એક નહીં, પરંતુ અનેક બાળકોએ જીવન ગુમાવ્યું — કારણ માત્ર એક “મંજૂરી આપેલી દવા”. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં બનેલા સિરપકાંડની ઘટના દેશના આરોગ્ય તંત્રની લાચાર સ્થિતિને ઉઘાડે પાડે છે. જે દવા બાળકોને આરામ આપવાની હતી, તે જીવ લેનાર સાબિત થઇ. વધુ ભયાનક એ છે કે આ દવા બનાવતી કંપનીને અગાઉ બ્લેકલિસ્ટ કરાઇ હતી, છતાં બે વર્ષમાં જ તે ફરી બજારમાં પરત આવી — તે પણ રાજ્યની મંજૂરી સાથે. પ્રશ્ન ઉઠે છે: શું ફૂડ અને ડ્રગ કન્ટ્રોલ તંત્ર હવે ફાર્મા લોબીનું રમકડુ બની ગયું છે?
આ દવા તામિલનાડુની લેબોરેટરીમાં “નોટ ઓફ સ્ટાન્ડર્ડ ક્વોલિટી” તરીકે જાહેર થઇ હતી, જેમાં ૪૮ ટકા ડાયથેલિન ગ્લાયકોલ મળ્યું — જે ઝેર છે. પરંતુ બીજા રાજ્યમાં એ જ દવા મંજૂર થઇ જાય, તો તે બતાવે છે કે મંજૂરીની પ્રક્રિયા કેટલા કાણા અને કેટલો ભ્રષ્ટાચાર છે. અલગ અલગ રાજ્યોના નિયમો અને કાયદાઓનો લાભ લઇ ફાર્મા કંપનીઓ કાયદાને ઘોળી પી ગયાં છે, જ્યારે નિર્દોષ નાગરીકો તેના ભોગ બને છે.
મધ્યપ્રદેશ સરકારે મૃત બાળકોના પરિવારને રૂ. ૪ લાખનું વળતર આપીને મામલો પૂરો કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ બાળકોની જાનની કિંમત શું માત્ર ચાર લાખ છે? તંત્રમાં બેઠેલા ઉચ્ચ અધિકારીઓ, જેમણે મંજૂરી આપી, અને ફાર્મા માલિકો સામે ફોજદારી કાર્યવાહી થવી જોઇએ. જો તંત્ર પોતાને બચાવવા માટે ફક્ત એકાદ અધિકારીને સસ્પેન્ડ કરીને શાંત બેસી જાય, તો આવું કાંડ ફરી ફરી થશે.
ગુજરાત સરકારે ૫૦૦ દવા ઉત્પાદકો સામે સર્ચ કર્યા અને હવે માર્ગદર્શિકા બનાવવાની વાત કરી છે — પરંતુ પ્રશ્ન એ છે કે આવા પગલાં હંમેશા “ઘટના પછી” જ કેમ લેવાય છે? શું કોઇ આગોતરૂ ચેતવણી સિસ્ટમ કે કડક મંજૂરી પ્રક્રિયા નથી? જે બે કંપનીઓના નામ મધ્યપ્રદેશના સિરપકાંડમાં ઉઘડ્યાં, તેમના એકમ સીલ કરી ઉત્પાદન બંધ કર્યું.
દર વખતે જર્ક રિએકશન આપીને કામ પૂરું માની સરકાર પોઢી જાય છે. આ તંત્રની નીતિગત નિષ્ફળતા છે. ફૂડ અને ડ્રગ પોલિસી સુધારાનો કકળાટ વર્ષોથી ચાલી રહ્યો છે, પરંતુ દવાની મંજૂરીની પ્રક્રિયા હજી opaque અને ભ્રષ્ટ છે.
રાજ્યો વચ્ચે ડેટા-શેરિંગ મિકેનિઝમ ન હોવાને કારણે ઝેરી દવા એક રાજ્યમાં પ્રતિબંધિત થાય અને બીજે મંજૂર થાય — એ વિસંગતતા પોતાના જાતે તંત્રની નિષ્ફળતાનો પુરાવો છે.
સરકારોએ હવે આ મરણાસન્ન મંજૂરી પ્રણાલી પર મૂળભૂત સુધારા લાવવાની હિંમત બતાવવી પડશે — નહિતર “સીરપકાંડ” જેવી શરમજનક ઘટનાઓ આપણાં બાળકોના ભવિષ્યને ઝેર આપતી રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
ગુજરાત જીતવા નીકળેલી કોંગ્રેસ સામે ભાજપ નહીં, પહેલા પોતાનું જ ઘર સંભાળવાનો પડકાર!
ભારતની GDP વૃદ્ધિ 7.8 ટકા પહોંચી, પરંતુ મોંઘવારી, માથાદીઠ આવક, રોજગાર અને ખરીદશક્તિ વચ્ચે સવાલ ઊભો થયો કે આ આર્થિક વિકાસનો વાસ્તવિક લાભ સામાન્ય માણસ સુધી કેટલો પહોંચ્યો?
નવી માર્ગદર્શિકા ખાનગી રોપાણને પ્રોત્સાહન આપે છે, પર્યાવરણ અને જૈવ વૈવિધ્યને જોખમ