પડે અને શક્તિશાળી પર નહીં?
તાતા જૂથ માટે અંતિમ સંદેશએન. ચંદ્રશેકરન,
તાતા જૂથ દેશની “ઇજ્જત” છે—અને આજે એ ઇજ્જત તમારા હાથમાં છે.
પીડિતોના પરિવારને એક કરોડનું વળતર તાત્કાલિક આપો.
તમારું મૌન તેમના ઘાવને વધુ ઊંડા કરે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
ચૂંટણી પંચની અંદર 10 મહિનામાં 14 વખત વાંધા કેમ નોંધાયા?
ગુજરાત જીતવા નીકળેલી કોંગ્રેસ સામે ભાજપ નહીં, પહેલા પોતાનું જ ઘર સંભાળવાનો પડકાર!
ભારતની GDP વૃદ્ધિ 7.8 ટકા પહોંચી, પરંતુ મોંઘવારી, માથાદીઠ આવક, રોજગાર અને ખરીદશક્તિ વચ્ચે સવાલ ઊભો થયો કે આ આર્થિક વિકાસનો વાસ્તવિક લાભ સામાન્ય માણસ સુધી કેટલો પહોંચ્યો?