ગુજરાતના રાજકારણમાં એહમદ પટેલનું નામ એક સીમાચિહ્ન સમાન હતું. તેમના સમયમાં ગુજરાત કોંગ્રેસ એટલે એહમદ પટેલ અને એહમદ પટેલ એટલે કોંગ્રેસ - આ સમીકરણ અતૂટ હતું. દિલ્હીમાં બેઠા-બેઠા પણ તેમને ગુજરાતના દરેક જિલ્લા, તાલુકા અને ગામની રાજકીય નાડ પારખતા આવડતી હતી. રાષ્ટ્રીય કોંગ્રેસની વ્યૂહરચના તેમના વિચારો પર આધારિત રહેતી.
આમ છતાં આટલા મોટા કદના નેતા પણ ગુજરાતમાં કોંગ્રેસની પડતીને અટકાવી શક્યા નહીં. તેમના અંતિમ વર્ષોમાં જાણે તેમની રાજકીય વ્યૂહરચનાઓ પણ નિષ્ફળ જતી દેખાઈ.
એક સમયે ગુજરાતનો મુસ્લિમ સમાજ એહમદ પટેલના શબ્દોને વેદવાક્ય માનતો. આ સમુદાય કોંગ્રેસ માટે રાજકીય ઓક્સિજન સમાન હતો - ચૂંટણીઓમાં જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવતો. પરંતુ એહમદ પટેલની હયાતીમાં જ આ વોટબેંક વિખેરાવા લાગી અને કોંગ્રેસને તેની ભારે કિંમત ચૂકવવી પડી.
હવે વાત કરીએ એહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલની. તેમણે શુક્રવારે મોડી સાંજે કોંગ્રેસ છોડવાની જાહેરાત કરી. તેમનું કહેવું છે કે તેમણે પક્ષ માટે ઘણું કામ કર્યું, પરંતુ પક્ષે તેમની કદર ન કરી. પરંતુ અહીં મૂળભૂત પ્રશ્ન એ છે કે - જ્યારે એહમદ પટેલ જેવા દિગ્ગજ નેતા પક્ષને બચાવી ન શક્યા, ત્યારે તેમના પુત્ર ફૈઝલ, જે હજુ જમીની સ્તરે પોતાનું રાજકીય કદ બનાવી શક્યા નથી, તેમના જવાથી કોંગ્રેસને કેટલું નુકસાન થઈ શકે?
માધ્યમોએ પોતાને કેટલાક મહત્વના પ્રશ્નો પૂછવા જોઈએ. જેમ કે - ફૈઝલ પટેલે કોંગ્રેસી કાર્યકર તરીકે ક્યા ક્યા બૂથ, ગામ કે તાલુકામાં સક્રિય કામગીરી કરી? ગુજરાત કોંગ્રેસના ૨૫ થી ૩૦ લાખ આજીવન કાર્યકરો માંથી કેટલા તેમને વ્યક્તિગત રીતે ઓળખે છે? કેટલા કાર્યકરો તેમના કહેવાથી પક્ષ માટે કામ કરવા તૈયાર થાય છે?
વધુ મહત્વનો પ્રશ્ન એ છે કે શું તેમના બહેન મુમતાઝ પણ પક્ષ છોડશે? શું મુમતાઝ માને છે કે તેમના ભાઈના જવાથી ભરૂચમાં કોંગ્રેસને નુકસાન થશે? ભરૂચના મુસ્લિમ કાર્યકરો ફૈઝલને કેવી રીતે જુએ છે - એક સ્વતંત્ર નેતા તરીકે કે માત્ર અહમદ પટેલના પુત્ર તરીકે?
શું ભરૂચના ૮૦ ટકા મુસ્લિમ મતદારો ફૈઝલના કારણે જ કોંગ્રેસને મત આપતા હતા? શું તેમના જવાથી આ મતદારો ભાજપ કે આમ આદમી પાર્ટી તરફ વળી જશે?
માધ્યમોએ વિચારવું જોઈએ કે તેઓ આ મુદ્દાને વધારે પડતો ઉછાળીને વંશવાદી રાજકારણને તો પ્રોત્સાહન નથી આપી રહ્યા ને? ફૈઝલ માટે સૌથી મહત્વનું એ છે કે તેઓ પોતાની રાજકીય કારકિર્દી પોતાની મહેનતથી બનાવે, માત્ર પિતાના નામ પર નહીં.
જો તેઓ બીજા કોઈ પક્ષમાં જાય, તો તે પક્ષના નેતાઓ કદાચ એહમદ પટેલના પુત્ર સાથે થયેલા અન્યાયની વાત ઉછાળશે. આનાથી એહમદ પટેલની આજીવન બનાવેલી રાજકીય મૂડી અને વિચારધારાને નુકસાન થશે. આમ, ફૈઝલના રાજીનામાથી કોંગ્રેસ કરતાં એહમદ પટેલની વ્યક્તિગત પ્રતિષ્ઠાને વધુ નુકસાન થવાની સંભાવના છે.
અંતમાં, એવું પણ બની શકે કે ભરૂચ કોંગ્રેસના નેતાઓ જ એવું વિચારતા થાય કે "ઝાડ ગયું ને જગ્યા થઈ." આ સ્થિતિમાં માધ્યમોએ વધુ વાસ્તવિક અને ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવાની જરૂર છે, નહીં કે માત્ર સપાટી પરની ઘટનાઓને મોટું સ્વરૂપ આપવાની.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
ચૂંટણી પંચની અંદર 10 મહિનામાં 14 વખત વાંધા કેમ નોંધાયા?
ગુજરાત જીતવા નીકળેલી કોંગ્રેસ સામે ભાજપ નહીં, પહેલા પોતાનું જ ઘર સંભાળવાનો પડકાર!
ભારતની GDP વૃદ્ધિ 7.8 ટકા પહોંચી, પરંતુ મોંઘવારી, માથાદીઠ આવક, રોજગાર અને ખરીદશક્તિ વચ્ચે સવાલ ઊભો થયો કે આ આર્થિક વિકાસનો વાસ્તવિક લાભ સામાન્ય માણસ સુધી કેટલો પહોંચ્યો?