સરકારી કાર્યક્રમો માટે આમંત્રણ કાર્ડ કેવા હશે, વાઇબ્રન્ટ ગુજરાતમાં મહેમાનો માટે જમણવાર કેટલો ભવ્ય હશે, કોને કોન્ટ્રાક્ટ મળશે—આ બધું નક્કી કરવા માટે ગુજરાતનું વહિવટી તંત્ર દિવસો સુધી મિટિંગ કરે છે. પરંતુ જે શિક્ષણ ભારતનું ભવિષ્ય ઘડે છે, તેના મુદ્દે આ જ તંત્ર અચાનક નિષ્ક્રિય, બેદરકાર અને ઉદાસીન બની જાય છે. આ વિસંગતિ માત્ર નીતિની નથી, પણ પ્રાથમિકતાઓની છે.
કરદાતા તરીકે તમારા કરના પૈસા શિક્ષણ અને સ્વાસ્થ્યમાં કેટલા ખર્ચાય છે, એ પ્રશ્ન પૂછવાની જગ્યાએ આપણે પણ દેખાડાની રાજનીતિમાં ફસાયેલા છીએ. પરિણામે, આપણા પ્રતિનિધિઓ પણ દેખાડા પાછળ કરોડો ખર્ચવામાં ગર્વ અનુભવે છે, જ્યારે સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓ શ્વાસ લઈ રહી છે.
ગુજરાતમાં કહેવત ઉલટી રીતે લાગુ પડે છે—જેમ પ્રજા, તેમ પ્રતિનિધિઓ અને તેમનું વહિવટી તંત્ર. ‘સ્કૂલ ઓફ એક્સલન્સ’ના નામે ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓ માટે બનાવાયેલા કડક અને અશક્ય નિયમો સ્પષ્ટ કરે છે કે સરકાર ટૂંકા નહીં તો લાંબા ગાળે સંપૂર્ણ ખાનગીકરણ તરફ દોડે છે.
ગીજુભાઈ બધેકાનું સૂત્ર હતું—‘ભાર વિનાનું ભણતર’. પરંતુ આજે શિક્ષણનો ભાર વાલીઓના ખિસ્સા પર નાખવામાં આવી રહ્યો છે. જમણેરી પક્ષ સત્તામાં આવ્યા બાદ ગુજરાતીઓની આવકનો ૪૦થી ૫૦ ટકા હિસ્સો શિક્ષણમાં ખર્ચાવા લાગ્યો છે, કારણ કે સરકારી શાળાઓને વ્યવસ્થિત રીતે કમજોર બનાવવામાં આવી છે.
સરકારી શાળાના શિક્ષકોને મતદાર યાદી, વસ્તી ગણતરી અને કાર્યક્રમોમાં વ્યસ્ત રાખવામાં આવે છે. પરિણામે શિક્ષણ નબળું પડે છે અને વાલીઓ મજબૂરીથી ખાનગી શાળાઓ તરફ વળે છે. ખાનગી શાળાઓને મંજૂરી સરળતાથી મળે છે, જ્યારે ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓએ અભિમન્યુના સાત કોઠા પાર કરવા પડે છે.
તાજેતરમાં રાજ્ય સરકારે ગ્રાન્ટ-ઇન-એડ હાઇસ્કૂલ માટે નિયમો વધુ કડક બનાવ્યા. શહેરી વિસ્તારમાં વિદ્યાર્થીઓની સરેરાશ ૮૦ ટકા હાજરી ફરજિયાત, ૭૯ ટકા થાય તો ૨૫ ટકા ગ્રાન્ટ કાપ. ગ્રામ્ય વિસ્તારમાં પણ આવી જ દંડાત્મક વ્યવસ્થા. આજે રાજ્યમાં માત્ર ૪૦૦૦ જેટલી ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓ બચી છે, જે ખર્ચ કરતાં ઓછી સહાય છતાં ટ્રસ્ટના સહારે ચાલે છે.
દરેક શાળાને ૧૫ કોમ્પ્યુટર અને ફરજિયાત ઇન્ટરનેટ, પરંતુ વાર્ષિક ગ્રાન્ટ માત્ર ₹૬૦૦૦. જ્યારે ન્યૂનતમ ઇન્ટરનેટ પેકેજનો ખર્ચ જ ₹૧૦,૦૦૦થી વધુ થાય છે. ગ્રાન્ટ ત્રણ મહિને મળે—કયો ટેલિકોમ પ્રોવાઇડર ઉધાર આપે?
૧૯૯૮ના ભાડા દરે આજે પણ શાળાઓ ચલાવવાની અપેક્ષા રાખવી કેટલી વાજબી? નવી ક્લાસ શરૂ કરવી હોય તો ૫ કિ.મી.માં બીજી શાળા ન હોવી જોઈએ અને નજીકની ખાનગી શાળાથી એનઓસી લાવવી પડે—પરંતુ ખાનગી શાળાને ગ્રાન્ટ-ઇન-એડની બાજુમાં શાળા ખોલવાની છૂટ!
એકાદ શાળામાં ભૂતીયા વિદ્યાર્થી હોય તો કાર્યવાહી કરવાની જગ્યાએ બધી ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓને સજા—આ તો પાડાના વાંકે પખાલીને ડામ છે.
આજે ૪૦–૫૦ વર્ષથી ઉપરના ૮૦ ટકા ગુજરાતીઓ સરકારી કે ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાંથી ભણ્યા છે. એક વખત તમારી શાળા કે કોલેજની હાલત જોઈ આવો—એ બચી પણ છે કે નહીં?
ગુજરાતને ખાનગીકરણ નહીં, ગ્રાન્ટ-ઇન-એડને પ્રોત્સાહન જોઈએ. કરદાતા શિક્ષણ, સ્વાસ્થ્ય અને માળખાં માટે કર ભરે છે—દેખાડા અને ભવાડા માટે નહીં.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
ચૂંટણી પંચની અંદર 10 મહિનામાં 14 વખત વાંધા કેમ નોંધાયા?
ગુજરાત જીતવા નીકળેલી કોંગ્રેસ સામે ભાજપ નહીં, પહેલા પોતાનું જ ઘર સંભાળવાનો પડકાર!
ભારતની GDP વૃદ્ધિ 7.8 ટકા પહોંચી, પરંતુ મોંઘવારી, માથાદીઠ આવક, રોજગાર અને ખરીદશક્તિ વચ્ચે સવાલ ઊભો થયો કે આ આર્થિક વિકાસનો વાસ્તવિક લાભ સામાન્ય માણસ સુધી કેટલો પહોંચ્યો?