સમાજના નામે કેટલાક નિવેદનો આજકાલ ચર્ચાનો કેન્દ્ર બની જાય છે. એક દિવસે સાંભળવા મળે કે દિકરીઓએ પોતાની સુરક્ષા માટે બંદૂક રાખવી જોઇએ, તો બીજા દિવસે કહેવામાં આવે કે સચિવાલયમાં એક જ જાતિના અધિકારીઓ હોવા જોઈએ. નવરાત્રીમાં કયા ગીત વગાડવા, શું અશ્લીલ છે કે શું નહીં – આ નક્કી કરવાની સત્તા કોને છે? પ્રશ્ન માત્ર આ નિર્ણયોના યોગ્ય-અયોગ્યનો નથી, પરંતુ આ નેતાઓના હેતુઓનો પણ છે. શું તેઓ ખરેખર સમાજના ઉત્થાન માટે કામ કરી રહ્યા છે કે સમાજના ઓથાનો સહારો લઈને રાજકીય ફાયદા ભેગા કરી રહ્યા છે?
તાજેતરમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના અગ્રણી આર.પી. પટેલે આપેલા નિવેદને વિવાદ સર્જયો છે. તેમણે જણાવ્યું કે આજની અને આવતી પેઢીએ ત્રણથી ચાર બાળકો કરવા જોઈએ. આ નિવેદન દેખાવમાં પરંપરાગત મૂલ્યોનો આધાર ધરાવે એવું લાગી શકે, પરંતુ આજની આર્થિક અને સામાજિક પરિસ્થિતિમાં આ કેટલું વાસ્તવિક છે? સમાજના બધા પરિવારો પાસે એટલું આર્થિક બળ છે કે તેઓ ચાર સંતાનોને ઉછેરી શકે, શિક્ષણ અપાવી શકે અને આરોગ્ય સેવાઓ પૂરી પાડી શકે? જો નહીં, તો શું આ સામાજિક સંસ્થાઓ જીવનભર તેમનો ભાર ઉઠાવશે? માત્ર બે-ચાર શાળાઓ કે હોસ્ટેલ ચલાવવાથી આખા સમાજ માટે નીતિ ઘડવાનો અધિકાર મળી જાય એવું નથી.
પાટીદાર નેતા મનહરભાઈ પટેલે તો આ નિવેદનનો ખુલ્લેઆમ વિરોધ કરતાં એવો આક્ષેપ કર્યો કે ચૂંટણી પંચના નવા નિયમ પ્રમાણે બે કરતાં વધુ સંતાનો ધરાવતી વ્યક્તિ ચૂંટણી લડી શકતી નથી. આથી, જો કોઈ નેતા ચાર સંતાનો રાખે તો કાનૂની રીતે રાજકીય પાત્રતા ગુમાવી શકે છે. ખોટા પુરાવા આપી ચૂંટણી જીતનારનું પદ પણ બાદમાં રદ થઈ શકે છે. એટલે આ નિવેદન પાછળ રાજકીય હેતુ છુપાયેલ હોવાનો સંકેત નકારી શકાય તેમ નથી.
મૂળ સમસ્યા એ છે કે આવા વિવાદિત નિવેદનો ચર્ચાનો વિષય બની જાય છે, જ્યારે સમાજ સુધારણા, કુપ્રથાઓના નાબૂદીકરણ, શિક્ષણ-સ્વાસ્થ્ય સુવિધાઓના વિસ્તરણ અને યુવાઓને યોગ્ય દિશામાં દોરવા જેવા અગત્યના મુદ્દાઓ પર પૂરતું ધ્યાન જ નથી અપાતું. મહર્ષિ દયાનંદ સરસ્વતી, રવિશંકર મહારાજ, શારદા મહેતા, વિદ્યાગૌરી નિલકંઠ કે ગોપાલદાસ દેસાઈ જેવી સેવા ભાવના ધરાવતા સામાજિક ચળવળકાર જેવા આગેવાનો આજના સમયકાળમાં ભાગ્યે જ જોવા મળે છે.
સમાજના નેતાઓ પાસેથી અપેક્ષા એટલી જ છે કે તેઓ લોકોને એકતા અને પ્રગતિ તરફ દોરી જતાં નિવેદનો આપે, રાજકીય લાભ માટે સમાજના નામનો ઉપયોગ બંધ કરે અને સાચા અર્થમાં ‘સામાજિક આગેવાની’ કરે. સમાજના નામે આપવામાં આવતા અસંગત સૂચનો અને ઘોંઘાટ કરતાં નીતિ-નિયમો અને હકીકતોના આધારે માર્ગદર્શન આપવું એ જ આગેવાનીનું સાચું પરિમાણ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
ચૂંટણી પંચની અંદર 10 મહિનામાં 14 વખત વાંધા કેમ નોંધાયા?
ગુજરાત જીતવા નીકળેલી કોંગ્રેસ સામે ભાજપ નહીં, પહેલા પોતાનું જ ઘર સંભાળવાનો પડકાર!
ભારતની GDP વૃદ્ધિ 7.8 ટકા પહોંચી, પરંતુ મોંઘવારી, માથાદીઠ આવક, રોજગાર અને ખરીદશક્તિ વચ્ચે સવાલ ઊભો થયો કે આ આર્થિક વિકાસનો વાસ્તવિક લાભ સામાન્ય માણસ સુધી કેટલો પહોંચ્યો?