જિલ્લા વધ્યા, તાલુકા વધ્યા, હવે તો “સરકાર તમારા દ્વારે” નહીં, પરંતુ “સરકારના દરવાજા નાગરીકોના માથા પર” આવી ચડ્યા છે એવું લાગે છે. તાજેતરમાં જ રાજ્ય સરકારએ ૧૭ નવા તાલુકા જાહેર કર્યા, જેના કારણે કુલ સંખ્યા ૨૬૫ થઈ. સાથે જ ૩૪ જિલ્લાઓ અને ૧૭ મહાનગરપાલિકાઓ – વાહ! સાંભળવામાં તો એવું લાગે કે હવે તો પ્રજા માટે વિકાસના વરસાદી છાંટા વરસી જવાના. પણ હકીકત એટલી કડવી છે કે આ બધું સુખાનંદ નાગરીકો માટે નથી, પણ સોનાની થાળી નેતાઓ, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો માટે જ છે.
પ્રજાને શું મળવાનું? સરકારી કચેરીના કાઉન્ટર પર વધુ ધક્કા. દરેક ગામને જિલ્લો જાહેર કરી દઈએ તો શું સરકારી સેવાઓ સુધરી જશે? જવાબ સ્પષ્ટ છે – નહીં! આ બધું તો નાગરીકોના નામે બિલ ફાડવાનું કાવતરું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મતે આ અત્યાર સુધીની સૌથી મોટી જાહેરાત છે. પરંતુ દરેક સરકાર પોતાના પૂર્વગામી સરકાર કરતાં “વધારે કર્યું” બતાવવાની દોડમાં જ છે. રૂપાણી સરકારના સમયમાં સૌથી વધુ ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂરી, ખેડૂતોને સૌથી મોટું રાહત પેકેજ, અને હવે પટેલ સરકારનું “ડ્રગ્સ પકડવાનો ઇતિહાસ” – આ દાવા સાંભળીને લાગે કે નેતાઓને માત્ર સુવર્ણ અક્ષરે નામ લખાવવાની ચિંતા છે. ગુણવત્તાસભર સેવા આપવી કે નાગરીકોને સરકાર વગર પણ જીવવાની સુવિધા આપવી – એ મુદ્દો ક્યારેય એજન્ડા પર નથી.
પ્રશ્ન એ છે કે નવા જિલ્લાઓ કે તાલુકાઓ બનવાથી સેવા સુધરે છે? ભાવનગર મહાનગરપાલિકા ૧૯૮૨માં બની હતી, આજે ૪૩ વર્ષ પછી શું? નગરવાસીઓને પૂછી લો – વિકાસની જગ્યાએ સમસ્યાઓ જ વધી છે. શંકરસિંહ વાઘેલા સરકારએ પોરબંદર જિલ્લો બનાવ્યો, પણ ૨૮ વર્ષ પછી પણ ત્યાંની સિવિલ હોસ્પિટલ બીજા જિલ્લાની સરખામણીમાં નબળી જ છે. રોજગારીનો અભાવ, સ્થળાંતર વધી રહ્યું છે. પ્રજાના શબ્દોમાં – “ખીચડી ખાવાના ફાફા છે અને સરકાર પીઝાની વાતો કરે છે.”
૨૦૧૩માં બનેલા મહિસાગર જિલ્લામાં પણ નવો સિવિલ હોસ્પિટલ મકાન ઉભું થયું, પણ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર નથી. તાલુકા પંચાયત જૂના મકાનમાં જ બેસે છે. મોટાં ભવનો બન્યાં, જિલ્લા સેવા સદન ઊભાં થયા, પોલીસ વડાની ચમકદાર ઓફિસો બની, પરંતુ નાગરીકોની સુવિધા ક્યાંય સુધરી નથી.
સાચી સેવા આપવા માટે મન, કર્મ અને વચનથી કટિબદ્ધ તંત્ર જરૂરી છે. પરંતુ આજે નેતાઓની સિદ્ધિ એટલે ફક્ત ભવ્ય બિલ્ડિંગ્સ, ફ્લાયઓવર અને ગાર્ડન. પરિણામે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓનાં પેટ ભરાય છે, નાગરિકો તો ખાલી હાથ જ રહે છે.
અરે સાહેબ, તાલુકા-જિલ્લા વધવાથી વિકાસ નથી થતો. સેવા વધે ત્યારે જ સાચા અર્થમાં “સરકાર તમારા દ્વારે” કહેવાય. નહીં તો આજની જેમ – “સરકારના વચન તમારા માથે.”
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
ગુજરાત જીતવા નીકળેલી કોંગ્રેસ સામે ભાજપ નહીં, પહેલા પોતાનું જ ઘર સંભાળવાનો પડકાર!
ભારતની GDP વૃદ્ધિ 7.8 ટકા પહોંચી, પરંતુ મોંઘવારી, માથાદીઠ આવક, રોજગાર અને ખરીદશક્તિ વચ્ચે સવાલ ઊભો થયો કે આ આર્થિક વિકાસનો વાસ્તવિક લાભ સામાન્ય માણસ સુધી કેટલો પહોંચ્યો?
નવી માર્ગદર્શિકા ખાનગી રોપાણને પ્રોત્સાહન આપે છે, પર્યાવરણ અને જૈવ વૈવિધ્યને જોખમ