રાજ્ય સરકારની “નજર કરુણ, ક્રિયા મૃણ્મય” નીતિનો સૌથી તાજો દાખલો છે સુરતના રત્નકલાકારોની કથળી ગયેલી હાલત. આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ એક જ ચીમકીમાં આખું તંત્ર જગાડીને બતાવી દીધું કે “ઝુક્તી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહીએ” ફક્ત ફિલ્મી ડાયલોગ નથી – તે આજે પણ જીવંત છે.
રત્નકલાકારોના સંતાનોની શાળાની ફી માટે રાજ્ય સરકારે ૬૫ કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું. પરંતુ, જાહેર કરવું એક વાત છે; અમલમાં મુકવું બીજી. મે મહિનાની જાહેરાત સપ્ટેમ્બર સુધી ફાઈલોના ઢગલામાં ધૂળ ખાઇ રહી છે. સ્કૂલ ફી દર ત્રિમાસિક ચૂકવવાની હોય, પરંતુ સહાય મળે ત્યાં સુધી બાળકોના માતાપિતા દેવું કરે કે ભણતર છોડે – એનો જવાબદાર કોણ?
ભાજપના દસેય ધારાસભ્યો સુરતમાંથી ચૂંટાયા, પરંતુ રત્નકલાકારો માટે કોઈના હોઠ હલ્યા નહીં. આ પ્રજા પ્રતિનિધિઓ પ્રજાના દુઃખમાં ઘેટાંની જેમ એકબીજાને જોઈને ઊભાં રહે છે – કુવામાં પહેલું ઘેટું પડે તો બાકી બધાં પાછળ પડે. ને કહેવાય પ્રજાના પ્રતિનિધિ!
ગોપાલ ઇટાલિયાએ હિમ્મત કરીને રત્નકલાકાર અધિકાર પદયાત્રાની જાહેરાત કરી, ને સરકારને “જશ ઇટાલિયા ખાઇ જશે” એવો ભય લાગ્યો. ત્યારબાદ જ સરકારી તંત્ર ફડાકથી ઉઠ્યું અને સહાયની ચૂકવણીની જાહેરાત કરી. પરંતુ ફક્ત જાહેરાત પૂરતી નથી; અમલના દાંત દેખાડવા પડશે, નહિંતર ઇટાલિયા ફરી એક ચીમકી આપશે.
હિરા ઉદ્યોગ દાયકાઓથી રાજ્યની આર્થિક રીડ છે. ચૂંટણીમાં ફંડ આપે, મત આપે, છતાં તેના કર્મચારીઓના હિતમાં સરકારને નિયમો-કાયદા કરવાના નથી. મોટી કોર્પોરેટ કંપનીઓ માટે સરકાર અબજોના પેકેજ જાહેર કરે, પરંતુ નાના એકમો અને બિનસંગઠિત કામદારો માટે તે સંવેદનહીન છે. છેલ્લા બે-ત્રણ વર્ષથી હિરા ઉદ્યોગ મંદીમાં છે; આત્મહત્યાના કિસ્સા વધી રહ્યા છે. છતાં સરકાર ફક્ત “જાહેરાત”ના ભરોસે ચાલે છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની સૌમ્ય છબી બરાબર છે, પરંતુ આ ડાયનોસર જેવા ચેતનાવિહિન વહિવટતંત્રને ચાલું કરવા લાલ આંખ અને કડક હાથ જોઇએ. નહિતર સરકારની આબરુના લિરા ઉડી જશે. આ પેકેજની રકમ સમયસર ચુકવવી તમારી ફરજ છે; તેને અધિકારીઓના ભરોસે મૂકી સૂઈ ન જવાય. પ્રજાના કારણે તમે નેતા છો; પ્રજા વચ્ચે તમારે રહેવાનું છે – તે ભૂલશો નહીં.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
ગુજરાત જીતવા નીકળેલી કોંગ્રેસ સામે ભાજપ નહીં, પહેલા પોતાનું જ ઘર સંભાળવાનો પડકાર!
ભારતની GDP વૃદ્ધિ 7.8 ટકા પહોંચી, પરંતુ મોંઘવારી, માથાદીઠ આવક, રોજગાર અને ખરીદશક્તિ વચ્ચે સવાલ ઊભો થયો કે આ આર્થિક વિકાસનો વાસ્તવિક લાભ સામાન્ય માણસ સુધી કેટલો પહોંચ્યો?
નવી માર્ગદર્શિકા ખાનગી રોપાણને પ્રોત્સાહન આપે છે, પર્યાવરણ અને જૈવ વૈવિધ્યને જોખમ