વડગામમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો અતિ-ભવ્ય રોડ-શો માત્ર રાજકીય ઘટના તરીકે નહીં પરંતુ પ્રતિક તરીકે પણ જોવો પડે. પ્રશ્ન એ નથી કે સંઘવી કેવો લોકપ્રિય છે—પ્રશ્ન એ છે કે આ સમયે પ્રજાને શું જોઈએ અને રાજ્યના વહીવટનું ધ્યાન ક્યાં કેન્દ્રિત છે. વડગામ એટલે જિગ્નેશ મેવાણીનો મતવિસ્તાર. સ્વાભાવિક છે કે અહીં રાજકીય સંદેશ આપવાનો પ્રયત્ન થયો. પણ શું આ સંદેશ એ હતો કે સંઘવી local જનતા કરતાં પણ મોટા છે? કે પછી એ ડર હતો કે મેવાણી સબક શીખવાડતાં પહેલા પોતાનું પ્રદર્શન કરી શક્તિ પ્રદર્શન કરી લેવું?
રોડ-શો દરમિયાન સંઘવીને કાર્યકરના ખંભા પર ચઢીને “વિજયી વીર” જેવા પોઝ આપતા જોવા મળ્યાં. જે દ્શ્યો ઊભા થયા તે જાણે કોઈ મોટી જંગ જીતીને આવ્યા હોય તેમ. પરંતુ વાસ્તવિક જંગ તો બીજી છે—વધતીગુનાખોરી, ઉડતી દારૂની છોળો અને ડ્રગ્સની હેરાફેરી સતત ચર્ચામાં, અને કાયદો-વ્યવસ્થા અંગે લોકોમાં વધતી અસુરક્ષા.
રાજ્યમાં સરેરાશ દૈનિક ૧૦૮૨ નવા કેસ નીચલી અદાલતમાં આવે છે, જેમાંના ઓછામાં ઓછા ૫૦ ટકા ક્રિમિનલ કેસ છે. ૨૦૨૪ ની સરખામણીએ ૨૦૨૫ માં ૩.૪૪ લાખ વધુ ગુન્હા નોંધાયા. આ સ્થિતિ સ્પષ્ટ બતાવે છે કે પોલીસની કામગીરીને ફોકસ અને સંસાધનોની જરૂર વધુ છે. પરંતુ રાજ્યની પોલીસનો મોટો હિસ્સો રાજકીય કાર્યક્રમોમાં, નેતાઓની સુરક્ષા ગોઠવણમાં અને કાર્યક્રમોની સજાવટમાં વ્યસ્ત હોય, ત્યારે પ્રજાએ પૂછવાનો અધિકાર છે — અમારા કરથી ચાલતી પોલિસ તેમના માટે છે કે રાજનેતાઓના કાર્યક્રમો માટે?
સરકારી કાર્યક્રમોમાં અનહદ વધારો ચર્ચાસ્પદ છે. સપ્તાહનો ભાગ્યે જ કોઇ દિવસ એવ હશે કે કોઇ ને કોઇ જિલ્લા, નગર, કે ગામમાં સરકારી કાયક્રમ, યાત્રા કે ઉજવણી હોય જ છે. દરેક કાર્યક્રમ માટે પોલીસને કલાકો સુધી મોકલવામાં આવે, પછી આ જ ફોર્સને સામાન્ય લોકોની ફરિયાદ, તપાસ અને સુરક્ષા આપવા સમય ક્યાંથી મળશે? અને જો ગુનાખોરી વધે તો જવાબદાર કોણ?
પ્રજાએ પણ વિચારવું જોઈએ: શું નેતાઓના શબ્દોમાં અને જાહેરાતોમાં મળતી “સલામતી” સાચી છે કે માત્ર ગુંજતા સ્લોગન? ગુજરાત સલામત છે એ વાત બોલવાથી નહીં બને—દરેક મા-બાપની દૈનિક ચિંતા એનું મૂલ્ય બતાવે છે. ઘરનું કોઇ સભ્ય બહાર જાય અને સમયસર પાછું ન આવે તો નબળું દિલ કેવી રીતે ધબકે છે, એના માટે કોઈ ડેટા જોઈએ? નહીં. એ તો દરેક ઘરની હકીકત છે.
સંઘવી વારંવાર કહે છે કે “અડધી રાત્રે ફોન કરો, હું આવી જઈશ.” પરંતુ નેતા આવે એ પહેલાં પોલીસ આવે એ જરૂરી છે. જો સ્થાનિક પોલીસ અસરકારક નથી તો સુધારણા કરો. 2021માં એક માતાને ન્યાય અપાવવાનો આપેલો વચન હજી લોકોના મનમાં છે—એ માત્ર વચન જ રહી ગયું.
દર વખતે “તમને જસ્ટ ફોન કરજો” કહેવું સરળ છે — પરંતુ પ્રજાને દરરોજ ફોન કરી શકાય તેવી સિસ્ટમ આપવી વધુ મહત્વપૂર્ણ છે. નેતાઓના શબ્દો મીઠાં હોઈ શકે છે, પરંતુ ન્યાય મીઠો હોવો જોઈએ. અને ન્યાય ત્યારે મળશે જ્યારે સરકાર પ્રાથમિકતા સાચી રીતે નક્કી કરે: પ્રથમ પ્રજા, પછી દેખાવો.
જનતાએ પણ પોતાના હક માટે સવાલ પૂછવાની ટેવ વિકસાવવી પડશે. નહીં તો નેતાઓ બોલ બચ્ચન કરે અને પ્રજા તાળીઓ પાડી આનંદ કરે — જ્યારે કાયદો-વ્યવસ્થા છિન્નભિન્ન થતી રહે. નેતાઓના નાટકોથી સુરક્ષા ન મળે; કડક વહીવટથી મળે.
રાજનીતિના રોડ-શો નહિ, પણ કાયદાની રોડ-મેપ Gujarat માં સુરક્ષાને સાચવશે — અને એ કામ દેખાવથી નહિ, નિર્ણાયક કામગીરીથી થશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
ચૂંટણી પંચની અંદર 10 મહિનામાં 14 વખત વાંધા કેમ નોંધાયા?
ગુજરાત જીતવા નીકળેલી કોંગ્રેસ સામે ભાજપ નહીં, પહેલા પોતાનું જ ઘર સંભાળવાનો પડકાર!
ભારતની GDP વૃદ્ધિ 7.8 ટકા પહોંચી, પરંતુ મોંઘવારી, માથાદીઠ આવક, રોજગાર અને ખરીદશક્તિ વચ્ચે સવાલ ઊભો થયો કે આ આર્થિક વિકાસનો વાસ્તવિક લાભ સામાન્ય માણસ સુધી કેટલો પહોંચ્યો?